સઈદને સોંપવાની માગ બહુ કરી, હવે એક્શન જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતે મુંબઈમાં ૨૦૦૮ના દિવસે થયેલા ભીષણ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હફીઝ સઈદને ભારતને સોંપવાની માગણી કરેલી ને પાકિસ્તાને આ માગને ફગાવી દીધી.
કોઈને સવાલ થશે કે આ વાતમાં નવું શું ?
સાવ સાચી વાત છે કેમ કે આ વાતમાં નવું કશું નથી ને એટલે જ તેની ચર્ચા જરૂરી છે. ભારત ક્યાં સુધી આ રીતે પાકિસ્તાન સામે સઈદને સોંપવાની વ્યાજબી માગણી કર્યા કરશે ને પાકિસ્તાન આપણને હડધૂત કર્યા કરશે ? વરસોથી આ જ ક્રમ ચાલ્યા કરે છે એ જોતાં હવે ભારતે કંઈક ‘નવું’ કરવાનો સમય આવી ગયો છે એવું લાગે છે. ભારતે સઈદના પ્રત્યાર્પણની માગ કરી એ સાવ સામાન્ય મુદ્દો હતો પણ પાકિસ્તાને તેનો ઉપયોગ પોતે ભારતને મચક આપતું નથી એ બતાવવા કર્યો, ભારતને પોતે ગણકારતું નથી એવું સાબિત કરવા કર્યો એ પછી તો ભારતે પણ પાકિસ્તાનને ચમકારો બતાવવો જ જોઈએ, કશુંક તો નવું’ કરવું જ જોઈએ.
આ ‘નવું’ શું હોઈ શકે તેની વાત કરતાં પહેલાં પાકિસ્તાનના વલણની વાત કરી લઈએ. ભારત સરકારે સઈદના પ્રત્યાર્પણની માગ કરી એ મોટી વાત નથી. રાજદ્વારી સ્તરે આ બધી વાતો ચાલ્યા કરતી હોય છે. એકબીજાને પત્રો લખાય ને માગણીઓ થાય, સામસામા આક્ષેપો થાય ને એવું બધું ચાલ્યા કરતું હોય છે. ભારતે એ જ રીતે માગણી કરેલી ને ભારત વરસોથી આ રીતે સઈદને ભારતને સોંપવાની માગ કરે છે કેમ કે સઈદ ભારતમાં થયેલા સંખ્યાબંધ આતંકવાદ હુમલાનો સૂત્રધાર છે.
પાકિસ્તાન દરેક વખતે એ માગને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. મોટા ભાગે તો પાકિસ્તાન જવાબ આપવાની તસ્દી પણ લેતું નથી ને આ વખતે પણ આમ તો એવું જ બન્યું છે પણ આ વખતે અલગ એ બન્યું કે, પાકિસ્તાને આ વાતનો જોરશોરથી પ્રચાર કર્યો. ભારતે તો સઈદના પ્રત્યાર્પણની માગ કરી હોવા અંગે કશું કહેલું પણ નહીં પણ પાકિસ્તાન સરકારની મહેરબાનીથી આ વાત પાકિસ્તાની મીડિયામાં આવી ગઈ. ૨૮ ડિસેમ્બરે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો કે ભારતે પાકિસ્તાન પાસેથી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માગ કરી છે.
સ્વાભાવિક રીતે જ ભારતે આ અંગે સ્પષ્ટતા કરવી જ પડે તેથી ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બીજા દિવસે સ્પષ્ટતા કરી કે ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે એ સાચું છે. આ માટે જરૂરી દસ્તાવેજો પાકિસ્તાન સરકારને મોકલવામાં આવ્યા છે. સઈદ ગ્લોબલ ટેરરિસ્ટ એટલે વૈશ્ર્વિક આતંકવાદી છે, ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. હાફિઝ વોન્ટેડ છે એ બધા કેસોની વિગતો પણ ભારતે મોકલી આપી છે.
ભારતના વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા પછી પાકિસ્તાને તેનો સત્તાવાર જવાબ શું છે એ કહેવું જોઈએ પણ સત્તાવાર રીતે તો પાકિસ્તાને ભારતને કોઈ જવાબ આપ્યો જ નથી. તેના બદલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પહેલાંથી ગોઠવેલી સ્ક્રીપ્ટ પ્રમાણે, પાકિસ્તાની મીડિયાના સવાલના જવાબમાં કહી દીધું કે ભારતે ‘કથિત મની લોન્ડરિંગ’ના કેસમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે પણ બંને દેશો વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી તેથી સઈદને સોંપી શકાય તેમ નથી, ઝહરા બલોચે હાફિઝ સઈદના પ્રત્યાર્પણને લઈને પાકિસ્તાને હજુ સુધી ભારતને કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી એમ પણ કહ્યું.
પાકિસ્તાનના નાટક પરથી સ્પષ્ટ છે કે, પાકિસ્તાનને ભારતને નીચાજોણું કરાવવામાં રસ છે. પાકિસ્તાન ભારતને જવાબ આપવાની તસ્દી લેતું નથી ને સઈદને ભારતને સોંપવાનો સવાલ જ પેદા થતો નથી એ બંને મેસેજ પાકિસ્તાને આપી દીધા. આ સંજોગોમાં હવે ભારત પાસે પોતાની રીતે સઈદનો ન્યાય કરવા સિવાય વિકલ્પ બચતો નથી. આ ન્યાય શું હોઈ શકે એ કહેવાની જરૂર નથી.
અમેરિકાએ નાઈન ઈલેવનના સૂત્રધાર ઓસામા બિન લાદેનના પાકિસ્તાનના અબોટાબાદમાં ઘૂસીને માર્યો ને નાઈન ઈલેવનના આતંકી હુમલાનો ન્યાય કર્યો એવો ન્યાય ભારતે પણ કરવો પડે. બાકી આપણે પાકિસ્તાનને વિનંતીઓ કર્યા કરીએ ને પાકિસ્તાન આપણને સઈદને સોંપી દે એવું કશું બનવાનું નથી. આંતરરાષ્ટ્રીય દબાણ વધે ત્યારે પાકિસ્તાન સઈદને નજરકેદ કરવાનું કે જેલમાં ધકેલવાનું નાટક કરે છે પણ એ સિવાય બીજું કશું થતું નથી.
પાકિસ્તાન સઈદને જે રીતે સાચવે છે એ જોતાં તો સઈદને પાકિસ્તાન સરકાર કશું પણ કરે એવી આશા જ રખાય એમ નથી. પાકિસ્તાન સરકાર એવું નાટક કરે છે કે હાફિઝ સઈદ હાલ જેલમાં છે. તેને બે કેસમાં ૩૩ વર્ષની જેલની સજા થઈ પછી તેને જેલમાં બંધ રખાયો છે. એપ્રિલ ૨૦૨૨ માં પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે તેને બે આતંકવાદી ભંડોળના કેસમાં ૩૩ વર્ષની જેલની સજા સંભળાવી પછી સઈદને જેલભેગો કરી દેવાયો હોવાનો પાકિસ્તાનનો દાવો છે પણ પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અને પાકિસ્તાની પત્રકારોએ પણ કહી ચૂક્યા છે કે, સઈદ જેલમાં નથી પણ પોતાના ઘરે આરામથી રહે છે.
એક સમયે હાફિઝ સઈદ સભાઓ કરતો ને ભારત સામે ઝેર ઓક્યા કરતો પણ અમેરિકા સહિતના દેશોના દબાણને કારણે સઈદ અત્યારે લાઈમલાઈટથી સંપૂર્ણપણે દૂર છે, સઈદ લગભગ ચાર વર્ષથી કોઈ જાહેર મંચ પર જોવા મળ્યો નથી પણ એ જે પ્રવૃત્તિઓ કરે છે એ જોતાં તેણે જાહેર મંચ પર આવવાની જરૂર પણ નથી. એ ભારતમાં આતંકવાદ તો ફેલાવે જ છે એ જોતાં એ જાહેરમાં આવે કે ના આવે, કોઈ ફરક પડતો નથી. પાકિસ્તાનની મહેરબાનીથી તેણે જે કરવા ધાર્યું છે એ તો કરે જ છે એ જોતાં ભારતે પણ તેનો ઘડોલાડવો કરી નાખવો પડે.
છેલ્લા ૩ મહિનામાં પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ ૭ આતંકવાદીઓ માર્યા ગયા છે. લશ્કર-એ-તૈયબા એટલે કે એલઈટી, હિઝબુલ મુજાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદ ( જેઈએમ) અને ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા આ આતંકવાદીઓના મોત માટે કોણ જવાબદાર છે એ અંગે ચર્ચાની જરૂર નથી પણ આ યાદીમાં સઈદનું નામ ઉમેરાવું જોઈએ.