રાહુલને મોતની ધમકીનો બચાવ, નડ્ડા બીજું કરી પણ શું શકે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણ બદલાઈ ગયું છે અને હવે રાજકીય હરીફાઈને રાજકારણીઓ દુશ્મનાવટ સમજે છે. લોકશાહીમાં તમારા વિરોધીને, તમારા હરીફને પણ માન આપવું જોઈએ એવું કહેવાતું પણ ભારતના રાજકારણીઓને આ સિદ્ધાંતમાં બહુ વિશ્ર્વાસ રહ્યો નથી ને તેનું તાજું ઉદાહરણ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે થઈ રહેલાં નિવેદનો છે. અમેરિકામાં રાહુલ ગાંધીએ શીખો અંગે અને અનામત મુદ્દે એમ બે નિવેદનો આપ્યાં તેના કારણે ભારતમાં બબાલ થઈ ગઈ.
રાહુલે કહેલું કે, ભારતમાં અત્યારે એવો માહોલ છે કે, શીખો કિરપાણ કે કડાં ના પહેરી શકે એ માટે લડાઈ થઈ રહી છે. ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે આ દેશમાં તેમને પાઘડી અને કડાં પહેરવાનો અધિકાર પણ છિનવી નહીં લેવાય ને ? રાહુલે અનામત મામલે એવું કહેલું કે, ભારતમાં જ્યારે આર્થિક રીતે સમાનતા આવી જશે ત્યારે અનામતને નાબૂદ કરી દેવાશે. રાહુલના એક નિવેદનને શીખ વિરોધી ગણાવી દેવાયું અને બીજા નિવેદનને અનામત વિરોધી ગણાવીને ભાજપના નેતા તૂટી પડ્યા.
રાહુલ ગાંધી તેમના અમેરિકા પ્રવાસના છેલ્લા દિવસે રેબર્ન હાઉસ ખાતે યુએસ કૉંગ્રેસના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ પ્રતિનિધિમંડળમાં ભારતે જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનને આપી દેવું જોઈએ એવો લવારો કરનારી ઇલ્હાન ઓમર પણ હાજર હતી. રાહુલ ઈલ્હાન ઓમરને મળ્યા તેની સામે પણ દેશમાં વિરોધ શરૂ થઈ ગયો. ભાજપના ઘણા નેતાઓએ ઇલ્હાનને મળવા બદલ રાહુલની ટીકા કરી અને રાહુલ ભારતવિરોધી પરિબળો સાથે સાંઠગાંઠ ધરાવે છે એવી ટીકા પણ કરી.
ભાજપના નેતા રાહુલના નિવેદનની ટીકા કરે તેમાં કશું ખોટું નથી, બલ્કે એ તેમનો અધિકાર છે. લોકશાહીમાં કોઈ નેતા પોતાના વિચારો કે અભિપ્રાય રજૂ કરે ને તેની સામે કોઈ બોલે કે ટીકા કરે એ સ્વાભાવિક છે. તંદુરસ્ત લોકશાહીની એ નિશાની છે ને તેને માટે દરેકે તૈયાર રહેવું જોઈએ. રાહુલના નિવેદન પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વળતો પ્રહાર કરીને કહેલું કે, રાહુલના નિવેદનના કારણે ફરી એકવાર કૉંગ્રેસનો અનામત વિરોધી ચહેરો લોકો સામે આવી ગયો છે.
શાહની જેમ બીજા નેતાઓએ પણ રાહુલની ટીકા કરી ને તેમાં પણ કશું ખોટું નહોતું પણ એ પછી જે કેટલાંક નિવેદનો આવ્યાં એ આઘાતજનક અને શરમજનક પણ છે. રાહુલનં નિવેદનોને શીખ વિરોધી ગણાવીને ભાજપે સોનિયા ગાંધીના ઘર સામે દેખાવો કરેલા. ૧૧ સપ્ટેમ્બરે ભાજપે દિલ્હીમાં રાહુલ ગાંધીના ઘરની બહાર પણ દેખાવો કર્યા અને એ વખતે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહે સીધી રાહુલને જાનથી મારી નાખવાની ધમકી આપી.
મારવાહે કહેલું કે, રાહુલ ગાંધી, વાજ આવી જજો નહીં ભવિષ્યમાં તમારા હાલ પણ તમારી દાદી જેવા થશે. રાહુલ ગાંધીનાં દાદી ઈન્દિરા ગાંધીના શું હાલ થયેલા એ કોઈને કહેવાની જરૂર નથી. સતવંતસિંહ અને બિયંતસિંહ નામના તેમના બે અંગરક્ષકોએ જ તેમને ગોળી મારીને મારી નાંખેલાં એ જોતાં મારવાહે રાહુલને મારવાની ધમકી જ આપી દીધી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કૉંગ્રેસે તરવિંદર સિંહ મારવાહનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કર્યો છે. તેમાં મારવાહને ધમકી આપતા સાંભળી શકાય છે.
મારવાહની જેમ જ મહારાષ્ટ્રના બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડે ૧૬ સપ્ટેમ્બરે કહ્યું હતું કે, રાહુલ ગાંધી પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની અનામત ખતમ કરવા માગે છે એ જોતાં તેમને સજા મળવી જોઈએ. જે કોઈ રાહુલની જીભ કાપી નાખશે તેને ૧૧ લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે. ભાજપના રાજ્યસભાના સભ્ય અનિલ બોન્ડેએ તો રાહુલ ગાંધીની જીભ પર ડામ દેવાની વાત કરી નાખી. બોન્ડેના કહેવા પ્રમાણે તો જે કોઈ અનામત વિરોધી વાત કરે તેની આવી જ હાલત કરવી જોઈએ. બોન્ડેએ મુંબઈના એક મરાઠી સાપ્તાહિકના તંત્રી સહિત બીજાં કેટલાંક નામ પણ આપ્યાં કે જેમની જીભ પર ડામ દેવાની તેમની તમન્ના છે.
આ ત્રણેય નિવેદનો અત્યંત આઘાતજનક છે. પોતાને ના ગમે એવી વાત કરનારને મારી નાખવાની કે જીભ કાપી લેવાની વાત કરનારને સભ્ય માણસ કહેવાય જ નહીં. ખરેખર તો આવી વાતો કરનારને કોઈ સભ્ય સમાજમાં રહેવાનો અધિકાર જ નથી પણ કમનસીબે રાહુલ સામે આવો લવારો કરનારા આ ત્રણેય નેતાને કશું થયું નથી. આ ત્રણેય ખુલ્લેઆમ રાહુલની હત્યા માટે કે તેમને નુકસાન કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા છે ને ભાજપ પણ ચૂપ છે ને મંત્રીઓ પણ ચૂપ છે.
વધારે આઘાતની વાત એ છે કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ આ બધાંનો બચાવ કર્યો છે. નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ પર કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોદીને અભિનંદન આપ્યા તેની સાથે એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં રાહુલ ગાંધી વિરુદ્ધ થઈ રહેલાં નફરતભર્યા ભાષણ પર ચિંતા વ્યક્ત કરીને ખડગેએ લખ્યું હતું કે, ભાજપ અને સહયોગી પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી માટે સતત વાંધાજનક અને હિંસક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આપને વિનંતી છે કે આવા નેતાઓ પર લગામ લગાવો.
મોદી સાહેબ તો આવી નાની નાની વાતોના જવાબ આપે નહીં પણ નડ્ડાએ જવાબ આપ્યો છે. નડ્ડાએ ૧૮ સપ્ટેમ્બરે મલ્લિકાર્જુન ખડગેને ખુલ્લો પત્ર લખ્યો તેમાં લખ્યું છે કે, તમે રાહુલ ગાંધી સહિતના તમારા નેતાઓનાં કરતૂતોને ભૂલી ગયા છો અથવા જાણીજોઈને તેમની અવગણના કરી છે. જે વ્યક્તિનો ઈતિહાસ દેશના વડા પ્રધાન સહિત સમગ્ર ઓબીસી સમુદાયને ચોર કહીને દુર્વ્યવહાર કરવાનો છે તેની માનસિકતા આખો દેશ જાણે છે. આ રાહુલ ગાંધીને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ તમે કઈ મજબૂરીમાં કરી રહ્યા છો? કૉંગ્રેસના નેતાઓએ છેલ્લાં ૧૦ વર્ષમાં ૧૧૦થી વધુ વખત વડા પ્રધાન મોદી સાથે દુર્વ્યવહાર કર્યો ને ત્યારે તમારા શબ્દકોશમાંથી રાજકીય શુદ્ધતા, સજાવટ, શિસ્ત, શિષ્ટાચાર જેવા શબ્દો કેમ ગાયબ થઈ જાય છે?
નડ્ડાએ કૉંગ્રેસે મોદી માટે ક્યા ક્યા શબ્દોનો પ્રયોગ કર્યો તેની લાંબી યાદી પણ આપી છે. કૉંગ્રેસ પણ સામે એવી યાદી આપી જ શકે કેમ કે એ પ્રકારની પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે એ બધાંને ખબર છે પણ ભાજપ એ વાત સ્વીકારવાનો નથી. બીજું એ કે, કોઈને ગાળો આપવી ને કોઈની હત્યા કરી દેવાની વાત કરવી તેમાં બહુ ફરક છે. ભાજપ ને તેના સાથી પક્ષોના નેતા રાહુલને ગાળો નથી આપી રહ્યા પણ ખતમ કરવાની ને જીભ કાપી લેવાની વાતો કરી રહ્યા છે. નડ્ડાને બંનેમાં ફરક ના દેખાય કેમ કે તેમણે પોતાની બુદ્ધિ ચલાવવાની નથી.