એકસ્ટ્રા અફેર: ગાયોની કતલ પર પ્રતિબંધ મુકાય તો ગૌમાંસ બંધ થઈ જાય

-ભરત ભારદ્વાજ
આસામની હિમંતય બિસ્વા સરમાની ભાજપ સરકારે બીફ એટલે કે ગૌમાંસ પર પ્રતિબંધ મૂકીને એક નવી ચર્ચા જગાવી છે. હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપેલી માહિતી પ્રમાણે, કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પછી આસામની રાજ્યની હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળોએ ગૌમાંસ પિરસવામાં આવશે નહીં. ચોક્કસ સમુદાયના ધાર્મિક કાર્યક્રમોમાં ગૌમાંસ પિરસવાની પ્રથા છે. તેના પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
આસામમાં ગૌમાંસનું સેવન ગેરકાયદેસર નથી પણ આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ ૨૦૨૧ હેઠળ હિંદુઓ, જૈનો અને શીખોની બહુમતી છે અને કોઈપણ મંદિર અથવા વૈષ્ણવ મઠ છે તેની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં ગૌહત્યા અને ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ છે.
આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટનો કાયદો શરૂઆતમાં બીફની વ્યાખ્યામાં આવતાં તમામ પશુઓ એટલે કે ગાય, બળદ, ભેંસને લાગુ પાડવાનો હતો પણ એવું કરવા જાય તો કતલખાનાં બંધ થઈ જાય એટલે કાયદો બનતા પહેલા ભેંસોને બીફની વ્યાખ્યામાંથી હટાવી દેવામાં આવી હતી. એ પછી કરાયેલા સુધારા પ્રમાણે આ કાયદો કોઈપણ સંજોગોમાં ગાયની કતલ પર પ્રતિબંધ મૂકે છે, ત્યારે અન્ય પશુઓની કતલ માટે યોગ્ય પ્રમાણપત્રને આધીન કતલ થઈ શકે છે.
સરમા સરકારે આ જ કાયદાનો વ્યાપ વધારીને હવે રાજ્યમાં રેસ્ટોરન્ટ્સ અને કોઈ પણ સમુદાયના મેળાવડા સહિતના જાહેર કાર્યક્રમોમાં પણ ગૌમાંસના જાહેર વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. આ અંગેની જોગવાઈઓ હાલના આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ, ૨૦૨૧માં ઉમેરવામાં આવશે.
સરમાનો દાવો છે કે, કૉંગ્રેસના કેટલાક નેતાઓએ આક્ષેપ મૂકેલો કે, ભાજપે પેટા ચૂંટણીમાં મુસ્લિમ બહુમતીવાળી સમગુડી બેઠક ગૌમાંસ વહેંચીને જીતી હતી. સમગુડી બેઠકનું ૨૩મી નવેમ્બરે પરિણામ જાહેર થયું પછી કૉંગ્રેસના સાંસદ રકીબુલ હુસૈને કહેલું કે, કૉંગ્રેસની હાર માટે ભાજપે ગૌમાંસ વહેંચવાની નીતિ અપનાવી એ મુખ્ય કારણ છે.
Also read: એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?
આ વર્ષે હુસૈન ધુબરી લોકસભા બેઠક પરથી ૧૦.૧૨ લાખથી વધુ મતોના રેકોર્ડ માર્જિનથી જીતીને સાંસદ બન્યા છે. આ પહેલાં હુસૈન સતત પાંચ વખત સમગુડી બેઠક પર જીતીને ધારાસભ્ય રહ્યા હતા પણ સમગુડીમાં ભાજપના દિપ્લુ રંજન સરમાહે કૉંગ્રેસના ઉમેદવાર અને રકીબુલના દીકરા તંઝીલ હુસૈનને ૨૪,૫૦૧ મતે હરાવી દીધો. રકીબુલ હુસૈને વરસોથી જેને પોતાનો ગઢ બનાવ્યો છે એ કિલ્લો ખરી પડ્યો તેથી સમગુડી બેઠકની હાર તેમના માટે અંગત રીતે કારમી પછડાટ જેવી હતી. એ પછી કૉંગ્રેસના કેટલાક નેતાઓએ રાજ્યમાં ગૌમાંસ પર પ્રતિબંધની માગ પણ કરી હતી. તેના પગલે સરમા સરકારે આ પ્રતિબંધ મૂક્યો છે.
સરમા સરકારનો નિર્ણય સારો છે. ગાય હિંદુઓ માટે શ્રધ્ધાનો વિષય છે તેથી ગૌહત્યાના કારણે હિંદુઓ દુ:ખી થાય છે. હિંદુઓને દુ:ખી કરવા માટે જ કેટલાક સમુદાયના લોકો ગૌવંશની હત્યા કરે છે અને ગૌમાંસ ખાય પણ છે. તેના કારણે કોમી તણાવ પણ પેદા થાય છે. સરમા સરકારે હિંદુઓની લાગણીને સમજીને ગૌમાંસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને સારું કર્યું પણ મહત્ત્વની બાબત તેનો અમલ છે.
દેશનાં ઘણાં રાજ્યોમાં ગૌવંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ગાયોની કત્લેઆમ થાય જ છે. સરમા સરકાર હોય કે બીજી કોઈ પણ સરકાર હોય, તેમણે આ કત્લેઆમ બંધ કરાવવાને પ્રાધાન્ય આપવું જોઈએ. ગાયોની હત્યા બંધ થશે તો આપોઆપ ગૌમાંસ વેચાવાનું ને ખાવાનું પણ બંધ થઈ જશે. ગાય જ કપાશે નહીં તો ગૌમાંસ મળશે ક્યાંથી કે ખાઈ શકાય?
આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ, ૨૦૨૧માં ગૌવંશની હત્યા પર પ્રતિબંધ છે પણ સંપૂર્ણ આસામમાં પ્રતિબંધ નથી. સરમા સરકારે કરવું જ હોય તો ગૌવંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધનો કાયદો બનાવવો જોઈએ. એ રસ્તો વધારે અસરકારક સાબિત થશે.
જો કે તેનાથી વધારે જરૂર તો ગાયનું ગૌરવ સ્થાપિત કરવાની છે. હિંદુઓ ગાયને પવિત્ર માને છે, ગાયને માતા માનીને પૂજે છે એવી વાતો આપણ સાંભળીએ છીએ પણ આચરણમાં એવું ક્યાંય જોવા મળતું નથી. આપણે ગાયને માતા માનવાના અને હિન્દુઓ માટે પવિત્ર ગણાતી હોવાના દાવા કરીએ છીએ પણ તેની કાળજી લેતા નથી. ગાય જેટલી અવદશા બીજા કોઈ પ્રાણીની નથી થતી.
રસ્તે રઝળતાં કૂતરાં પણ કદાચ ગાય કરતાં વધારે સારી સ્થિતિમાં હોય છે. ભારતમાં રસ્તા પર ગાય જેટલું બીજું કોઈ પ્રાણી રઝળતું નહીં દેખાય. આ ગાયો પ્લાસ્ટિક ને બીજો ગંદો કચરો ખાઈને પેટ ભરે છે ને પછી તેના કારણે આફરો ચડી જાય કે શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે તરફડીને મરતી હોય છે.
ગાયને માતા માનનારા કે બીજા કોઈ આ ગાયોની કદી કાળજી લેતા નથી. ભારતમાં હજારો ધાર્મિક સંસ્થાઓ છે અને મંદિરો છે. તેમની કમાણી કરોડોમાં છે પણ આ ગાયો પાછળ થોડોક ખર્ચ કરીને તેમને સાચવવાની તેમની તૈયારી નથી હોતી. કેટલીક સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓ પોતાની રીતે ગાયોની સેવા કરે છે પણ મંદિરો કે ધાર્મિક સંસ્થાઓ ચૂપ રહે છે. ગાયની આ અવદશા સામે કોઈ કશું બોલતું નથી કે કશું કરતું નથી. ભાષણબાજી કરવાની હોય ત્યારે તેમને ગાય માતા છે એ વાત યાદ આવે છે પણ એ સિવાય એ વાત બધાં ભૂલી જાય છે.
Also read: એકસ્ટ્રા અફેર : ઝકરબર્ગ સાથે ડિનર, ટ્રમ્પનું હૃદયપરિવર્તન કેમ થયું?
હિંદુઓમાં જે વર્ગ ગાયને આર્થિક ફાયદા માટે પાળે છે એ લોકો તો વળી સાવ નગુણા છે. મોટા ભાગના ગાય પાળનારાં માટે ગાય કમાણીનું સાધન છે. ગાયો દૂધ આપે ત્યાં લગી તેમને સાચવે ને ગાયના દૂધની કમાણી પર તાગડધિન્ના કરે પણ જેવી ગાય દૂધ આપતી બંધ થઈ કે તેમના માટે નકામી થઈ ગઈ.
ગાય વસૂકી જાય એટલે પછી તેને રસ્તે રઝળતી છોડી દે. દેશનાં મોટા ભાગનાં શહેરોમાં આ રીતે તરછોડી દેવાયેલી ગાયો રસ્તા પર બેઠી હોય છે ને તેમની કોઈ કાળજી સુધ્ધાં નથી લેતું. આ પૈકીની મોટા ભાગની ગાયો કતલખાને જાય છે ને પછી તેમનું ગૌમાંસ લોકોને અપાય છે. આ ગાયોની કાળજી લેવાય તો ગૌમાંસનો મોટો સ્રોત બંધ થાય.
ગાયોની સેવા કરવી અઘરી નથી પણ હિંદુઓમાં ધર્મ ધંધો બની ગયો છે તેથી એ થતું નથી. મંદિરોના કારભારીઓ પ્રજા શ્રદ્ધાથી જે દાન-પુણ્ય કરે તેના પર તાગડધિન્ના કરે છે પણ હિંદુત્વ માટે કંઈ કરતા નથી.