ચીન સાથે સરહદી વિવાદ દેશની સુરક્ષાનો મુદ્દો છે…

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં મીડિયાનો એક વર્ગ બહુ ચુસ્ત રીતે પત્રકારત્વના સિદ્ધાંતો અને નૈતિકતાને વળગી રહ્યો છે, પણ મોટા ભાગનું મીડિયા પૂર્વગ્રહયુક્ત રીતે વર્તે છે. સત્તાધારી પક્ષના નેતાઓનાં વાહિયાત ને બકવાસ નિવેદનો પર કે વર્તન પર ઢાંકપિછોડો કરવો ને વિપક્ષના નેતાઓની વાતોમાં કાગનો વાઘ કરી નાખવો કે તેમને તોડી-મરોડીને વિકૃત રીતે રજૂ કરવી એ ધીરે ધીરે ભારતના બહુમતી મીડિયાની લાક્ષણિકતા બનતી જાય છે.
રાજકીય બાબતોમાં મીડિયા આ રીતે બિકાઉ બનીને વર્તે તો હજુ ચલાવી લેવાય, પણ કમનસીબે દેશની સુરક્ષા અને ગૌરવને લગતી બાબતોમાં પણ મીડિયા એ રીતે વર્તે છે એ જોઈને ખરેખર આઘાત લાગે છે. મીડિયાનો ધર્મ સત્યને લોકો સામે મૂકવાનો છે, પણ તેના બદલે સત્તામાં બેઠેલા લોકોની ચાપલૂસી કરીને સત્યને દબાવવામાં અને વાતને અવળે પાટે વાળવામાં ભારતનું બહુમતી મીડિયા પાવરધું થઈ ગયું છે. મીડિયાના આ કૌશલ્યનું તાજું ઉદાહરણ રાહુલ ગાંધીએ ચીનની ભારતમાં ઘૂસણખોરી અંગે કરેલું નિવેદન છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આપણા આર્મી ચીફે કહ્યું છે કે ચીને ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે. રાહુલ ગાંધીના નિવેદનને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ખોટું ગણાવીને રદિયો આપ્યો હતો. એક સમાચાર એજન્સીના પોડકાસ્ટમાં રાહુલ ગાંધીના આ નિવેદન અંગે ઈન્ડિયન આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને સવાલ પુછાયો હતો. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શું જવાબ આપ્યો તેની વાત કરીશું, પણ એ પહેલાં આપણી અતિઉત્સાહી ટીવી ચેનલો અને વેબસાઈટ્સે શું ચલાવી દીધું તેની વાત કરી લઈએ.
ટીવી ચેનલો અને વેબસાઈટ્સે ચલાવ્યું કે, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાહુલ ગાંધીને ઈન્ડિયન આર્મીને રાજકારણમાં ખેંચવા બદલ ઠપકાર્યા છે અને સલાહ આપી છે કે, ઈન્ડિયન આર્મીને રાજકારણમાં ન ખેંચવી જોઈએ. આપણા આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ખરેખર રાહુલ ગાંધીને ઠપકો આપ્યો છે? બિલકુલ નહીં.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જે જવાબ આપ્યો છે તેમાં સૌથી પહેલાં તો રાહુલ ગાંધીનું નામ તેમણે નથી લીધું. સવાલ કરનારે રાહુલ ગાંધીનો ઉલ્લેખ વિપક્ષના નેતા તરીકે કર્યો છે, પણ જનરલ દ્વિવેદીએ વિપક્ષના નેતા કે રાહુલ ગાંધી એવો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું છે. બીજું એ કે, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારતીય વિસ્તારોમાં ચીને ઘૂસણખોરી નથી કરી એવું સ્પષ્ટ રીતે કહ્યું નથી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું આખું પોડકાસ્ટ યુટ્યુબ પર છે જ ને જેમને શંકા લાગે એ યુટ્યુબ પર જઈને જોઈ શકે છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અંગ્રેજીમાં બોલે છે તેથી અંગ્રેજીમાં ખબર ના પડતી હોય તેમના માટે જનરલ સાહેબે જે કહ્યું તેનો ભાવાનુવાદ રજૂ કરી દઈએ. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે, મને લાગે છે કે આ રાજકીય સવાલ હતો ને તેનો રાજકીય જવાબ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા એક્સ પર આપવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયે તેની વિગતો પણ આપી છે, પણ મને બે વાતની ખબર પડી. પહેલી અને મહત્ત્વની વાત એ છે કે, મારે એ વાતનો ભરચક પ્રયાસ કરવો જોઈએ કે ભારતીય લશ્કરને કોઈ પણ રાજકારણમાં સામેલ ન કરવામાં આવે.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તો પોતે શું કરવું જોઈએ તેની વાત કરી છે, પણ મીડિયાના ગમારોએ આર્મી ચીફે રાહુલ ગાંધીને ઠપકો આપી દીધો એવું હળાહળ જૂઠાણું ચલાવી દીધું. આ પોડકાસ્ટ સાંભળનારે બીજી પણ એક વાત ધ્યાનમાં લેવા જેવી છે. સવાલ કરનારે જ પહેલાં તો એવું કહી દીધું છે કે, આર્મીના વર્તમાન વડાને મિસક્વોટ કરવામાં આવ્યા કે રાજકીય બાબતોમાં ઢસડવામાં આવ્યા એ વિશે તમારે શું કહેવું છે? રાહુલે આર્મી ચીફને ખોટી રીતે ટાંક્યા એવું માનીને જ સવાલ પુછાય તેને શું કહેવું?
રાહુલે જનરલ દ્વિવેદીના જે વાક્યને ટાંક્યું એ પણ જાણી લઈએ. ગયા મહિને એક પ્રેસ કૉન્ફરન્સમાં, જનરલ દ્વિવેદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હજુ પણ ઘર્ષણ છે અને બંને પક્ષોએ બેસીને પરિસ્થિતિને કેવી રીતે શાંત કરવી અને વિશ્વાસ પુન:સ્થાપિત કરવો તે અંગે વ્યાપક સમજણ સ્થાપિત કરવાની જરૂર છે. મોદી સરકાર ચીન સાથેની સરહદે કોઈ સમસ્યા નથી એવી રેકર્ડ વગાડ્યા કરે છે ત્યારે જનરલ દ્વિવેદીએ બિલકુલ અલગ વાત કરી હતી. તેના કારણે બબાલ થઈ, પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરવી પડેલી કે, આર્મી અને વિદેશ મંત્રાલયના નિવેદનમાં કોઈ વિરોધાભાસ નથી. પણ વાસ્તવમાં વિરોધાભાસ હતો જ.
આપણે મૂળ મુદ્દા પર પાછા ફરીએ. મૂળ મુદ્દો તો ચીનના લશ્કરે ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી કે નહીં તેનો છે. જનરલ દ્વિવેદીએ ભલે આ સવાલને રાજકીય ગણાવ્યો, પણ આ રાજકીય સવાલ નથી. આ મુદ્દો દેશની સુરક્ષાને લગતો છે અને તેનો સ્પષ્ટ જવાબ જનરલ દ્વિવેદીએ આપવો જોઈતો હતો. ચીને ભારતનો વિસ્તાર પચાવી પાડ્યો છે કે નહીં તેનો હા કે નામાં જવાબ આપવાની જરૂર હતી, પણ તેના બદલે જનરલ દ્વિવેદીએ નરો વા કુંજરો વા કરી નાખ્યું. તેમણે સ્પષ્ટ રીતે ભારતનો વિસ્તાર ચીને પચાવ્યો છે એવું પણ ના કહ્યું ને નથી પચાવ્યો એવું પણ ના કહ્યું.
બીજી એક મહત્ત્વની વાત એ કે, જનરલ દ્વિવેદીએ ચીન સાથેની સરહદ ડોક્ટર્ડ છે એવું પણ ઈન્ટરવ્યૂમાં કહેલું. ડોક્ટર્ડનો મતલબ ચેડાં કરવો એવો થાય, પણ અત્યારે જનરલ દ્વિવેદીએ પોતે સરહદ ડોક્ટર્ડ થઈ છે એવું કહ્યું તેનો મતલબ બંને બાજુ બાંધકામો થયાં છે એવો થાય છે એવું કહ્યું છે. ભારત કે ચીન પોતપોતાના વિસ્તારમાં બાંધકામ કરે તેના કારણે સરહદ સાથે ચેડાં થયાં છે એવું કઈ રીતે કહી શકાય? વાત એટલી જ છે કે, જનરલ દ્વિવેદીનો ખુલાસો ગળે ઊતરે એવો નથી.
ચીન સાથેના સરહદી વિવાદનો મુદ્દો ગંભીર છે એ જોતાં આ મુદ્દાને ગંભીરતાથી લેવો જરૂરી છે. મીડિયાએ સરકાર પાસે જવાબ માગવો જોઈએ કે, ખરેખર ચીને ભારતના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે કે નહીં? મીડિયાએ સરહદે જઈને ઈન્ટરવ્યૂ કરવો જોઈએ અને ગ્રાઉન્ડ રીપોર્ટિંગ કરીને સરહદે શું સ્થિતિ છે એ લોકોને જણાવવું જોઈએ. તેના બદલે અહીં તો રાહુલને ખોટો સાબિત કરવામાં મીડિયા મજા લઈ રહ્યું છે.