એકસ્ટ્રા અફેર

સંદેશખાલીની સીબીઆઈ તપાસથી ભાજપને બહુ ફાયદો નથી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ટ્રમ્પ જાતે પોતાના પર હુમલો કરાવે એ વાતમાં માલ નથી
એકસ્ટ્રા અફેર

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે જ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાએ ખળભળાટ મચાવી દીધો છે. શનિવાર ને ૧૩ જુલાઈના રોજ અમેરિકામાં પેન્સિલવેનિયા સ્ટેટના બટલરમાં એક ચૂંટણી રેલીમાં અમેરિકામાં ભૂતપૂર્વ પ્રમુખ અને હાલમાં રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો. ૨૦ વર્ષના હુમલાખોર થોમસ મેથ્યુ ક્રૂક્સે ૪૦૦ ફૂટ દૂરથી ૮ રાઉન્ડ ફાયરિંગ કર્યું તેમાં એક ગોળી ટ્રમ્પના જમણા કાનને સ્પર્શીને નિકળી જતાં ટ્રમ્પનો ચહેરો લોહીથી લથબથ થઈ ગયો હતો.

આ હુમલામાં ટ્રમ્પ તો બચી ગયા પણ રેલીમાં હાજર એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ૨ ગંભીર રીતે ઘાયલ છે. ટ્રમ્પને લગભગ ૪૦૦ ફૂટ દૂર બિલ્ડિંગની છત પરથી ગોળી મારવામાં આવી હતી. AR-૧૫ રાઈફલમાંથી ૮ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં ૩ ગોળી અને બીજા રાઉન્ડમાં ૫ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ટ્રમ્પની સુરક્ષા માટે તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટોએ ક્રૂક્સને સ્થળ પર ઠાર કરીને તેનું બોર્ડ પતાવી દીધું તેથી હુમલાખોર તો પતી ગયો પણ ઘણા સવાલો છોડતો ગયો છે.

અમેરિકામાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે જ થયેલા આ હુમલાને કારણે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો શરૂ થઈ ગયા છે. એક તરફ, ટ્રમ્પની પાર્ટી બાઇડન અને ડેમોક્રેટિક પાર્ટી પર ટ્રમ્પ પર હુમલો કરાવવાનું કાવતરું ઘડવાનો આક્ષેપ મૂકી રહી છે ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર ઘણા લોકોનું કહેવું છે કે, ટ્રમ્પે પોતે લોકોની સહાનુભૂતિ જીતવા આ હુમલો કરાવ્યો છે.

બાઇડન અને ડેમોક્રેટિક પાર્ટી સામે આંગળી ચીંધવામાં આવી રહી છે તેનું મુખ્ય કારણ સિક્રેટ સર્વિસ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાની જવાબદારી સિક્રેટ સર્વિસની છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ હોવાથી તેમની સુરક્ષાની જવાબદારી સિક્રેટ સર્વિસની છે. સિક્રેટ સર્વિસ અમેરિકાની ફેડરલ એજન્સી છે, એટલે કે કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવે છે. સિક્રેટ સર્વિસના માથે જેની સુરક્ષાની જવાબદારી હોય એ વ્યક્તિની કોઈ પણ સ્થળની મુલાકાત પહેલાં સિક્રેટ સર્વિસના માણસો સ્થળનું નિરીક્ષણ કરે છે. સિક્રેટ સર્વિસના અધિકારીઓ જાતે જ સુરક્ષાને લગતો પ્લાન તૈયાર કરે છે અને જ્યાંથી પણ હુમલો કરી શકાય તેમ હોય એ સ્થળો પર સિક્રેટ સર્વિસના માણસો ગોઠવાઈ જાય છે.

ટ્રમ્પ પર માંડ ૪૦૦ મીટર દૂરથી હુમલો થયો ત્યારે એ સ્થળે સિક્રેટ સર્વિસના માણસો કેમ નહોતા ગોઠવાયા એ મોટો સવાલ છે. કોઈની સૂચનાથી એ સ્થળ છોડી દેવાયું હતું કે શું એવી શંકા થવી સ્વાભાવિક છે. ટ્રમ્પની સુરક્ષામાં આટલું મોટું ગાબડુ કઈ રીતે રહી ગયું એ મોટો પ્રશ્ર્ન છે.

ટ્રમ્પ જ નહીં પણ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન સહિતના તમામ અમેરિકન ભૂતપૂર્વ પ્રમુખની સુરક્ષા માટે સિક્રેટ સર્વિસના ૭૫ અધિકારીઓ ૨૪ કલાક તહેનાત હોય છે. તેમની કોઈ પણ હિલચાલ સમયે સિક્રેટ સર્વિસનાં વિશેષ દળો હંમેશા તેમની સાથે હોય છે. આ સ્થિતિમાં કોઈપણ ભૂતપૂર્વ પ્રમુખ પર સુરક્ષા વર્તુળ તોડીને હુમલો કરાવવો સરળ નથી. થોમસ મેથ્યુ ક્રૂક્સ જેવો ૨૦ વર્ષનો લબરમૂછિયો આવા જબરદસ્ત સુરક્ષા કવચને ભેદીને કઈ રીતે હુમલો કરી ગયો એ મોટો પ્રશ્ર્ન છે. આ કારણે સિક્રેટ સર્વિસ અને બાઇડન સરકાર બંને શંકાના દાયરામાં છે.

સિક્રેટ સર્વિસ પર શંકાનું કારણ એક સાક્ષી પણ છે. એક સાક્ષીએ મીડિયા સામે દાવો કર્યો કે, પોતે બટલર કાઉન્ટીમાં ટ્રમ્પની સભાની બહાર એક બિલ્ડિંગ પર એક શંકાસ્પદ વ્યક્તિને રાઇફલ સાથે જોઈ હતી. સાક્ષીના દાવા પ્રમાણે, પોતે એ વ્યક્તિ વિશે પોલીસને જણાવ્યું અને ઈશારો કરીને કહ્યું કે તેની પાસે રાઇફલ છે પણ પોલીસે ધ્યાન ન આપ્યું. સાક્ષીના દાવા પ્રમાણે, આ માહિતી આપ્યા છતાં ટ્રમ્પનું ભાષણ કેમ રોકવામાં ના આવ્યું એવું મનમાં વિચારી રહ્યો હતો કે એટલામાં જ ૫ જેટલા ફાયર થયા અને ટ્રમ્પ ઘાયલ થઈ ગયા. સાક્ષીએ ક્યા પોલીસને શંકાસ્પદ હુમલાખોર વિશે માહિતી આપી હતી એ કહ્યું નથી પણ આ તપાસનો વિષય છે. ખરેખર આ માહિતી આપ્યા છતાં પોલીસે કશું ના કર્યું હોય તો તેન કારણે પોલીસ શંકાના દાયરામાં આવી જ જાય છે.

બીજી તરફ ટ્રમ્પે પોતે સહાનુભૂતિ માટે હુમલો કરાવ્યો એવું કહેનારાનું કહેવું છે કે, હુમલાખોર થોમસ મેથ્યુ ક્રૂક્સ ટ્રમ્પની જ રિપબ્લિકન પાર્ટીનો હતો. ક્રૂક્સના વોટર આઈડી કાર્ડથી વાતની ખબર પડી છે. તેણે પાર્ટીને ૧૫ ડોલર ફંડ પણ આપ્યું હતું. હુમલાખોર ટ્રમ્પની પાર્ટીનો હતો એ કારણે જ ટ્રમ્પે હુમલો કરાવ્યો હોવાની વાત ગધેડાને તાવ આવી જાય એવી છે કેમ કે વાસ્તવમાં ટ્રમ્પને અત્યારે સહાનુભૂતિની જરૂર જ નથી.

ટ્રમ્પ ચૂંટણીમાં સહાનુભૂતિ મેળવી શકે એ માટે તેમના પર હુમલો થયો એ વાત તાર્કિક રીતે ગળે ઉતરે તેમ નથી કેમ કે અત્યારે ટ્રમ્પનો ઘોડો વિનમાં લાગી રહ્યો છે. ગયા મહિને રાષ્ટ્રપતિ બાઈડન સાથે ડોનાલ્ડ ટ્રમ્પની ચર્ચા પછી ટ્રમ્પની જીતના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. ડિબેટ બાદ કરવામાં આવેલા પોલમાં ૬૭ ટકા લોકોએ ટ્રમ્પને ડિબેટના વિજેતા ગણાવ્યા હતા જ્યારે ૩૩ ટકા લોકોએ બાઈડનને વિજેતા ગણાવ્યા હતા.

ટ્રમ્પ સામે ઊભા રહેલા બાઇડન છેલ્લા એક વર્ષમાં રેટિંગમાં સતત પાછળ જઈ રહ્યા છે. સીએનએનના એક સર્વે અનુસાર, અમેરિકામાં ૪૯ ટકા લોકો ટ્રમ્પને જ્યારે બાઇડનને માત્ર ૪૩ ટકા લોકો પ્રમુખપદે પસંદ કરે છે. સીએનએનના બીજા ઓપિનિયન પોલમાં, ૭૫ ટકા લોકોએ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે બાઇડનને નકારી કાઢ્યા. છે અને માત્ર ૨૫ ટકા લોકો જ બાઈડનના સમર્થનમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ બાઇડન પર સરસાઈ ધરાવે છે. આ સંજોગોમાં ટ્રમ્પે સહાનુભૂતિ માટે પોતાના પર હુમલો કરાવવાની જરૂર નથી. રાજકારણમાં કંઈ પણ થઈ શકે પણ અત્યારે જે સંજોગો છે તેમાં ટ્રમ્પ જેવો ખેલાડી પોતાના પર જ હુમલો કરાવવાની ભૂલ ના જ કરે.

અલબત્ત બાઇડને પણ હુમલો ના કરાવ્યો હોય એવું બને. સિક્રેટ સર્વિસના માણસોથી સાચે જ ચૂક થઈ હોય. તેમણે ટ્રમ્પની સુરક્ષાની આખી વાતને હળવાશથી લઈ લીધી હોય તેમાં ક્રૂક્સને તક મળી ગઈ હોય એવું પણ બને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button