સંદેશખાલીની સીબીઆઈ તપાસથી ભાજપને બહુ ફાયદો નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
સુપ્રીમ કોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર બળાત્કાર સહિતના કેસોની તપાસ સીબીઆઈને સોંપવાના કોલકાત્તા હાઈ કોર્ટના આદેશ પર મંજૂરી મહોર મારતાં મમતા બેનરજીને સંદેશખલી મુદ્દે ચાલી રહેલી કાનૂની લડાઈમાં મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે સંદેશખાલી કાંડ પાછો ચર્ચામાં છે. સંદેશખલીમાં પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા હિંદુ મહિલાઓ પર બળાત્કારના અને જમીનો હડપ કરવાના ગંભીર આરોપ મૂકાયેલા છે ને આ આરોપોના કેન્દ્રમાં તૃણમૂલ કોંગ્રેસનો નેતા શેખ શાહજહાં છે.
કોલકાત્તા હાઈ કોર્ટે શેખ શાહજહાં સામેના રેશન કાર્ડ કૌભાંડ સહિતના ૪૨ કેસોની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાનો આદેશ આપેલો. તેની સામે મમતા બેનરજીની સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈ કોર્ટના આદેશને માન્ય રાખીને સીબીઆઈને તપાસમાં આગળ વધવાની લીલી ઝંડી પણ આપી દીધી. સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીની સરકારને વેધક સવાલ પણ કર્યો કે, રાજ્ય સરકાર એક વ્યક્તિને બચાવવા માટે આટલી ઊંચીનીચી કેમ થઈ રહી છે?
સ્વાભાવિક રીતે જ ભાજપ આ આદેશથી ખુશ છે કેમ કે સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીની સરકાર ઈચ્છતી હતી એવો ચુકાદો આપ્યો નથી પણ ભાજપે બહુ ખુશ થવા જેવું નથી. ભાજપે સંદેશખાલીના મુદ્દાને ચગાવીને રાજકીય ફાયદો લેવા બહુ મથામણ કરી. બલકે ફાંફાં મારી જોયાં પણ એ ફળ્યાં નથી ને લોકોએ આ મુદ્દાને જ નકારી કાઢ્યો છે.
ભાજપ સંદેશખાલીના મુદ્દાને લોકસભાની ચૂંટણીમાં ટ્રમ્પ કાર્ડ માનતો હતો. લોકસભાની ચૂંટણીમાં સંદેશખાલી મમતાના પતનનું કારણ બનશે એવી ધારણા હતી પણ એ ધારણા સાચી ના પડી. શાહજહાંના મુદ્દાને ભાજપે બરાબર ચગાવ્યો હતો કેમ કે લોકસભાની ચૂંટણી નજીકમાં હતી, શાહજહાં મુસ્લિમ છે તેથી ભાજપને હાથ મોટો મુદ્દો લાગી ગયો હતો તેથી ભાજપે તેનો બરાબર કસ કઢીને હિંદુ વર્સીસ મુસ્લિમનો મુદ્દો બનાવી દીધો હતો. ભાજપનો આક્ષેપ હતો કે, શાહજહાંના ગુંડા અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો હિંદુઓનાં ઘરોમાં ઘૂસીને કોઈ સ્ત્રી રૂપાળી અને યુવાન છે તેનો સર્વે કરી જાય છે. રાત પડે ત્યારે આ સ્ત્રીને ઉઠાવી જઈને તેના પર બળાત્કાર ગુજારાય છે. રાતભર ભોગવ્યા પછી વહેલી સવારે સ્ત્રીઓને પાછી મૂકી દેવાય છે.
તૃણમૂલની ઓફિસે આવવાની મહિલાઓને ફરજ પડાય છે ને ત્યાં પણ તેમના પર બળાત્કાર કરાય છે. હિંદુ પુરૂષોને તેમની પત્નીઓ પર તેમનો કોઈ અધિકાર નથી એવું કહી દેવાય છે. ભાજપે શાહજહાંના ગુંડા મનફાવે ત્યારે હિંદુ મહિલાઓને ઉઠાવી જઈને તેમના પર બળાત્કાર ગુજારે છે સહિતના આક્ષેપો કરીને આ મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો હતો.
આ બધા આક્ષેપો ગંભીર હતા ને ભાજપનું ટાર્ગેટ શેખ શાહજહાં નહીં પણ મમતા બેનરજી હતાં એ કહેવાની જરૂર નથી. શાહજહાં શેખને ઈડીની ચુંગાલમાં ફસાવીને મમતા બેનરજી વિરુદ્ધ ઊભો કરવાની પણ ભાજપની ગણતરી હતી. ભાજપને લોકસભાની ચૂંટણીમાં મમતાને ભિડાવવા માટે મુદ્દાઓની જરૂર હતી જે તેથી શાહજહાં તેનો હાથો બનવા તૈયાર થઈ જાય તો પોતાનો બેડો પાર થઈ જાય એવી પણ ભાજપની ગણતરી હતી.
મમતા બેનરજીની છત્રછાયામાં શાહજહાં શેખ ગુંડાગીરી કરે છે અને મમતાને હપ્તા પહોંચાડે છે એવો ભાજપનો આક્ષેપ હતો. શેખ શાહજહાં કોર્ટમાં આ આક્ષેપોને સમર્થન આપે તો ભાજપ તરત જ શાહજહાનો છૂટકારો કરાવી દે ને શેખ શાહજહાંને દૂધે ધોયેલો સાબિત કરીને મમતાને ભિડાવી દેવાનો ઉદ્દેશ હતો. શેખ શાહજહાં મમતાનો ખાસ ગણાય છે પણ એ મમતા સાથે ગદ્દારી કરીને ભાજપને સાથ આપી શકે છે એવું ભાજપ માનતો હતો. ભૂતકાળમાં મુકુલ રોયથી માંડીને શુભેન્દુ અધિકારી સુધીના ઘણાંની વફાદારી આ રીતે ભાજપે બદલી છે. શેખ શાહજહાંની વફાદારી પણ બદલાઈ જાય એવી ભાજપની ગણતરી હશે પણ લોકસભાની ચૂંટણીમાં એ ગણતરી ના ફળી.
ભાજપે સંદેશખાલીના મુદ્દાને જોરે મહિલાઓને પોતાની તરફ વાળવા પણ ભરચક કોશિશ કરેલી. સંદેશખલીમાં અત્યાચારનો ભોગ બનેલાં રેખા પાત્રાને બસિરહાટમાં ઊભાં રાખેલાં પણ રેખા પાત્રા મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના હાજી નુરુલ ઈસ્લામ સામે ૩.૩૩ લાખ મતે હારી ગયાં. બંગાળમાં ભાજપે તોડફોડ કરીને મમતા બેનરજીની પાર્ટીના નેતાઓનો શંભુમેળો ભેગો કરેલો ને તેના જોરે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ૧૮ બેઠકો જીતી હતી.
ભાજપે સંદેશખલી સહિતના મુદ્દાઓને ચગાવવામાં કોઈ કસર નહોતી છોડી. મોદી પોતાના નામે ગેરંટીઓ આપતા હતા તેના કારણે બંગાળમાં ભાજપ મમતા બેનરજીને પછાડી દેશે એવી હવા જમાવી દેવાયેલી. મોદીની ચાપલૂસી કરતા મીડિયા અને એક્ઝિટ પોલમાં તો બંગાળમાં ભાજપ લોકસભાની ૪૨ બેઠકોમાંથી ૩૦ બેઠકો જીતી જશે એવી આગાહીઓ પણ કરાયેલી પણ આ વખતે ભાજપ બંગાળમાં ૧૦ બેઠકો પર આવીને ઊભો રહી ગયો છે. મોદી બંગાળમાં મમતા સામે પોતે મેદાનમાં ઉતરેલા છતાં મમતાને ના હરાવી શક્યા. બંગાળમાં એક નેતા તરીકે મોદીની સ્વીકૃતિ એટલી નથી જેટલી મમતા બેનરજીની છે એ વાત સાબિત થઈ ગઈ.
ભાજપ લોકોની અદાલતમાં સંદેશખાલીના મુદ્દાના જોરે મમતાનું કશું ના બગાડી શક્યો તો આ તો અદાલતનો ચુકાદો છે કે જેની સામે લડવા માટે મમતા પાસે બહુ બધાં હથિયાર છે. આ સંજોગોમાં આ ચુકાદાના કારણે ભાજપ મમતા બેનરજીનું કશું બગાડી શકવાનો નથી કે કોઈ રાજકીય નુકસાન કરી શકવાનો નથી. શેખ શાહજહાં મમતાનો ખાસ માણસ છે તેથી તેને જેલમાં ગોંધી રાખીને ખુશ થવા સિવાય ભાજપને આ ચુકાદાથી બીજો કોઈ સીધો ફાયદો નથી. સીબીઆઈ તપાસ કરશે તેથી મમતા બેનરજીના બીજા ખાસ માણસોને પકડીને અંદર કરી દેશે પણ મમતાને કશું કરી શકાય તેમ નથી કે તેમના પર હાથ પણ નાખી શકાય તેમ નથી એ વાસ્તવિકતા જોતાં રાજકીય રીતે ભાજપ માટે આ ચુકાદો કોઈ રીતે ફાયદાકારક નથી.
હવે સીબીઆઈ તપાસ કરશે તેથી તૃણમૂલના નેતાઓ પર તવાઈ આવશે. આમ પણ ઈડી સહિતની કેન્દ્ર સરકારની તાબેદાર એજન્સીઓ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને શોધી શોધીને જેલભેગા કરી રહી છે ને જ્યાં લગી ભાજપના પગે ના પડી જાય ત્યાં લગી છોડતી નથી. શાહજહાંના કેસમાં પણ એવું જ થશે પણ તેનાથી મમતાને કશું નુકસાન કરી શકાય એમ નથી.