એકસ્ટ્રા અફેર

ભારતીયો માટે કૅનેડાના દરવાજા સાવ બંધ થઈ જશે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારત અને કૅનેડાના તંગ સંબંધોના કારણે ભારતીયો કૅનેડા જવું કે ન જવું તેની અવઢવમાં છે ત્યાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીયોની મુશ્કેલી વધારી છે. ટ્રુડોએ ૨૦૨૫થી વિદેશી ટેમ્પરરી કર્મચારીઓની ભારત માટે નિયમ કડક કરી દીધા છે. ટ્રુડોએ ‘કૅનેડા ફર્સ્ટ’ નામે નવી પોલિસી જાહેર કરીને એલાન કર્યું છે કે, હવે કંપનીઓએ નોકરીમાં કેનેડિયન નાગરિકતાને પ્રાથમિકતા આપવી પડશે.

કૅનેડાની કંપનીઓએ હવે વિદેશી ટેમ્પરરી કર્મચારીઓને નોકરી પર રાખતા પહેલાં એ જણાવવું પડશે કે, તેમને આ હોદ્દા કે ખાલી જગા માટે કૅનેડાની નાગરિક હોય એવી વ્યક્તિ મળી નથી. ટ્રુડોના કહેવા પ્રમાણે, આ નિર્ણય ‘અસ્થાયી’ છે અને કૅનેડાની વસ્તીમાં થઈ રહેલા વધારાને રોકવા માટે લેવામાં આવ્યો છે. મતલબ કે, ભારતીય સહિતના વિદેશીઓ કૅનેડા આવતાં પહેલાં સો વાર વિચાર કરે એ કારણસર આ નિર્ણય લેવાયો છે.

આ નિર્ણયના કારણે સૌથી મોટો ફટકો ભારતીયોને જ પડવાનો છે કેમ કૅનેડામાં ટેમ્પરરી નોકરી કરનારાંમાં ભારતીયો જ સૌથી વધારે છે. ૨૦૨૩માં કૅનેડામાં કામચલાઉ નોકરીઓ કરનારા કુલ ૧.૮૩ લાખ અસ્થાયી કર્મચારીઓમાંથી ૨૭ હજાર ભારતીય હતા. મતલબ કે, અસ્થાયી નોકરીઓ કરનારામાંથી ૧૫ ટકાથી વધારે ભારતીયો હતા.

કૅનેડામાં અત્યારે નોકરીની મોંકાણ છે જ ત્યાં ટ્રુડો સરકારના આ નિર્ણયથી પ્રવાસીઓ અને યુવાઓમાં બેરોજગારી વધશે. અત્યારે કૅનેડામાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થી શોપિંગ મોલ, ફૂડ સ્ટોર અને રેસ્ટોરાંમાં ટેમ્પરરી નોકરીઓ કરે છે અને પોતાનો ખર્ચ કાઢે છે પણ હવે તેમને નોકરી આપતાં પહેલાં નોકરીદાતાએ કૅનેડિયનને કેમ નોકરી ના આપી તેનો ખુલાસો કરવો પડશે. કોઈ વ્યક્તિ કે કંપની આવી પળોજણમાં ના પડે તેથી ભારતીયો માટે તો પડ્યા પર પાટુ જેવી હાલત થશે.

ટ્રુડો સરકારનો નિર્ણય પશ્ર્ચિમની માનસિકતાને છતી કરનારો છે. પશ્ર્ચિમના દેશોની માનસિકતા યુઝ એન્ડ થ્રોની છે. મતલબ કે, ગરજ હોય ત્યાં લગી વાપરો ને પછી ફેંકી દો. ટ્રુડો સરકાર એ જ કામ કરી રહી છે કેમ તે આ ટેમ્પરરી એટલે કે અસ્થાયી નોકરીનો નિયમ તેણે જ બનાવેલો. ટ્રુડો સરકારે ૨૦૨૨માં કોરોનાના વિશ્ર્વવ્યાપી રોગચાળા પછી મજૂરોની અછતને નિવારવા નવા નિયમો બનાવ્યા હતા.

આ નિયમોમાં ટેમ્પરરી નોકરીઓની છૂટ અપાઈ હતી. કૅનેડાની સરકારે આ કાર્યક્રમને ટેમ્પરરી ફોરેન એમ્પ્લોયી પ્રોગ્રામ નામ આપ્યું હતું, આ પ્રોગ્રામ હેઠળ કૅનેડિયન સિવાયના લોકોને રોજગાર સંબંધિત પ્રતિબંધોમાંથી રાહત આપવામાં આવી હતી અને તેમનો પગાર પણ વધારવામાં આવ્યો હતો.

ટ્રુડો સરકારના આ પગલાથી ભારતીય વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થયો એ સ્વીકારવું પડે કેમ કે આ પ્રોગ્રામના કારણે ભણવા માટે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પાર્ટટાઈમ જોબ કરવાની તક મળી. આ પાર્ટટાઈમ જોબમાંથી તેમનો ભણવાનો ખર્ચો નિકળી જતો તેથી ભારતીયો માટે આ ફાયદાનો સોદો હતો તેમાં શંકા નથી પણ તેના કારણે કૅનેડાને પણ જબરદસ્ત ફાયદો થયો. પહેલાં ભારતીયો ભણવા માટે અમેરિકા જતા પણ તેના બદલે કૅનેડા તરફ વળી ગયા.

ટ્રુડો સરકારના નિર્ણય પછી મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકન યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાને બદલે કૅનેડિયન યુનિવર્સિટીઓને પસંદ કરવા માંડી કેમ કે કૅનેડામાં ભણવાનો ખર્ચ ઓછો આવતો, ઝડપથી પરમેનન્ટ રેસિડેન્સી મળતી અને ઝડપથી સિટીઝન પણ બની શકાતું. . ભારતીયો કૅનેડા તરફ પાગલની જેમ ભાગવા માંડેલા ને હજુ ભાગી જ રહ્યા છે. ૨૦૨૪માં લગભગ ૧૩.૩૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમાંથી ૩૦ ટકાથી વધારે કૅનેડામાં ભણી રહ્યા છે. કૅનેડામાં સૌથી વધુ ૪.૨૭ લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.

ટ્રુડોનો નિર્ણય રાજકીય ફાયદા માટે હોવાની ટીકા થઈ રહી છે. કૅનેડામાં આવતા વરસે ચૂંટણી છે પણ બેફામ મોંઘવારી અને વિશેષ તો ઘરોની અછતના કારણે લોકો ટ્રુડો સરકારથી નારાજ છે. ટ્રુડો આ નારાજગીને દૂર કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના રવાડે ચડીને કૅનેડા ફર્સ્ટનું તૂત લઈ આવ્યા છે પણ કેનેડાના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન પોતે આ નિર્ણયથી ખુશ નથી.

કૅનેડિયન ચેમ્બર ઓફ કોમર્સનાં ચેરપર્સન ડાયના વેલાસ્કોએ તો ખુલ્લેઆમ ટ્રુડો સરકારના નિર્ણયની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે વિદેશી કામદારોને કામચલાઉ નોકરી આપવાથી દેશને ફાયદો થયો અને કૅનેડા કોરોના પછી આવેલી મંદીનો સામનો કરવામાં સફળ રહ્યું. બહારથી આવેલાં લોકોએ કૅનેડાના અર્થતંત્રને બચાવી લીધું પણ હવે જે નિર્ણયો લેવાઈ રહ્યા છીએ તેનાથી બિઝનેસ કોમ્યુનિટીમાં ખોટો મેસેજ જઈ રહ્યો છે.
ડાયનાએ તો ટ્રુડોના નિવેદનને જ ટાંક્યું છે. ટ્રુડોએ કહેલું કે, બહારથી આવેલાં લોકોએ એટલે કે ઇમિગ્રન્ટ્સે કોરોના દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે થયેલા નુકસાનમાંથી કૅનેડાના અર્થતંત્રને બહાર કાઢવામાં અને અર્થતંત્રને સ્થિર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે પણ હવે તેમાં ફેરફાર કરવો જરૂરી છે કેમ કે કેનેડાએ પોતાની વસ્તીને સ્થિર કરવી જરૂરી છે.

ડાયનાનું કહેવું છે કે, વિદેશીઓને કારણે ફાયદો થયો એવું ટ્રુડો સ્વીકારે છે પણ હવે તેમને એ લોકો જ નથી જોઈતા. ડાયનાએ કટાક્ષ પણ કર્યો કે, આપણે વધુ વિદેશી રોકાણ ઈચ્છીએ છીએ પણ આપણને વિદેશી કામદારો નથી જોઈતા.

ટ્રુડો કેનેડાની વસતીની સ્થિરતાની વાતો કરી રહ્યા છે એ પણ બકવાસ છે કેમ કે કેનેડામાં એટલી બધી વસતી જ નથી. કેનેડામાં માંડ ૪ કરોડની વસતી છે પણ ઠંડો પ્રદેશ હોવાથી સ્ત્રીઓમાં ફળદ્રુપતા ઓછી છે તેથી મૂળ કૅનેડિયનોના ભરોસે વસતીનું પ્રમાણ જળવાય તેમ જ નથી. નેશનલ સ્ટેટિસ્ટિક્સ એજન્સી અનુસાર,કૅનેડાની વસ્તી ૨૦૨૩ થી ૨૦૨૪ સુધીમાં ૩.૨ ટકા અથવા ૧૩ લાખ વધશે. ૧૯૫૭ પછી આ સૌથી મોટો વાર્ષિક વધારો છે પણ તેની સામે ૧૯૫૭માં કુદરતી રીતે વસતી વધારાનો દર હતો તે અડધો થઈ ગયો છે એ પણ મહત્વનું છે.

ટ્રુડો પોતાના રાજકીય ફાયદા માટે હવે પછી વિદેશી નાગરિકોને કાયમી નાગરિકતા આપવામાં પણ ઘટાડો કરવાના છે. એક વર્ષ પહેલાં કૅનેડામાં ૨૦૨૫ અને ૨૦૨૬માં ૫-૫ લાખ લોકોને નાગરિકતા આપવાનો નિર્ણય લીધો હતો પણ હવે તેમાં પણ ફેરફાર થશે તેથી કૅનેડામાં નાગરિકતા મેળવવી પણ મુશ્કેલ બનશે એ જોતાં ભારતીયો માટે કૅનેડાના દરવાજા સાવ બંધ થઈ જાય એ દિવસો દૂર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker