એકસ્ટ્રા અફેર

એસસી-એસટી ધનિકો સ્વૈચ્છિક રીતે અનામત છોડી શકે ખરા?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં બંને સમુદાયની જ્ઞાતિઓને પેટા અનામત આપી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ૭ જજોની બંધારણીય બેંચે ૪ વિરુદ્ધ ૩ જજની બહુમતી સાથેના ચુકાદામાં કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)માં ક્રીમી લેયરને અલગ કરવાં જોઈએ.

સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે, રાજ્ય સરકારને લાગે કે, એસસી કે એસટી વર્ગની કોઇ જ્ઞાતિ હજી પણ પછાત છે તો તેને ગણતરીમાં લઈને અનામતમાંથી અલગ અનામત આપી શકાય છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) બંને સમુદાયમાં ક્રીમી લેયરમાં આવનારા લોકોને અનામતનો લાભ ન મળવો જોઇએ. તેના બદલે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમાજના ગરીબોને પ્રાધાન્ય મળવું જોઇએ અને તેમને જ અનામતનો લાભ મળવો જોઈએ.

અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નાં લોકોમાં જ એક વર્ગે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું સ્વાગત કર્યું હતું પણ મોટા ભાગના રાજકારણીઓને આ ચુકાદો માફક આવ્યો નથી તેથી તેમણે તેનો વિરોધ કરવા માટે કમર કસી છે. તેના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી એસસી-એસટી અનામતમાં પેટા અનામત આપવા સામે સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમાજને અપાતી અનામત બંધ કરી દેવાની દિશામાં પહેલું પગલું છે એવો પ્રચાર પણ ચાલી રહ્યો છે. ટ્વિટર પર તો છેલ્લા ચારેક દિવસથી આ મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે અને ૨૧ ઓગસ્ટે ભારત બંધનું એલાન પણ અનેક દલિત સંગઠનો દ્વારા અપાયું છે.

એસસી અને એસટી અનામતમાં પેટા અનામત સામેના વિરોધની આગેવાની રાજકીયટ રીતે સાવ પતી જવાના આરે આવીને ઊભાં રહી ગયેલાં બહુજન સમાજ પાર્ટીનાં માયાવતીએ લીધી છે. માયાવતીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો છે. માયાવતીનું કહેવું છે કે, આ રીતે અનામત ખતમ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. રાજ્ય સરકારે પોતાના ફાયદા માટે કોઈ પણ જ્ઞાતિને પેટા અનામત ફાળવી દેશે તેથી અનામતનો અર્થ જ નહીં રહે. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમાજમાં ક્રીમી લેયર સિસ્ટમ દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના સૂચનનો પણ માયાવતીએ વિરોધ કર્યો છે.

મજાની વાત એ છે કે, માયાવતી પોતે સ્વીકારે છે કે દલિત સમાજમાં માત્ર ૧૦ ટકા લોકો જ અનામતનો લાભ લઈને ધિંગા બન્યા છે. માયાવતીએ કહ્યું છે કે, દલિત સમાજમાં ૧૦ ટકા લોકો પાસે પૈસા આવ્યા છે અન એ લોકો ઊંચા હોદ્દા પર પહોંચ્યા છે એ વાત સાચી છે પણ તેમનાં બાળકો પાસેથી અનામતનો લાભ છીનવી શકાય નહીં. ભારતમાં હજુય જ્ઞાતિવાદી માનસિકતા પ્રવર્તે છે અને લોકોના વિચાર હજી પણ નથી બદલાયા. દલિતો પાસે પૈસા આવવા છતા પણ સમાજમાં એ લોકો સ્વીકૃત નથી એ જોતાં તેમને મળતો અનામતનો લાભ છીનવી લેવો યોગ્ય ન કહેવાય.

માયાવતી ઉપરાંત ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણ અને ચિરાગ પાસવાન સહિતના દલિત આગેવાનોએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો છે. દલિત સંગઠનો અને નેતાઓનું માનવું છે કે સુપ્રીમનો ચુકાદો ભેદભાવપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે એસસી-એસટીના ક્વોટામાં પેટા ક્વોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપીને દલિતો અને આદિવાસીઓમાં ભાગલા પાડીને પોતાના રાજકીય સ્વાર્થ સાધવાનો તખ્તો ઘડી આપ્યો છે. રાજકારણીઓ તેનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવા માટે કરશે અને એ રીતે દલિત તથા આદિવાસી સમાજ પણ વહેંચાઈ જશે. દલિતો અને આદિવાસીઓમાં પણ જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓના આધારે વિભાજન પર વિભાજન થયા કરશે ને સરવાળે મતબેંકના રાજકારણની રમત બની જશે.

આ વાત ખોટી નથી કેમ કે આપણે ત્યાં અનામતનો રાજકીય ફાયદા માટે કઈ રીતે ઉપયોગ કરવો તેમાં રાજકારણીઓ પાવરધા છે જ. દલિત અને આદિવાસી આગેવાનો જે ડર દર્શાવી રહ્યા છે તેનો અમલ વાસ્તવમાં પહેલેથી થઈ જ ગયો છે. બિહારમાં નીતીશ કુમારે દલિતોમાંથી મહાદલિત એવા ભાગ પાડીને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પહેલાંથી અમલમાં મૂકી દીધી છે. ઉત્તર પ્રદેશમાં પણ નિષાદ અને મલ્લાહ સહિતની જ્ઞાતિઓને ઓબીસીમાંથી એસસીમાં લાવીને મતબેંકના ફાયદા માટેની રમત રમવાનો ખેલ ચાલી જ રહ્યો છે. અત્યાર લગી ચાલાકીઓ કરીને આ ખેલ કરાતો હતો પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ખુલ્લેઆમ આ ખેલ ચાલશે એ જોતાં આ ડર સાવ આધાર વિનાનો નથી જ.

બીજી તરફ માયાવતીએ નિખાલસતાથી સ્વીકાર કર્યો એ વાત વિશે પણ વિચારવાની જરૂર છે. દલિતો અને આદિવાસીઓ બંનેમાં ચોક્કસ વર્ગ જ અનામતનો લાભ લઈ લઈને આગળ આવ્યો છે. માયાવતીએ પોતે જ કહી દીધું છે કે. દલિતોમાં ૧૦ ટકા લોકો એવા છે કે જે અનામતનો લાભ લઈને પૈસાદાર પણ બન્યા છે અને ઊંચા હોદ્દા પર પણ પહોંચ્યા છે. આદિવાસી સમાજમાં પણ આ જ સ્થિતિ છે અને ત્યાં પણ સમાજના દસેક ટકા લોકો તો અનામતનો લાભ લઈને ધનિક અને પાવરફુલ બન્યા જ છે.

આ લોકોને અનામતનો લાભ મળ્યા કરે એ દલિત અને આદિવાસી સમાજનાં લોકો માટે જ અન્યાયરૂપ છે. અનામતનો લાભ ગરીબ અને પછાત વર્ગનાં સંતાનોને મળવો જોઈએ તેના બદલે ધનિક અને ઊંચા હોદ્દા પર બેઠેલાં લોકો લઈ જાય એ યોગ્ય ના કહેવાય. આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે ને તેના માટે કાનૂની રીતે ક્રીમી લેયર સિવાય બીજો વિકલ્પ નથી. ક્રીમી લેયર નહીં હોય ત્યાં સુધી ધનિક અને પાવરફુલ આદિવાસીઓ પણ અનામતનો લાભ લીધા કરશે ને બંને સમાજનાં જરૂરિયાતમંદોને અન્યાય થયા કરશે. આ સંજોગોમાં એસસી-એસટી અનામતમાં પેટા અનામત ના લવાય પણ ક્રીમી લેયર જરૂરી છે જ.
આ સમસ્યાનો બીજો ઉકેલ એ છે કે, દલિત અને આદિવાસી સમાજમાં ધનિક અને પૈસાદાર લોકોનો અંતરાત્મા જાગે અને એ લોકો સ્વૈચ્છિક રીતે જ હવે પછી પોતે કે પોતાનાં સંતાનો અનામતનો લાભ નહીં લે એવું જાહેર કરે. એ લોકો પોતાનો અધિકાર છોડશે તો દલિત-આદિવાસીમાંથી ગરીબ પરિવારનાં સંતાનોને વધારે લાભ મળશે ને એ લોકો પણ આગળ આવશે. આ રીતે જે પણ લાભ લેતાં જાય એ બધાં અનામત છોડતાં જાય તો એક સમય એવો આવશે કે દલિત-આદિવાસી સમાજમાં ખરેખર જરૂર છે એ લોકોને જ અનામતનો લાભ મળતો હશે.
સવાલ એ છે કે, કુરબાની દેગા કૌન ?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને?