કૉંગ્રેસ ખરેખર હિંદુઓની સંપત્તિ મુસ્લિમોને આપી શકે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ હિંદુઓની સંપત્તિ છીનવીને મુસ્લિમોને વહેંચી દેશે એ મુદ્દો ગાજ્યો છે અને વાત ચૂંટણી પંચ લગી પહોંચી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશમાં જાહેરસભાને સંબોધતાં સવાલ કર્યો કે, તમારી સંપત્તિ તમારાં સંતાનો પાસે રહે એવું ઈચ્છો છો કે, મુસ્લિમોમાં વહેંચી દેવાય એવું ઈચ્છો છો ? ઠાકુરે કૉંગ્રેસ ના હાથે વિદેશી હાથ સાથે હાથ મિલાવી લીધા હોવાનો કટાક્ષ પણ કર્યો.
અનુરાગ ઠાકુરે જે કંઈ કહ્યું તેમાં નવું કશું નથી કેમ કે નરેન્દ્ર મોદી દરેક જાહેરસભામાં આ વાત કરી જ રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસે તેની શરૂઆત કરી દીધી હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. કૉંગ્રેસે તેના ચૂંટણીઢંઢેરામાં હિંદુઓની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેવાશે એવું કહ્યું નથી કે કર્ણાટકમાં કોઈની સંપત્તિ લઈને મુસ્લિમોને આપી હોવાનું જાણમાં નથી પણ છતાં ભાજપના નેતા આ વાતો કરે જ છે.
અનુરાગ ઠાકુરે પણ એ જ વાત કરી છે અને કૉંગ્રેસે તેની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કૉંગ્રેસે પહેલાં પણ ચૂંટણી પંચને ફરિયાદ કરેલી પણ તેના કારણે કોઈ ફરક પડ્યો નથી. ભાજપના નેતા હજુ એવી વાતો કરી જ રહ્યા છે અને ચૂંટણી પંચ તેમને કશું કરી રહ્યું નથી. કૉંગ્રેસ ની નવી ફરિયાદમાં પણ કશું થાય એવી શક્યતા નથી.
ભાજપ આ મુદ્દાને ચગાવીને હિંદુઓને મુસ્લિમોનો ડર તો બતાવી જ રહ્યો છે પણ સાથે સાથે દેશના બંધારણની પણ મજાક ઉડાવી રહ્યો છે. ખાનગી પ્રોપર્ટીને સરકાર સામૂહિક વિકાસનાં કામ માટે હસ્તગત કરી શકે કે નહીં એ અંગેનો કેસ સુપ્રીમ કોર્ટમાં પડતર છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ બંધારણીય જોગવાઈઓનું અર્થઘટન કરી રહી છે ને તેના પર સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણીમાં શું ચુકાદો આવે છે તેના પર સૌની નજર છે પણ આ કેસ કોઈની પ્રોપર્ટી છીનવીને કોઈને સોંપવાનો નથી.
આ દેશના બંધારણ પ્રમાણે, કોઈ સરકાર સામાન્ય લોકોની સંપત્તિ છીનવીને બીજા કોઈને આપી ના શકે. સરકાર જાહેરહિત માટેનાં કામો માટે જમીન સંપાદન કરે તેમાં પણ તેણે લોકોને વળતર આપવું પડે છે અને આ વળતર કેટલું હોવું જોઈએ તે અંગેના નિયમો છે.
આ જોગવાઈ અને નિયમો પણ જાહેરહિતનાં કાર્યો માટે છે. વ્યક્તિગત રીતે કોઈને આપવા માટે કોઈની સંપત્તિ
ના છીનવી શકાય એવું આ દેશનું બંધારણ સ્પષ્ટપણે કહે છે પણ ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે બંધારણીય જોગવાઈનું માન જાળવવાનું સૌજન્ય પણ ચૂકી રહ્યો છે એ ખટકે છે.
જો કે સૌથી ખટકે એવી વાત શું છે ખબર છે? કેન્દ્રમાં દસ વર્ષ સુધી શાસન કર્યા પછી ભાજપે આ દેશના હિંદુઓને મુસ્લિમોનો ડર બતાવીને મત માગવા પડે છે. કૉંગ્રેસ તમારી સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે, કોંગ્રેસ તમારા ઘરમાંથી સોના-ચાંદી લઈને મુસ્લિમોને આપી દેશે, કૉંગ્રેસ તમારાં મંગળસૂત્ર છીનવીને મુસ્લિમોને આપી દેશે એવી બધી વાતો કરવી પડે છે. દસ વર્ષમાં લોકોની જિંદગી બદલી નાંખી હોય તો ખરેખર તો કશું કહેવાની જ જરૂર ના પડે. તમારું કામ જ બોલે પણ ભાજપને પોતાનું કામ નથી બોલતું તેનો ડર કેમ છે ? દસ વર્ષના શાસન પછી લોકો બીજા વિકલ્પ વિશે વિચારશે જ નહીં ને આંખો મીંચીને ભાજપને જ મત આપશે એવો વિશ્ર્વાસ કેમ નથી?
આ બધી વાતો સાંભળ્યા પછી એ સવાલ પણ થાય કે, ભાજપ હિંદુઓને શું સમજે છે ? હિંદુઓ કાયર છે અને કૉંગ્રેસ કશું કરશે તો તેની સામે શરણાગતિ સ્વીકારીને ચૂપચાપ બધું આપી દેશે એવું કેમ માને છે ? કૉંગ્રેસ કે મુસલમાનોથી હિંદુઓને પોતે જ બચાવી શકશે એવા ભ્રમમાં કેમ છે ?
ભાજપ મુસ્લિમોનો ડર બતાવીને ખરેખર તો હિંદુઓનું અપમાન કરી રહ્યો છે.
પોતાના વિના હિંદુઓનું રક્ષણ કરનાર કોઈ નથી એવું વારંવાર જતાવીને ભાજપ ખરેખર તો હિંદુઓની મજાક ઉડાવી રહ્યો છે, હિંદુઓને હાંસીપાત્ર બનાવી રહ્યો છે. કમનસીબે બહુમતી હિંદુઓમાં એ ગૌરવ જ નથી કે ખુલ્લેઆમ ઉડાવાતી આ હાંસી સામે વિરોધ પણ કરી શકે. લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતે જેને મત આપવો હોય તેને મત આપવાનો અધિકાર છે. હિંદુઓમાં પણ દરેક વ્યક્તિ પોતાને ગમે તેને મત આપી શકે પણ કમ સે કમ આવા અપમાન સામે જાગૃતિ તો બતાવે.
હિંદુઓએ પોતાનો ઈતિહાસ જાણવાની જરૂર છે અને પોતાના આત્મગૌરવને ફરી જાગૃત કરવાની જરૂર છે. આ દેશમાંથી હિંદુઓને નેસ્તનાબૂદ કરવાના ભરપૂર પ્રયત્નો થયા પણ હિંદુઓને કોઈ નેસ્તનાબૂદ નથી કરી શક્યું. ઈસવી સન ૬૩૨માં મોહમ્મદ પયગંબર સાહેબના નિધનનાં થોડાંક વરસો પછી જ ભારત પર મુસ્લિમોનાં આક્રમણ શરૂ થઈ ગયેલાં.
લગભગ ૮૦ વર્ષ સુધી આ આક્રમણોને ખાળ્યા પછી આઠમી સદીમાં સિંધમાં પહેલી વાર મુસ્લિમ શાસન આવ્યું ત્યાંથી શરૂ કરીને છત્રપતિ શિવાજી મહારાજે સત્તરમી સદીમાં હિંદુપત પાદશાહીની સ્થાપના કરી ત્યાં સુધીનાં લગભગ સાડા આઠસો વર્ષમાં હિંદુઓને ખતમ કરીને મુસ્લિમ બનાવવાના બહુ પ્રયત્નો થયા.
એક હાથમાં તલવાર ને બીજા હાથમાં કુરાન લઈને નીકળેલા મુસ્લિમ આક્રમણખોરોએ દુનિયાના સંખ્યાબંધ આખેઆખા દેશોની પ્રજાને મુસ્લિમ બનાવી દીધી પણ ભારતમાં કેમ
સમગ્ર પ્રજાને મુસલમાન ના બનાવી શક્યા ? કેમ કે આ દેશના હિંદુ રાજા હાર્યા હતા ને મુસલમાનો સામે ઘૂંટણ ટેકવી દીધા હતા પણ હિંદુઓ નહોતા હાર્યા. હિંદુઓ પોતાની ઓળખ, પોતાના ધર્મ, પોતાની સંસ્કૃતિને જાળવવા માટે લડતા હતા. આ લડતના કારણે હિંદુત્વ ટક્યું ને હિંદુઓ પણ ટક્યા. એ વખતે ભાજપ પણ નહોતો ને આ ભાજપના ટૂણિયાટ નેતા પણ નહોતા.
આઝાદ ભારતમાં પણ હિંદુત્વ ભાજપના કારણે ટક્યું છે એવો ભ્રમ ભાજપ ઊભો કરી રહ્યો છે પણ વાસ્તવમાં ભાજપનું અસ્તિત્વ હિંદુઓને આભારી છે. હિંદુઓ આ વાત સમજે એ જરૂરી છે. કોઈને હિંદુઓની હાંસી ઉડાવવાનો કે તેમના આત્મગૌરવ પર ઘા કરવાનો અધિકાર નથી, ભાજપને પણ નહીં.