એકસ્ટ્રા અફેર: ભાજપ શાસિત રાજ્યો તમિળ ફરજિયાત કરી શકે ?

- ભરત ભારદ્વાજ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બનાવેલી નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (ગઊઙ)માં ત્રણ ભાષા શીખવવાના મુદ્દે ફરી બબાલ થઈ ગઈ છે. મોદી સરકાર આ વર્ષથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવા માગે છે પણ તમિળનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તેની સામે બાંયો ચડાવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી જ ત્રણ ભાષા શીખવવાની દરખાસ્ત છે પણ સ્ટાલિને એલાન કર્યું છે કે, અમને નવી શિક્ષણ નીતિ માન્ય નથી અને તમિળનાડુની સ્કૂલોમાં અમે તેનો અમલ કરવા નથી માગતા.
સ્ટાલિનને સૌથી મોટો વાંધો પહેલા ધોરણથી ત્રણ ભાષા શીખવવા સામે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે, ત્રણમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતની હોય એવી દરખાસ્ત સામે સ્ટાલિને દેકારો મચાવ્યો છે. સ્ટાલિનનું કહેવું છે કે, આ બહાને હિંદી ભાષા થોપવાની મથામણ થઈ રહી છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : પાકિસ્તાનમાં બલોચ પ્રજાની આઝાદીની લડાઈ વૈશ્વિક સ્તરે ચમકી
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો કે, તમિળનાડુની સરકાર પહેલાં નવી શિક્ષણ નીતિનો અમલ કરવા તૈયાર થઈ ગયેલી પણ પછી ગુલાંટ લગાવી દીધી. પ્રધાને સ્ટાલિનની પાર્ટી ડીએમકેના નેતાઓને બેઈમાન અને અસભ્ય ગણાવ્યા તેમાં આખી વાત જુદા પાટા પર ફંટાઈ ગઈ છે.
સ્ટાલિનનું રાજકારણ હિંદીના વિરોધ પર ચાલે છે તેથી સ્ટાલિન જાહેરમાં હિંદી ભાષા સામે ભારોભાર અણગમો બતાવવાની એક પણ તક છોડતા નથી. અત્યારે પણ સ્ટાલિન મચી પડ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુદ્દે જાહેરમાં જીભાજોડી કરી જ રહ્યા છે અને પ્રધાને તમિળોનું અપમાન કરી નાખ્યું હોવાનો મુદ્દો તેમણે છેડી જ દીધો છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઔરંગઝેબની કબર તોડવાથી શું? તેને ઉઘાડો પાડો…
સ્ટાલિને આક્ષેપ કરેલો કે, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન તમિલનાડુમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ના કરાય તો કેન્દ્ર દ્વારા અપાતું ભંડોળ રોકવાની ધમકી આપીને `બ્લેકમેલ’ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે સ્ટાલિન કહ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન ઘમંડી છે અને પોતે રાજા હોય એવું વર્તન કરી રહ્યા છે. હવે તેમણે મોદી સરકાર તમિળ પ્રજાના માથે હિંદી થોપવા માગે છે એવો દાવો કરીને તેમણે પણ તમિળનાડુમાં પણ તેમણે હિંદી વિરોધી માહોલ ઊભો કરવા માંડ્યો છે.
સ્ટાલિને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ભારતને નહીં પણ હિન્દી ભાષાને વિકસાવવાની યોજના ગણાવીને કહ્યું છે કે, અમે આ નીતિનો વિરોધ કરી રહ્યા છીએ કારણ કે તે તમિળનાડુની શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે.
મોદી સરકારે આખા દેશમાં હિંદી ફરજિયાત કરવાનો પ્રયત્ન કરેલો એ સાચી વાત છે. આ સંજોગોમાં સ્ટાલિનનો મોદી સરકાર દ્વારા તમિળો પર હિંદી ભાષા થોપવાની કોશિશ થઈ રહી હોવાનો આક્ષેપ સાવ ખોટો નથી પણ મોદી સરકાર એ મુદ્દે પારોઠનાં પગલાં ભરી ચૂકી છે તેથી આ મુદ્દો પતી ગયેલો છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ન્યૂ ઝીલેન્ડ સામે હારનો સિલસિલો અંતે તૂટ્યો
મોદી સરકારે 2019માં ફરી સત્તામાં આવતાં જ પહેલું કામ નવી શિક્ષણ નીતિનો મુસદ્દો બહાર પાડવાનું કરેલું. આ મુસદ્દામાં પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને ત્રણ ભાષા શીખવવી એ મુખ્ય મુદ્દો હતો. તેમાં પણ હિંદી ભાષા તો ફરજિયાત ભણાવવી એ વાત કેન્દ્રસ્થાને હતી. દેશનું હિંદીભાષી રાજ્ય હોય કે બિન હિંદીભાષી રાજ્ય હોય, દરેક રાજ્યમાં પહેલા ધોરણથી હિંદી, અંગ્રેજી ને ત્રીજી ભાષા શીખવવી ફરજિયાત હોવી જોઈએ એવું તેમાં સ્પષ્ટ કહેવાયેલું, અંગ્રેજી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાની ભલામણ પણ કરાયેલી.
હિન્દી ભાષા શીખવવાની વાત સામે દક્ષિણનાં રાજ્યોમાં ભડકો થઈ ગયો. એ વખતે પણ તમિળનાડુ આ વિરોધમાં મોખરે હતું. ભારતમાં રાજકારણીઓ વાતનું વતેસર કરવામાં હોશિયાર છે ને ક્યારે ક્યા મુદ્દાને રાજકીય રંગ આપીને ડખાપંચક ઊભું કરી નાખે એ નક્કી નહીં. હિંદીના મુદ્દે પણ રાજકારણીઓની ઉશ્કેરણીના કારણે દક્ષિણનાં રાજ્યોમાં તોફાન ફાટી નીકળ્યાં તેમાં મોદી સરકારે પીછેહઠ કરવી પડેલી.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામત, કૉંગ્રેસ નહીં સુધરે
ભાષાના નામે રમખાણો થાય ને લોકોને નુકસાન થાય એ યોગ્ય નથી તેથી મોદી સરકારે તાબડતોબ નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી) 2019 નામે નવો મુસદ્દો બહાર પાડીને હિંદી ફરજિયાત કરવાની વાતનો વીંટો વાળી દીધો. નવા મુસદ્દામાં ચોખવટ કરી નાખી કે, હવે પછી વિદ્યાર્થીઓએ ત્રણ ભાષા તો શીખવી પડશે પણ તેમાં હિંદી હોવી જ જોઈએ એ જરૂરી નથી.
મોદી સરકારે હિન્દીને સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો કેમ કે હિન્દી બંધારણીય રીતે રાજ્યભાષા તરીકે સ્વીકારાયેલી છે. હિન્દી આપણી રાજ્યભાષા હોવાથી દેશભરની સ્કૂલોમાં હિન્દી શીખવવામાં આવે તેમાં કશું ખોટું નથી. મોદી સરકારે દરેક રાજ્યની માતૃભાષાને પણ મહત્ત્વ આપેલું. ઉત્તર ભારતમાં રાજ્યોમાં હિંદી માતૃભાષા છે તેથી આ રાજ્યોમાં ત્રીજી કઈ ભાષા પહેલા ધોરણથી શીખવવી એ રાજ્ય સરકારે નક્કી કરવાનું હતું પણ બીજાં રાજ્યોમાં ત્રીજી ભાષા તરીકે પોતાની માતૃભાષા શીખવવામાં આવે એ સ્પષ્ટ હતું. ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી ને એ રીતે દરેક રાજ્યમાં પોતપોતાની માતૃભાષા ત્રીજી ભાષા તરીકે શીખવે એ સ્પષ્ટ હતું.
આ રીતે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી, માતૃભાષા અને રાજ્યભાષા હિન્દી એ ત્રણ ભાષાનું શિક્ષણ આપવાની ફોર્મ્યુલા બરાબર હતી પણ દક્ષિણ ભારતના રાજકીય પક્ષોની હિંદી વિરોધી માનસિકતાને કારણે હિંદી બાજુ પર મુકાઈ ગઈ. મોદી સરકારે ફરજિયાત હિંદીનું પડીકું કરી નાખ્યું પછી ખરેખર વિરોધ કરવા માટે કોઈ મુદ્દો જ નહોતો બચતો કેમ કે વિદ્યાર્થીને ત્રણ ભાષા શીખવવામાં કશું ખોટું નથી.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ શમીની ટીકા બકવાસ, ધર્મ કરતાં દેશ મોટો…
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે તે રાજ્યની માતૃભાષા અને અંગ્રેજી ઉપરાંત કોઈ પણ ભારતીય ભાષા ત્રીજી ભાષા રાખી શકે છે. માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ અંગ્રેજી ઉપરાંત, કોરિયન, જાપાનીઝ, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને અન્ય વિદેશી ભાષાઓ પણ શીખી શકે છે. ત્રણમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતની હોય એ શરતના કારણે બે વિદેશી ભાષા ના શીખી શકાય પણ તેમાં પણ હિંદીને થોપવાની તો વાત જ નથી. તમિલનાડુમાં તમિલ અને અંગ્રેજી સિવાય દક્ષિણની બીજી કોઈ ભાષા કે પછી બંગાળી સહિતની બીજી કોઈ પ્રાદેશિક ભાષા પણ શીખવી શકાય પણ સ્ટાલિનને હિંદીના વિરોધમાં રસ છે તેથી એ કશું સાંભળવા તૈયાર નથી.
સ્ટાલિનની વાતની હવા કાઢવા ભાજપ શાસિત રાજ્યો પોતાની સ્કૂલોમાં તમિળ સહિતની દક્ષિણ ભારતીય ભાષામાંથી કોઈ એક પહેલા ધોરણથી શીખવવાનું એલાન કરી શકે. કમનસીબે ભાજપના નેતાઓનાં મન પણ એટલાં મોટાં નથી. એ લોકો હિંદી શીખવવાની મમત પર ચડેલા છે પણ બીજી ભાષા શીખવવાની ઉદારતા નથી બતાવી શકતા. એ લોકો આ દેશનું જ્ઞાન જેમાં સચવાયેલું છે એ સંસ્કૃત ફરજિયાત કરવા તૈયાર નથી તો તમિળ શીખવવા તો ક્યાંથી તૈયાર થવાના ? તમિળ આ દેશની સૌથી જૂની ભાષા છે તેથી ઉત્તર કે પશ્ચિમના વિદ્યાર્થી તમિળ શીખે તો સાં છે પણ ભાજપની સરકારોમાં એવું કરવાની હિંમત છે ખરી ?