એકસ્ટ્રા અફેર

ચરણસિંહ અને નરસિંહરાવ બંને વિવાદાસ્પદ રાજકારણી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હમણાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નની લહાણી કરવામાં પડી છે. પહેલાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન અપાયો ને પછી ભાજપની હાલની જાહોજલાલીના પ્રણેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપી દેવાયો. મોદી સરકારે આ લહાણી ચાલુ રાખીને શુક્રવારે વધુ ત્રણ મહાનુભાવોને ભારતરત્ન આપી દીધો. ભૂતપૂર્વ વડા પ્રધાનો ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવ ઉપરાંત ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનને ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત મોદી સરકારે કરી નાંખી.

આ ત્રણેય મહાનુભાવો પૈકી સ્વામીનાથન ભારતરત્ન માટે સૌથી વધારે લાયક છે તેમાં બેમત નથી. નરસિંહરાવ અને ચરણસિંહ પણ દિગ્ગજ નેતા છે તેમાં શંકા નથી પણ તેમને ભારતરત્ન આપવા પાછળ રાજકીય ગણતરીઓ છે. મોદીએ કૉંગ્રેસ નહેરુ-ગાંધી ખાનદાનને મહાન યોગદાન આપનારા નેતાઓને અવગણ્યા એવા આક્ષેપો સતત કરે છે ને એ વાત સાબિત કરવા પણ મથ્યા કરે છે. તેના ભાગરૂપે મોદી સરકારે પહેલાં પ્રણવ મુખર્જીને ભારતરત્ન આપેલો.

મોદીએ ૨૦૧૯માં પ્રણવદાને ભારતરત્ન આપવાની જાહેરાત કરી ત્યારે સંસદમાં પ્રણવદાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, કૉંગ્રેસની સરકારો હતી ત્યારે નરસિંહરાવ, ડો. મનમોહનસિંહ જેવા નેતાઓને ભારતરત્ન નથી અપાયો. બલકે નહેરુ-ગાંધી ખાનદાન બહાર કોઇને ભારતરત્ન નથી અપાયો. પ્રણવદાએ દેશ માટે જીવન સમર્પિત કરી દીધું છે પણ કૉંગ્રેસે તેમની કદર ના કરી પણ અમે કૉંગ્રેસ જેવા નથી તેથી પ્રણવદાના યોગદાન બદલ અમે તેમને ભારતરત્ન આપ્યો છે.

ભૂતપૂર્વ વડા પ્રધાનો ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવને ભારતરત્ન આપવા પાછળ પણ મોદી સરકારની કૉંગ્રેસને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાની ગણતરી છે જ ને તેમાં કશું ખોટું નથી. કૉંગ્રેસે નહેરુ-ગાંધી ખાનદાન સિવાયના નેતાઓની અવગણના કરી જ છે એ જોતાં મોદી કે બીજું કોઈપણ કૉંગ્રેસની આ હલકટાઈની વાત કરે તેમાં કશું ખોટું નથી.

ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવને ભારતરત્ન આપવા પાછળ મોદી સરકારની બીજી પણ રાજકીય ગણતરી છે. લોકસભા ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાં ભાજપને ફાયદો થાય એ માટે નરસિંહરાવને ભારતરત્ન અપાયો છે જ્યારે ચૌધરી ચરણસિંહની પસંદગી ઉત્તર પ્રદેશમાં ચરણસિંહના પૌત્ર જ્યંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળને ભાજપ તરફ ખેંચવા કરાઈ છે. મોદીનો આ દાવ સફળ પણ થયો છે કેમ કે ચરણસિંહને ભારતરત્ન આપવાની જાહેરાત થતાં જ ગદગદ થઈ ગયેલા જયંત ચૌધરી ભાજપના પગમાં આળોટી ગયા છે અને અખિલેશ યાદવને કોરાણે મૂકીને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કરવા તૈયાર થઈ ગયા છે. જયંત ચૌધરીનો પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશના જાટ મતદારો પર પ્રભાવ છે તેથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેનો ફાયદો મળશે.

નરસિંહરાવ અને ચૌધરી ચરણસિંહ બંને વડા પ્રધાન તરીકેના પોતપોતાના કાર્યકાળમાં વિવાદાસ્પદ પણ રહ્યા ને બંને જે પ્રકારનું રાજકારણ રમ્યા તેમાંથી પ્રેરણા લેવા જેવી તો બિલકુલ જ નથી છતાં તેમને ભારતરત્ન અપાય તેની સામે વાંધો લઈ શકાય તેમ નથી. બંનેએ દેશના રાજકારણમાં કમ સે કમ પોતાના નામે એક-એક પ્રકરણ એવું તો લખ્યું જ છે કે જેના કારણે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન માટે લાયક ગણવામાં વાંધો ના આવે. આ બંને પૈકી પણ નરસિંહરાવનું યોગદાન તો બહુ મોટું છે.

નરસિંહરાવને ભારતમાં આર્થિક ઉદારીકરણના પ્રણેતા ગણવામાં આવે છે. રાજીવ ગાંધીની હત્યાને પગલે વડા પ્રધાન બનેલા નરસિંહરાવ સાથે સોનિયા ગાંધીને નહોતું ફાવતું કેમ કે નરસિંહરાવ જીહજૂરી કરનારા નેતા નહોતા. આ કારણે રાવને વડા પ્રધાન બનાવવા સામે પરિવારના ભક્તોને વાંધો હતો પણ એ વખતે કૉંગ્રેસ પાસે બીજો વિકલ્પ નહોતો તેથી રાવને ગાદી પર બેસાડાયા. રાવને ગાદી પર બેસાડાયા ત્યારે કોઈને સારા વહીવટની આશા નહોતી પણ રાવે ચમત્કાર સર્જ્યો. નરસિંહરાવ પોતાનું ધાર્યું કરતા તેથી કોઈ કૉંગ્રેસીના બદલે ડો. મનમોહનસિંહને નાણાં મંત્રી બનાવી દીધેલા. નરસિંહરાવનો આ નિર્ણય ભારતના ઈતિહાસમાં ઐતિહાસિક સાબિત થયો.

નરસિંહરાવના રાજમાં ભ્રષ્ટાચાર બેફામ વધ્યો એ વાત સાચી પણ નરસિંહરાવે ભારતીય અર્થતંત્રને ખોલી નાંખી બધાની જિંદગી જ બદલી નાંખી તેમાં બેમત નથી. જવાહરલાલ નહેરુના વખતથી આપણે સમાજવાદની પિપૂડી વગાડ્યા કરતા હતા તેમાં પતી ગયેલા. બહારની કંપનીઓને આવકારતા નહોતા ને અહીં કશું બનતું નહોતું તેમાં દુનિયા રોકેટ ગતિએ આગળ વધતી હતી ત્યારે આપણે ગાડાની ગતિએ આગળ વધતા હતા.

આ કારણે અર્થતંત્ર એટલું માદું થઈ ગયેલું કે, ચંદ્રશેખરના સમયમાં તો રિઝર્વ બૅન્કમાં સંઘરેલું સોનું વેચવાના દાડા આવી ગયેલા. એ વખતે નરસિંહરાવે હિંમતભર્યો નિર્ણય લઈને આર્થિક સુધારા કરવાનું નક્કી કર્યું તેમાં દેશની હાલત બદલાઈ ગઈ. મારુતિ ને એમ્બેસેડર સિવાય બીજી કાર આ દેશમાં દેખાતી નહોતી ને આખી દુનિયા સેલફોન પર વાતો કરતી હતી ત્યારે આપણે એ જ જૂનાં ડબલાં વાપરતા હતા તેમાંથી આજે ફોર જીના જમાનામાં આપણે આવી ગયા તેનો યશ નરસિંહરાવને જાય છે. નરસિંહરાવે કરેલા આર્થિક સુધારાએ દેશનાં લોકોને નવી સુખદાયી જિંદગી આપી એ જોતાં ‘ભારતરત્ન’ માટે સૌથી વધારે લાયક રાવ છે.

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ દેશમાં ખેડૂતોના મસિહા ગણાય છે. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસના વર્ચસ્વને તોડવાની શરૂઆત કરનારા ચરણસિંહ મૂળ કૉંગ્રેસી હતા. કૉંગ્રેસમાં રહીને તેમણે ક્રાન્તિકારી જમીન કાયદા બનાવડાવ્યા. ખેડે તેની જમીન જેવા કાયદા દ્વારા તેમણે કરોડો ખેતમજૂરોને ખેડૂત બનાવી દીધા હતા. ચરણસિંહ ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે લડ્યા હતા એ સાચું છે પણ સામે ચરણસિંહની સત્તાલાલસાના કારણે જ આ દેશમાં કૉંગ્રેસ ફરી બેઠી થઈ ગઈ એ પણ સાચું છે.

કટોકટી પછીની ૧૯૭૭ની પહેલી ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની કારમી હાર થઈ ને મોરારજી દેસાઈ દેશના વડા પ્રધાન બનેલા. જો કે ચરણસિંહ સહિતના નેતાઓની સત્તાલાલસાએ અઢી વર્ષમાં જ મોરારજી સરકારનો રકાસ કર્યો. ઇંદિરા ગાંધીએ ચરણસિંહને વડા પ્રધાન બનાવવાની લાલચ આપીને જનતા પાર્ટીમાં બળવો કરાવીને ભંગાણ કરાવ્યું. એ વખતે ચરણસિંહ પાસે ૬૭ સાંસદો હતા. ચરણસિંહ ૬૭ સાંસદોના જોરે દેશના વડા પ્રધાન બનેલા. ઇંદિરાની જાળમાં ફસાયેલા ચરણસિંહે પોતાની બહુમતી પણ સાબિત ના કરી ને સાડા પાંચ મહિના સરકાર ચલાવી. ઇંદિરાએ ટેકો પાછો ખેંચી લેતાં છેવટે તેમની સરકાર ઘર ભેગી થઈ હતી.

ચરણસિંહ અને રાવની સરખામણીમાં સ્વામીનાથનનું યોગદાન બહુ મોટું છે. આ યોગદાન શું છે તેની વાત કાલે કરીશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા