એકસ્ટ્રા અફેર

રાજકોટમાં ભાજપ-કૉંગ્રેસ બંને પાસે મજબૂત નેતા નથી?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે બાકી રહેલા ચાર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં. આ ચાર બેઠકોમાં રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી, મહેસાણામાં ભાજપના હરિભાઈ પટેલ સામે રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ સામે હિંમતસિંહ પટેલ અને નવસારીમાં ભાજપ નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સામે નૈષધ દેસાઇને ટિકિટ આપી છે. કૉંગ્રેસે વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે પણ વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઇ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઇ ગોહિલને ટિકિટ આપી છે.

વિધાનસભાની પેટાચૂંટણી કોંગ્રેસ કે ભાજપ માટે બહુ મહત્ત્વની નથી કેમ કે તેનાથી ગુજરાતમાં સત્તાનાં સમીકરણો બદલાવાનાં નથી. કૉંગ્રેસ એક-બે બેઠકો નહીં પણ બધી પાંચેય બેઠકો
જીતી લે તો પણ ફરક નથી પડવાનો કેમ કે આ પાંચમાંથી
ચાર બેઠકો ૨૦૨૨માં કૉંગ્રેસે જ જીતી હતી. આ સંજોગોમાં વિધાનસભાની પેટાચૂંટણીનું રાજકીય રીતે મહત્ત્વ નથી પણ લોકસભાની ચૂટણી મહત્ત્વની છે કેમ કે તેનાં પરિણામ દેશમાં હવે પછી કોની સત્તા હશે એ નક્કી કરવામાં યોગદાન આપશે તેથી તેની વાત કરવી જરૂરી છે.

કૉંગ્રેસે બાકી રહેલી ચાર બેઠકો પરના જે ઉમેદવારો જાહેર કર્યા તેમાં હિંમતસિંહ પટેલ અને નૈષધ દેસાઈ ફૂટેલી કારતૂસો છે. એ બંને ભાજપને હરાવે એવી તો કલ્પના જ ના થઈ શકે પણ દેશમાં સૌથી વધુ લીડથી હારનારા ઉમેદવારોમાં તેમનું નામ ના આવે તો પણ એ તેમની સિદ્ધિ ગણાશે. મહેસાણામાં કૉંગ્રેસે ઉતારેલા રામજી ઠાકોર રસપ્રદ પસંદગી છે. મહેસાણામાં ભાજપના હરિભાઈ પટેલ સામે રામજી ઠાકોરને મેદાનમાં ઉતારીને કૉંગ્રેસે પટેલ વર્સીસ ઠાકારનો જંગ સેટ કરી દીધો છે.

રામજી ઠાકોર ભાજપના હરિભાઈ પટેલને હરાવી શકે એવી શક્યતા નહિવત છે પણ રામજી ઠાકોરની પસંદગી ઉત્તર ગુજરાતની પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બેઠકો પર કૉંગ્રેસને ફાયદો કરાવી શકે છે કેમ કે આ ત્રણેય બેઠકો પર ઠાકોર મતદારો મોટી સંખ્યામાં છે અને નિર્ણાયક છે. કૉંગ્રેસે એક બેઠક હારવાનું જોખમ ઉઠાવીને ત્રણ બેઠકો પર ફાયદાની ગણતરી માંડી એ વ્યૂહાત્મક રીતે સારી ચાલ છે. કૉંગ્રેસ પાસેથી આવી ચાલની આશા નહોતી એ જોતાં કૉંગ્રેસે આશ્ચર્ય સર્જ્યું.

રાજકોટમાં કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતારીને એવી જ ચાલ ખેલી નાખી છે. પરસોત્તમ રૂપાલા સામે કૉંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે એવી શક્યતા હતી જ તેથી આ નિર્ણય આશ્ચર્યકારક નથી પણ કૉંગ્રેસે ધાનાણીને જ ઉતારીને રાજકોટના જંગને રસપ્રદ બનાવી દીધો છે એ સ્વીકારવું જોઈએ. પરસોત્તમ રૂપાલા તેમના નિવેદનના પગલે ક્ષત્રિયોના રોષનો ભોગ બની રહ્યા છે અને ક્ષત્રિયો તેમની ટિકિટ કાપવામાં આવે એ માગ પર અડી ગયા છે ત્યારે જ કૉંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારીને રૂપાલા સામે મજબૂત ઉમેદવાર ઉતારી દીધો છે એવું લાગી રહ્યું છે. ધાનાણી રૂપાલાને હરાવી જ દેશે એમ કહેવું અતિશયોક્તિપૂર્ણ છે પણ ધાનાણીનો ટ્રેક રેકોર્ડ જોતાં એ રૂપાલાને જોરદાર ટક્કર આપી શકશે એવું ચોક્કસ માની શકાય.

રૂપાલા સામે ધાનાણીની પસંદગી એ રીતે રસપ્રદ છે કે, ધાનાણી કૉંગ્રેસમાં જાયન્ટ કિલર માનવામાં આવે છે. પરેશ ધાનાણી ભૂતકાળમાં ત્રણ દિગ્ગજ ભાજપ નેતાઓને હરાવવાનો અનુભવ ધરાવે છે ને મજાની વાત એ છે કે, ધાનાણીએ તેની શરૂઆત પરસોત્તમ રૂપાલાથી હરાવીને કરી હતી. માત્ર ૨૬ વર્ષની ઉંમરે રૂપાલા જેવા મજબૂત નેતાને હરાવીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા પરેશ ધાનાણીને આ કારણે જ કોઈ હશવાશથી લેતું નથી. ૨૦૦૨માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને ૧૬ હજાર મતે હરાવ્યા હતા. અમરેલી બેઠક પરથી ત્રણ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને મોદી સરકારમાં મંત્રી રૂપાલાની હાર સૌ માટે આંચકાજનક હતી. રૂપાલા ઉપરાંત ભાજપના વધુ એક દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને પણ ધાનાણી હરાવી ચૂક્યા છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પર ધાનાણીએ સાંઘાણીને હરાવ્યા હતા. આ ઉપરાંત ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી જ તેમણે બાવકુ ઉઘાડને હરાવ્યા હતા.

ધાનાણીની પસંદગી એ રીતે પણ મહત્ત્વની છે કે, ધાનાણી લેઉઆ પાટીદાર છે જ્યારે રૂપાલા કડવા પાટીદાર છે. રાજકોટ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચેની ટક્કરમાં જ્ઞાતિવાદનાં સમીકરણોમાં ધાનાણીનો હાથ ઉપર છે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ કારણે કૉંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. લેઉવા પાટીદારો એકતરફી મતદાન કરે અને ક્ષત્રિયો પણ કૉંગ્રેસને મત આપે ભાજપના ગઢ રાજકોટમાં ધાનાણી રૂપાલાને ભારે પડી શકે છે.

રાજકોટ લોકસભા બેઠકની ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે સરળતાથી આ બેઠક જીતી હતી પણ એ પહેલાં ૨૦૦૯માં આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો. ધાનાણી આ ઈતિહાસ દોહરાવવા સક્ષમ છે એવું ભાજપના નેતા પણ સ્વીકારે છે.

રાજકોટ બેઠક પર ક્ષત્રિય મતદારો બહુ નિર્ણાયક નથી પણ ક્ષત્રિયો જે રીતે રૂપાલાની પાછળ હાથ ધોઈને પડ્યા છે એ જોતાં ક્ષત્રિયોનું સંપૂર્ણ મતદાન રૂપાલાની વિરૂધ્ધ અને ધાનાણીની તરફેણમાં થાય તો રૂપાલાને જીતવું કપરું પડી શકે છે. રવિવારે જ રાજકોટના રતનપર ગામે ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં રૂપાલાને હરાવવાનો ઠરાવ કરાયો છે. ક્ષત્રિયો ગામેગામ ફરીને કહી રહ્યા છે કે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને મત આપજો. ક્ષત્રિય સમાજની ૧૦૦ મહિલા રૂપાલા સામે ઉમેદવારી કરવાની છે કે જેથી બેલેટ પેપરથી મતદાન કરાવવું પડે. આ સીનેરિયો વચ્ચે કૉંગ્રેસે ધાનાણીને ટિકિટ આપીને રૂપાલાની મુશ્કેલી વધારી દીધી છે.

રૂપાલા અને ધાનાણીમાં કોણ જીતશે એ સમય કહેશે પણ અત્યારે રાજકોટના મતદારો અને વધારે તો રાજકીય કાર્યકરોની દયા આવે છે. રાજકોટમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેએ સ્થાનિક ઉમેદવારને બાજુ પર મૂકીને અમરેલીના બે પટેલોને ટિકિટ આપી છે એ જોતાં બંને પક્ષના કાર્યકરો શું કરતા હતા એ સવાલ થાય. ભાજપ અને કૉંગ્રેસ બંને પાસે સ્થાનિક સ્તરે લોકોની વચ્ચે રહીને કામ કરનારો નેતા નથી એવું જ માનવું પડે ને ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button