એકસ્ટ્રા અફેર

ભાજપ અને નીતીશ બંને સ્વમાનહીન સાબિત થયાં

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

નીતીશકુમારે ફરી એક વાર પલટી મારી દીધી અને પાછા ભાજપના ખોળામાં જઈને બેસી ગયા. બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે નીતીશકુમારે રવિવારે સવારે ૧૧ વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું અને તરત જ રાજ્યપાલ સમક્ષ ભાજપના ટેકાથી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ પણ કરી દીધો. રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર ભાજપના માણસ છે તેથી તેમણે તાત્કાલિક નીતીશને શપથવિધી માટે નોંતરી દીધા અને સાંજ લગીમાં તો નીતીશ પાછા મુખ્યમંત્રીપદે ગોઠવાઈ પણ ગયા.

નીતીશે રાજ્યપાલને ૧૨૮ ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો તેમાં ભાજપના ૭૮, જેડીયુના ૪૫, જીતનરામ માંઝીના હિંદુસ્તાન અવામ મોરચા (હમ)ના ૪ અને ૧ અપક્ષ ધારાસભ્યનાં નામ હતાં. નીતીશની સાથે ભાજપના મંત્રીઓએ પણ શપથ લીધા છે અને અઠવાડિયા પહેલાં લગી ભાજપના જે નેતા નીતિશ કુમારને સાવ નકામા મુખ્યમંત્રી ગણાવતા હતા એ બધા પણ હોંશે હોંશે નીતીશની કેબિનેટમાં ગોઠવાઈ ગયા. બે નાયબ મુખ્યમંત્રીપદ લઈને ભાજપના નેતા રાજીના રેડ થઈ ગયા.

બિહારમાં થયેલો સત્તાપલટો ભાજપના નેતા અને નીતીશકુમાર બંને સાવ નકટા છે તેનો પુરાવો છે. દોઢ વર્ષ પહેલાં નીતીશે ભાજપનો સાથ છોડીને લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની પંગતમાં બેસવાનું નક્કી કર્યું ત્યારે હુંકાર કરેલો કે, હવે આ જનમમાં તો હું ફરી ભાજપ સાથે જોડાણ નહીં જ કરું અને ફરી ભાજપ સાથે દોસ્તી કરવાનો સવાલ જ પેદા થતો નથી.

નીતીશે કહેલું કે, ભાજપ સત્તાનો દુરુપયોગ કરીને સરકારી એજન્સીઓનો લાલુ પ્રસાદ યાદવ સહિતના રાજકીય હરીફોને ખતમ કરવા માટે ઉપયોગ કરે છે અને આ કારણે જ પોતે ૨૦૧૭માં લાલુ પ્રસાદ યાદવની આરજેડી સાથે જોડાણ તોડી નાંખેલું. વાસ્તવમા કેન્દ્રીય એજન્સીઓએ લાલુ સામે ખોટો કેસ કરેલો તેથી પોતે જોડાણ તોડ્યું હતું પણ આ કેસમાં કશું બહાર આવ્યું નથી તેથી હવે પોતે ફરી જોડાણ કરી રહ્યા છે. નીતીશે એવું પણ કહેલું કે, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના સમયમાં ભાજપના નેતા જમીન પર હતા જ્યારે હાલની નેતાગીરી અંહકારી છે.

ભાજપના નેતાઓએ પણ નીતીશને ગાળો દેવામાં કોઈ કસર છોડી નહોતી. ભાજપના ક્યા નેતાએ શું કહેલું તેની વાતમાં આપણે પડતા નથી પણ સુશીલકુમાર મોદી અને ગિરિરાજસિંહ સહિતના નેતાઓએ સાફ શબ્દોમાં કહેલું કે હવે પછી નીતીશકુમાર નાક રગડતા અમારી સામે આવે તો પણ તેમની સાથે જોડાણ કરવાનો સવાલ જ પેદા થતો નથી. નીતીશના નામ પર ભાજપે કાયમના માટે ચોકડી મૂકી દીધી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ નીતીશને ગાળો દેવામાં કંઈ બાકી રાખ્યું નહોતું.

હવે આજે એ જ ભાજપના નેતા નીતીશની પાલખી ઊંચકીને ચાલી રહ્યા છે. એ જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ નીતીશને અભિનંદન આપી રહ્યા છે. એ જ નીતીશ ભાજપના અહંકારી નેતાઓની બગલમાં ભરાઈ ગયા છે. નીતીશ અત્યાર લગી તેજસ્વી યાદવને તેજતર્રાર નેતા ગણાવતા હતા, પોતાના રાજકીય વારસદાર ગણાવતા. હવે નીતીશને તેજસ્વી સહિતના આરજેડીના નેતા કોઈ જ કામ કરતા નહોતા અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો એવું લાગી રહ્યું છે.

ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈને નીતીશ પણ ભાજપના નેતા માટે પવિત્ર થઈ ગયા છે. જે ગિરિરાજ સિંહે નીતીશને સત્તાલાલચુ કહેલા એ જ ગિરિરાજ અત્યારે નીતીશકુમારનો આભાર માની રહ્યા છે. ગિરિરાજ સિંહે બહુ કોમિક વાત કરી કે, દોઢ વર્ષમાં બિહાર જંગલ રાજ પાર્ટ ૨ જેવું બની ગયું હતું અને જંગલ રાજમાંથી આઝાદી મેળવવા માટે અમે નીતીશજીને મુખ્યમંત્રી બનાવ્યા છે. ભલા માણસ, બિહારમાં જંગલ રાજ આવી ગયેલું તો તેના માટે જવાબદાર મુખ્યમંત્રી કહેવાય કે બીજું કોઈ કહેવાય ? જે માણસ બિહારમાં જંગલ રાજ પાર્ટ ટુ માટે જવાબદાર હતો તેને જ તમે પાછો મુખ્યમંત્રી બનાવી દીધો તો ફરક શું પડ્યો? આરજેડીના બદલે હવે ભાજપ ટેકો આપશે એટલે બિહારમાંથી જંગલ રાજ પાર્ટ ટુ જતું રહેશે ? નફ્ફટાઈની પણ હદ હોય ને એ હદ ગિરિરાજ સહિતના ભાજપના નેતા વટાવી રહ્યા છે. નીતીશે તો પહેલાં જ વટાવી દીધેલી ને એટલે જ ભાજપના ખોળામાં જઈને બેસી ગયા.

નીતીશકુમાર નવા જોડાણ સાથે પક્ષપલટુઓના આદર્શ સાબિત થયા છે. એક જમાનામાં બંસીલાલ, દેવીલાલ, ભજનલાલ વગેરે હરિયાણાના નેતા આયારામ ગયારામ તરીકે પંકાઈ ગયેલા પણ નીતીશે જે રીતે ગુલાંટો લગાવી છે એ જોતાં એ બધા તો બચ્ચાં લાગે છે. નીતીશ ૨૦૦૦ની સાલમાં પહેલી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા પછી અત્યાર લગીમાં આ ચોથી વાર ગુલાંટ લગાવી છે અને છઠ્ઠી વાર મુખ્યમંત્રી બન્યા છે. ભાજપ અને આરજેડી બંનેને ઉલ્લુ બનાવીને નીતિશ બે દાયકાથી સત્તા ભોગવ્યા કરે છે.

નીતીશ પહેલી વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે અઠવાડિયું જ ટકેલા પણ ૨૦૦૫માં મુખ્યમંત્રી બન્યા પછી જામી ગયા. એ પછી વચ્ચે નવેક મહિના માટે જીતનરામ માંઝી મુખ્યમંત્રી બન્યા તેને બાદ કરતાં બાકીનો સમય નીતીશ જ મુખ્યમંત્રી બન્યા છે. નીતીશ ૨૦૦૫થી ભાજપના ટેકાથી મુખ્યમંત્રી હતા પણ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ભાજપે વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવતાં વંકાયેલા નીતીશ ભાજપથી અલગ થયા હતા.

નીતીશ ૧૬ જૂન ૨૦૧૩ના રોજ ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારથી અલગ થયા અને પોતાની તાકાત પર સરકાર ચલાવી કેમ કે એ વખતે નીતીશ પાસે ૨૪૩ સભ્યોની વિધાનસભામાં ૧૧૫ સભ્યો હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોદીની લહેરમાં નીતીશની જેડીયુ અને લાલુની આરજેડી બંનેનો સફાયો થયો પછી પ્રશાંત કિશોરની સલાહથી આરજેડી અને જેડીયુ વચ્ચે જોડાણ થતાં ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ ધોવાઈ ગયેલો અને નીતીશકુમાર ફરી મુખ્યમંત્રી બનેલા.

નીતીશકુમારે ૧૫૦૨ દિવસ સુધી આરજેડી-કૉંગ્રેસ ગઠબંધન સાથે સરકાર ચલાવી અને ૨૬ જુલાઈ ૨૦૧૭ના રોજ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરીને આરજેડી-કૉંગ્રેસથી અલગ થઈને પાછા ભાજપની પંગતમાં બેસી ગયેલા. નીતીશકુમારે ૧૮૪૦ દિવસ સુધી ભાજપ સાથે સરકાર ચલાવી હતી અને ૯ ઑગસ્ટ ૨૦૨૨ના રોજ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપીને પાછી આરજેડી-કૉંગ્રેસ ગઠબંધન સાથે મહાગઠબંધન સરકાર બનાવી દીધી. હવે ૫૩૭ દિવસ પછી આરજેડી-કૉંગ્રેસને છોડીને એ પાછા ભાજપની પંગતમાં
બેઠા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button