ભાજપ વિધાન પરિષદમાં જીત્યો, વિધાનસભામાં કેમ હાર્યો?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં ત્યારે ભાજપને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ૩૭૦ બેઠકો જીતીને બે તૃતિયાંશ બહુમતી મેળવવાની વાતો કરતા ભાજપને માત્ર ૨૪૦ બેઠકો મળતાં ભાજપ સ્પષ્ટ બહુમતી પણ નહોતો મેળવી શક્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નામે ગેરંટી આપીને લોકો પાસે મત માગતા હતા પણ લોકોએ મોદીની ગેરંટી પર ભરોસો ના કર્યો તેમાં ભાજપે જેડીયુ અને ટીડીપી જેવા પક્ષોની કાંખઘોડી પર સરકાર બનાવવાના દાડા આવી ગયા છે.
લોકસભાની ચૂંટણીનાં પરિણામોના બરાબર એક મહિના ને નવ દિવસ પછી ભાજપને લોકોએ ફરી બીજો નાનો આંચકો આપી દીધો. મોટો ભૂકંપ આવે પછી થોડા થોડા સમયે આફ્ટરશોક્સ આવ્યા કરે એમ લોકસભાની ચૂંટણી પછી ભાજપને વિધાનસભાની પેટાચૂંટણીઓમાં આફ્ટરશોકનો અનુભવ થઈ ગયો. ૭ રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર ૧૦ જુલાઈએ મતદાન થયેલું અને ૧૩ જુલાઈ ને શનિવારે પેટાચૂંટણીના પરિણામો આવ્યાં તેમાં ભાજપને સમ ખાવા પૂરતી બે સીટ મળી છે અને આ બંને બેઠકો ભાજપ સાવ નજીવી સરસાઈથી જીત્યો છે.
બિહારની રૂપૌલી, પશ્ર્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, માણિકતલા અને બગદા એમ ચાર, તમિલનાડુની વિક્રવંડી, મધ્ય પ્રદેશની અમરાવડા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મંગ્લોર, પંજાબની જલંધર પશ્ર્ચિમ જ્યારે હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢ એ ત્રણ બેઠકો મળીને કુલ ૧૩ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનું ભયંકર ધોવાણ થયું છે. ભાજપ માત્ર હિમાચલ પ્રદેશની હમીરપુર અને મધ્ય પ્રદેશની અમરવાડા એમ બે બેઠક જીતવામાં સફળ થયો છે. બાકીની તમામ બેઠકો ભાજપ ખરાબ રીતે હારી ગયો છે અને કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના એનડીએ મોરચાનો જયજયકાર થઈ ગયો છે.
ભાજપે મધ્ય પ્રદેશની અમરવાડા બેઠક માત્ર ૩૨૫૨ મતે જીતી છે જ્યારે હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પર તો ભાજપની સરસાઈ માત્ર ૧૫૭૧ મત છે. આ બંને બેઠકો પાછી પક્ષપલટુઓએ જીતી છે. મધ્ય પ્રદેશની અમરવાડા બેઠક પર ૨૦૨૨માં કૉંગ્રેસના કમલેશ શાહ જીતેલા કે જેમને રાજીનામું અપાવીને ભાજપે ફરી લડાવ્યા ને એ જીતી ગયા છે. હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પર પણ ૨૦૨૨માં અપક્ષ તરીકે જીતેલા આશિષ શર્મા આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા છે. આ બે પક્ષપલટુ તો ગમે તેમ કરીને જીતી ગયા પણ હિમાચલ પ્રદેશમાં બે, પંજાબમાં એક, ઉત્તરાખંડમાં એક અને બંગાળમાં એક પક્ષપલટુ હારી ગયા છે.
ભાજપના શરમજનક દેખાવ સામે કૉંગ્રેસની આગેવાની હેઠળના એનડીએ મોરચાએ જબરદસ્ત દેખાવ કરીને ૧૦ બેઠકો જીત્યા છે. બિહારની રૂપૌલી બેઠક પર ગેંગસ્ટર શંકરસિંહ જીત્યા છે તેથી ભાજપ ને કૉંગ્રેસ બંને હાર્યાં છે પણ બાકીની બેઠકો પર ઈન્ડિયા મોરચાનો દબદબો છે. ભાજપ વિરોધી પક્ષોમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ ૪, કૉંગ્રેસ ૪, ડીએમકે ૧ અને આમ આદમી પાર્ટી ૧ બેઠકો સાથે ૧૦ બેઠકો જીતીને ભાજપ પર ભારે પડી ગઈ છે.
ઉત્તરાખંડમાં ભાજપની હિંદુઓના પવિત્ર યાત્રાધામ અને ચાર ધામ પૈકીના એક બદ્રીનાથ બેઠક પર કારમી હાર થઈ એ લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા બેઠક પર થયેલી હાર જેવી જ છે. બદ્રીનાથમાં કૉંગ્રેસના લખપતસિંહ બુટોલા ભાજપના રાજેન્દ્રસિંહ ભંડારી સામે ૫ હજારથી વધારે મતે હારી ગયા છે. ૨૦૨૨ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ ભંડારી કૉંગ્રેસની ટિકિટ પર જીતેલા પણ ભાજપ તેમને તોડીને લઈ ગયેલો ને પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવી દીધા. બદ્રીનાથના મતદારોએ ભંડારી અને ભાજપ બંનેને પાઠ ભણાવીને હરાવીને ઘરભેગા કરી દીધા છે.
ભાજપે મંગ્લોરમાં બસપા સાથે સાંઠગાંઠ કરીને ઉબૈદુર રહેમાન ઉર્ફે મોન્ટીને મેદાનમાં ઉતારેલા કે જેથી કોંગ્રેસના કાઝી મોહમ્મદ નિઝામુદ્દીનને મળનારા મુસ્લિમ મતો વહેંચાઈ જાય. રહેમાન લગભગ ૧૯ હજાર મત લઈ ગયા છતાં ભાજપ નિઝામુદ્દીનને હરાવી નથી શક્યો. ભાજપે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુનાં પત્ની કમલેશ ઠાકુરને હરાવવા પૂરી તાકાત લગાવી દીધી હતી પણ કમલેશ ઠાકુર જીતી ગયાં છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ બંનેમાં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ સાવ ધોવાઈ ગઈ હતી તેથી ભાજપ બધી બેઠકો જીતશે એવું લાગતું હતું પણ ભાજપને ફાળે નિરાશા જ આવી છે.
મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસે ચારેય બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો છે. બંગાળની માણિકતલા, રાયગંજ, રાણાઘાટ દક્ષિણ અને બગદાહ બેઠકો પૈકી ત્રણ એવી બેઠકો છે જેના ભાજપના ધારાસભ્યો તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા જ્યારે ચોથી માણિકતલા બેઠકના તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય સાધન પાંડેનું અવસાન થતાં આ બેઠક ખાલી થઈ હતી. મમતાએ ચારેય બેઠકો કબજે કરીને સપાટો બોલાવી દીધો છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીનાં વળતાં પાણી થઈ રહ્યાં હોવાની વાતો હતી કેમ કે ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શીતલ અંગુરાલને તોડીને લઈ ગયો હતો. ભાજપ માટે વખાણેલી ખિચડી દાઢે વળગે એવો ઘાટ થયો છે કેમ કે અંગુરાલ ૩૭ હજારથી વધારે મતે હારી ગયા છે. તમિલનાડુમાં સ્ટાલિનની ડીએમકેના ઉમેદવાર અન્નિનુર સિવા ૬૨ હજાર કરતાં વધારે મતે જીત્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, તમિલનાડુમાં ભાજપ કે તેના સાથી પક્ષોના ચણાય આવતા નથી.
યોગાનુયોગ શુક્રવારે જ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૧ બેઠકોમાંથી ૯ બેઠકો ભાજપના નેતૃત્વ હેઠળનો મોરચો જીત્યો તેમાં ભાજપના નેતા મહારાષ્ટ્રમાં પોતાની જીતના દાવા કરતા હતા. વિધાન પરિષદની ચૂંટણીમાં ધારાસભ્યોએ મતદાન કરવાનું હોય છે તેથી ભાજપ તેમને ખરીદી લે છે પણ વિધાનસભાની ચૂંટણીમાં મતદારો એટલે કે પ્રજા મતદાન કરે છે. આ પરિણામો એ વાતનો પુરાવો છે કે, પ્રજાના મનમાંથી ભાજપ ધીરે ધીરે ઉતરી રહ્યો છે.
ભાજપ માટે આ પરિણામો ચોંકાવનારાં છે અને તેણે આ પરિણામો પછી ખરેખર મનોમંથન કરવાની જરૂર છે. ભાજપે લોકોનો ભરોસો પોતે કેમ ગુમાવી દીધો એ વિશે વિચારવાની જરૂર છે. તમિલનાડુ કે બંગાળમાં તો ભાજપ આમેય જીતતો નથી પણ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવાં રાજ્યોમાં પણ ભાજપના ભાવ કેમ ગગડી રહ્યા છે અને સાવ પતી ગયેલી મનાતી કૉંગ્રેસ પર લોકો પાછો કેમ ભરોસો કરી રહ્યાં છે તેનું વિશ્ર્લેષણ ભાજપે કરવું જોઈએ.