એકસ્ટ્રા અફેર

સુરતમાં ભાજપ બિનહરીફ, ચૂંટણી વિના લોકશાહી કહેવાય?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતના ઈતિહાસમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૪ને સોમવારનો દિવસ કલંકિત દિવસ તરીકે નોંધાઈ ગયો કેમ કે ગુજરાતની સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. કૉંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું પછી સુરત લોકસભા બેઠક પર બસપાના ઉમેદવાર પ્યારેલાલ સહિત આઠ ઉમેદવારો મેદાનમાં હતા.

આ પૈકી સવારે જ સાત ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચી લીધેલાં પણ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ હતા તેથી પ્યારેલાલ લોકશાહીની આબરૂ બચાવશે એવું લાગતું હતું. જો કે પ્યારેલાલ પણ પાણીમાં બેઠા ને છેલ્લી ઘડીએ કલેક્ટર કચેરીએ પ્રગટ થઈને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણીપંચે ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરી દીધા છે.

લોકશાહીનો આત્મા જ ચૂંટણી છે ત્યારે સુરત લોકસભા બેઠક પર તેનો જ છેદ ઊડી ગયો. કોઈ લશ્કરી સરમુખત્યારશાહી દેશમાં ચૂંટણી વિના જ સાંસદ ચૂંટાઈ જાય એ રીતે સુરત બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. બાંગલાદેશ કે રશિયા જેવા દેશોમાં સત્તામાં બેઠેલા શાસકની પાર્ટીના નેતા કોઈ વિરોધ વિના સંસદમાં પહોંચી જાય એવું થઈ ગયું.

આ કલંકકથા લખવામાં કૉંગ્રેસ ને ભાજપ બંનેનું સરખું યોગદાન છે. કૉંગ્રેસ એ રીતે દોષિત છે કે, કૉંગ્રેસે એક એવા ઉમેદવારને પસંદ કર્યો કે જેણે ઉમેદવારી નોંધાવતાં પહેલાં જ ભાજપ સાથે ફિક્સિંગ કરી દીધેલું. ભાજપે એ રીતે દોષિત છે કે, પોતે સરળતાથી જીતી શકે એવી બેઠક પર ચૂંટણી લડીને જીતીને લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવાના બદલે બિનહરીફ જીતનો અહમ સંતોષ્યો.

કૉંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું પછી બીજા આઠ ઉમેદવાર મેદાનમાં હતા. તેમને ઊભા રહેવા દઈને દેખાવ ખાતર ભાજપ ચૂંટણી લડ્યો હોત તો લોકશાહીનું ગૌરવ જળવાયું હોત. લોકશાહીના સૌથી મોટા પર્વ એવા ચૂંટણીની ગરિમા જળવાઈ હોત પણ ભાજપે એ ગરિમા જાળવવાના બદલે તુચ્છ અહમ્ સંતોષ્યો. ભાજપના નેતા મતાધિકારને સૌથી મોટો અધિકાર ગણાવે છે પણ સુરત લોકસભા મતવિસ્તારના ૨૦ લાખથી વધારે મતદારોનો આ અધિકાર જ છિનવી લીધો.

મીડિયા સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા તેની વધામણીઓ ખાઈ રહ્યું છે. ગુજરાતમાં ભાજપની જીતનો ધમાકેદાર આરંભ થયો છે, સુરત લોકસભા બેઠક બિનહરીફ કરાવીને ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે એવી વાતો કરી રહ્યો છે પણ આ જીત ઐતિહાસિક નથી. બલ્કે એક ખતરનાક ભાવિનાં એંધાણ છે. અત્યારે તો આ રીતે એક જ બેઠક બિનહરીફ કરાવાઈ છે પણ ભવિષ્યમાં કોઈ પક્ષ પૈસા કે મસલ પાવર કે બીજા કોઈ જોરે આ રીતે સો-દોઢસો બેઠકો પર બિનહરીફ ઉમેદવારોને જીતાડી દે તો શું થાય એ વિચારવાની જરૂર છે.

સુરતના ભવાડાએ કૉંગ્રેસની આબરુનું તો ધોવાણ કર્યું જ છે પણ કૉંગ્રેસની રહીસહી વિશ્ર્વસનિયતા પણ ખતમ થઈ ગઈ છે. આ ભવાડા પછી એક જ સવાલ થાય કે, ગુજરાતની પ્રજા હવે શું કરવા કૉંગ્રેસનો ભરોસો કરે? અત્યાર સુધી ગુજરાતની પ્રજા જે કૉંગ્રેસીઓને વિધાનસભા કે લોકસભામાં ચૂંટીને મોકલતી હતી એ બધા ચૂંટાયા પછી પ્રજાનો દ્રોહ કરીને કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જતા હતા.

કૉંગ્રેસીઓના ભાજપમાં જોડાઈ જવા પાછળ ક્યા પરિબળો કામ કરતાં હતાં એ કહેવાની જરૂર નથી. કૉંગ્રેસ છોડીને ભાજપ બનેલા નેતાઓને તાત્કાલિક પ્રધાનપદ મળે છે ને બીજા લાભ પણ મળે છે એ જોતાં આ લાલા લાભ વિના લોટતા નહોતા એ સ્પષ્ટ છે. નાણાંની લેવડદેવડ, સત્તામાં ભાગીદારી, જૂના કેસોમાંથી છૂટકારો સહિતનાં કારણોસર કૉંગ્રેસીઓ ભાજપમાં જતા રહેતા હતા.

હવે કૉંગ્રેસીઓ ચૂંટાવાની પણ રાહ જોતા નથી એ કુંભાણીના કેસે સાબિત કર્યું છે. કુંભાણીએ ભાજપ સાથે પાંચ કરોડ રૂપિયામાં સોદો કર્યો હોવાના આક્ષેપો કૉંગ્રેસના જ નેતા કરી રહ્યા છે. કુંભાણી અને તેમની આખી ટોળકી જે રીતે વર્તી છે એ જોતાં હવે કૉંગ્રેસીઓ ચૂંટાયા પહેલાં જ ભાજપ સાથે સોદાબાજી કરીને પોતે બિકાઉ છે એ તો સાબિત કરી જ રહ્યા છે પણ સાથે સાથે લોકશાહીના સિધ્ધાંતોના પણ ધજાગરા ઉડાડી રહ્યા છે. લોકશાહીને ટકાવી રાખનારું સૌથી મોટું પરિબળ ચૂંટણી છે પણ સુરતના ભવાડાએ ચૂંટણીને જ ફારસ બનાવી દીધી. ચૂંટણી વિના લોકસભાનો સભ્ય ચૂંટાય તો એ લોકશાહી કેવી?

કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ ભવાડા પછી સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાનો હુંકાર કર્યો છે. શક્તિસિંહે આ ફુંફાડા મારવાના બદલે સૌથી પહેલાં તો ગુજરાતની પ્રજાની માફી માગવી જોઈએ કે, અમે કોઈ નૈતિકતા વિનાનો ઉમેદવાર પસંદ કર્યો.

કૉંગ્રેસે નિલેશ કુંભાણીને કોર્ટમાં પણ ઢસડી જવા જોઈએ કેમ કે કુંભાણીએ માત્ર પ્રજા સાથે વિશ્ર્વાસઘાત કર્યો નથી પણ ફોર્જરી અને ઠગાઈનો ગંભીર ક્રિમિનલ અપરાધ પણ કર્યો છે. કુંભાણીએ ફોર્મ ભર્યું તેમાં તેમના નામની દરખાસ્ત કરનારા ટેકેદારો તરીકે જગદીશ સાવલિયા (કુંભાણીના બનેવી), ધ્રુવીન ધામેલીયા( કુંભાણીના ભાગીદાર) અને રમેશ પોલરા (કુંભાણીના ભાગીદાર) હતા. કુંભાણીના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાના ટેકેદાર તરીકે પણ કુંભાણીનો ભાણિયો હતો.

કુંભાણીએ પોતાના બનેવી, ભાણેજ અને ધંધાકીય પાર્ટનર્સની મદદથી આખો ખેલ ગોઠવીને કૉંગ્રેસનો ખેલ બગાડી દીધો પણ દેખાવ એવો કર્યો કે, તેના નામની દરખાસ્ત કરનારા ફરી ગયા છે. કુંભાણીનું ફોર્મ રદ થયું કેમ કે કુંભાણીના બનેવી, ભાણેજ અને ભાગીદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને પોતાની સહી ખોટી હોવાનું સોગંદનામું કર્યું છે. છેલ્લી ઘડીએ એ લોકોએ એફિટેવિટ દ્વારા કહી દીધું કે, કુંભાણીના ફોર્મમાં સહી અમારી નથી. તેનો મતલબ શું? એ જ કે, કુંભાણીએ તેના બનેવી, ભાણેજ અને પાર્ટનર્સની ખોટી સહી કરી છે. કુંભાણીના ફોર્મમાં તેના બનેવી કે બીજાં લોકોની ખોટી સહીઓ બીજું કોણ કરવાનું?

આ સિમ્પલ ફોર્જરીનો ગુનો છે.

કુંભાણીને કૉંગ્રેસે લોકસભાના ઉમેદવાર બનાવેલા ને તેના માટે મેન્ડેટ આપેલો પણ તેનો કુંભાણીએ દુરુપયોગ કરીને કોગ્રેસને છેતરી. કૉંગ્રેસે તેના માટે કુંભાણી સામે છેતરપિંડીનો કેસ પણ કરવો જોઈએ.

શક્તિસિંહ ઈલેક્શન પીટિશનની વાતો કરે છે પણ આ મામલો ક્રિમિનલ કોન્સ્પિરસીનો છે.

કૉંગ્રેસમાં કુંભાણી સામે એવો કેસ કરવાની હિંમત છે ખરી?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી