એકસ્ટ્રા અફેર

ભાજપ સરકાર વક્ફ એક્ટમાં સુધારા માટે ગંભીર છે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

સંસદનું બજેટ સત્ર નજીક આવ્યું એ સાથે જ વક્ફ એક્ટનો મુદ્દો પાછો ગાજ્યો છે અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વક્ફ એક્ટમાં સુધારો કરવાનો તખ્તો તૈયાર કરવા કમર કસી છે. કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્રમાં વક્ફ એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ રજૂ કરેલું, પણ રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી નહીં હોવાથી આ બિલ સંસદની સંયુક્ત સમિતિ (ઉંઙઈ)ને સોંપવું પડેલું.

જેપીસીએ વકફ એક્ટમાં ક્યા ક્યા સુધારા કરવા તે અંગે શ્રેણીબંધ બેઠકો કરીને અંતે સોમવારે વક્ફ એક્ટમાં જરૂરી ફેરફારો સાથેના નવા બિલને મંજૂરી આપી દીધી, પણ તેના કારણે બિલ સંસદમાં પસાર થઈ જશે તેની ગેરંટી નથી. તેનું કારણ એ કે, વકફ એક્ટમાં સુધારા અંગે વિપક્ષના સાંસદોએ જે સૂચનો કરેલાં તેને સ્વીકારાયાં નથી જ્યારે ભાજપ સહિતના એનડીએના સાંસદોનાં સૂચનો સ્વીકારી લેવાયાં છે. આ સંજોગોમાં વિપક્ષો સંસદમાં બિલ રજૂ કરાય ત્યારે આડા ફાટી શકે છે.

જેપીસીના ચૅરમૅન તરીકે ભાજપના જગદંબિકા પાલ હતા. જગદંબિકા પાલે પોતે જ કહ્યું છે કે, સોમવારે મળેલી અંતિમ બેઠકમાં તમામ 44 સુધારા પર ચર્ચા કરવામાં આવી હતી અને તેમાંથી એનડીએ સાંસદોનાં 14 સૂચનોને મંજૂરી આપવામાં આવી છે. વિપક્ષી સભ્યોએ કેટલીક દરખાસ્તો પણ રજૂ કરી હતી, પણ મતદાન દરમિયાન તેને ફગાવી દેવામાં આવી હતી.
વિપક્ષી સાંસદોએ સરકાર બિલ રજૂ કરે ત્યારે આડા ફાટવાનો સંકેત અત્યારથી આપી જ દીધો છે. વિપક્ષી સાંસદોએ બેઠકની કાર્યવાહીની નિંદા કરીને જગદંબિકા પાલ લોકશાહીની ઐસીતૈસી કરીને વર્ત્યા હોવાનો આક્ષેપ કર્યો જ છે. મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે, છેલ્લા રાઉન્ડની બેઠક હાસ્યાસ્પદ હતી કેમ કે અમારાં મંતવ્યો સાંભળવામાં આવ્યાં ન હતાં. પાલે સરમુખત્યારશાહી રીતે કામ કર્યું છે. જગદંબિકા પાલનો દાવો છે કે, આખી પ્રક્રિયા લોકશાહી ઢબે કરાઈ હતી અને બહુમતીના અભિપ્રાયને પ્રાથમિકતા આપવામાં આવી હતી, પણ વિપક્ષો એ વાત સ્વીકારવા તૈયાર નથી.

વિપક્ષો ખોટા પણ નથી કેમ કે જેપીસીની રચના વક્ફ એક્ટમાં સુધારા માટે સર્વસંમતિ ઊભી કરવા કરાઈ હતી જ્યારે પાલ બહુમતીના અભિપ્રાયની વાત કરી રહ્યા છે. જેપીસીએ બહુમતીના અભિપ્રાય પ્રમાણે જ વર્તવું હતું તો પછી જેપીસીની જરૂર જ નહોતી. સુધારાનો ખરડો સીધો સંસદમાં જ રજૂ કરી દેવો જોઈતો હતો. તેના બદલે જેપીસીની રચના કરીને ખોટો સમય બગાડ્યો.

જોકે મૂળ મુદ્દો વક્ફ એક્ટમાં સુધારો કરાશે કે નહીં તેનો છે. વક્ફ એક્ટમાં સુધારો જરૂરી છે કેમ કે વક્ફ એક્ટ આ દેશના બંધારણની વિરુદ્ધ છે અને બંધારણીય જોગવાઈઓને હાસ્યાસ્પદ બનાવી દે છે. ભારતના બંધારણમાં ન્યાયતંત્રનું એક માળખું નક્કી કરાયેલું છે અને દરેક નાગરિકને ન્યાય મેળવવાનો અધિકાર અપાયો છે, પણ વકફ એક્ટ આ અધિકાર છીનવી લે છે.
વક્ફ બોર્ડો મનમાની કરે છે. ગમે તેની સંપત્તિ પર દાવો કરીને વક્ફ સંપત્તિ હોવાનું જાહેર કરી દેવાય છે અને તેની સામે અદાલતમાં જઈ શકાતું નથી. વક્ફ બોર્ડ કોઈ સંપત્તિ પર દાવો કરે તો તેની સામે ટ્રિબ્યુનલમાં જ જવું પડે છે, બીજી કોઈ અદાલતમાં કે હાઈકોર્ટમાં પણ જઈ શકાતું નથી. આ દેશમાં બંધારણીય જોગવાઈઓ કે બીજા કોઈ પણ પ્રકારના કેસ માટે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સર્વોપરિ મનાય છે, પણ વક્ફને લગતા કેસમાં હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ પણ કંઈ ના કરી શકે તેનાથી મોટું ન્યાયતંત્રનું બીજું ક્યું અપમાન કહેવાય? આ પ્રકારનું વાહિયાતપણું આ દેશમાં જ ચાલી શકે ને એ દૂર કરવા માટે પણ વક્ફ એક્ટમાં સુધારો જરૂરી છે. આ દેશમાં ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સર્વોપરિ છે ને સુપ્રીમ કોર્ટ જ સર્વોપરિ રહેવી જોઈએ. વક્ફ ટ્રિબ્યુનલ તેનાથી પણ મોટી હોય એ રીતે વર્તે એ ના ચાલે.

બીજા પણ ઘણા મુદ્દા છે, પણ મુખ્ય મુદ્દો સુપ્રીમ કોર્ટની સર્વોપરિતાનો છે ને તેના માટે વક્ફ એક્ટમાં સુધારો કરવો જોઈએ, પણ સવાલ એ છે કે, ભાજપ સરકાર પોતે આ સુધારો કરવા ઇચ્છે છે કે પછી તેને વક્ફ એક્ટમાં સુધારાના નામે માત્ર ને માત્ર રાજકીય ફાયદામાં રસ છે? ભાજપ સરકાર જે રીતે વર્તી રહી છે એ જોતાં તો લાગે છે કે, તેમને વક્ફ એક્ટમાં સુધારામાં નહીં પણ રાજકીય ફાયદામાં જ રસ છે.

સૌથી પહેલાં તો ભાજપ પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી હતી ત્યારે વક્ફ એક્ટમાં સુધારા માટે બિલ રજૂ ના કરાયું એ જ ખટકે છે. હવે ભાજપ પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી નથી ને રાજ્યસભામાં પણ સ્પષ્ટ બહુમતી નથી. આ સંજોગોમાં બિલ પાસ થવાના ચાન્સ ઓછા છે ત્યારે બિલ રજૂ કરાયું છે તેથી જ ભાજપ સરકારના ઈરાદા અંગે શંકા પેદા થાય છે.

બીજું એ કે, મોદી સરકાર આ બિલ પર ચર્ચા માટે તૈયાર નથી થઈ. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ 8 ઑગસ્ટે લોકસભામાં વક્ફ બિલ 2024 રજૂ કર્યું હતું. કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ આ બિલને મુસ્લિમ વિરોધી ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. વિપક્ષના ભારે વિરોધના કારણે આ બિલને લોકસભામાં કોઈ પણ ચર્ચા વિના જેપીસીને મોકલી દેવામાં આવ્યું હતું. ભાજપ સરકારે કમ સે કમ ચર્ચા તો કરવી જોઈતી હતી કે જેથી લોકોને તેનું સ્ટેન્ડ ખબર પડે પણ ભાજપે એવું ના કર્યું.

વક્ફ બિલ સુધારા પર 31 સભ્યોની જેપીસી બનાવાઈ પછી તેની પ્રથમ બેઠક 22 ઑગસ્ટના રોજ યોજાઈ હતી. એ પછી કુલ 34 મિટિંગો થઈ છે ને આ મીટિંગોમાં રાજકારણ વધારે રમાયું છે. વિપક્ષો તો આ બિલને મુસ્લિમ વિરોધી ગણાવી જ રહ્યા છે, પણ ભાજપ કદી એવું કહેવા આગળ નથી આવ્યો કે, વક્ફ બોર્ડોની મનમાનીના કારણે મુસ્લિમો વધારે પરેશાન છે કેમ કે ટ્રિબ્યુલનમાં ચાલતા 60 ટકાથી વધારે કેસોમા બોર્ડો સામે મુસ્લિમો છે.

જમ્મુ-કાશ્મીરના હુર્રિયત નેતા મીરવાઈઝ ઉમર ફારુકે આક્ષેપ કરેલો કે, વક્ફ એક્ટમાં સુધારો કરીને કલેક્ટરને મનસ્વી સત્તા આપવાનો ઉદ્દેશ છે. કલેક્ટરને આદેશ આપીને અને મહેસૂલ રેકોર્ડમાં એન્ટ્રી બદલીને વક્ફ મિલકતોને સરકારી મિલકત તરીકે દર્શાવવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે તેથી આ સુધારા સંપૂર્ણપણે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ છે. ભાજપ આ બધા પ્રચારો સામે પણ ચૂપ છે. અદાણી સામે આક્ષેપો થાય તો પ્રેસ કોન્ફરન્સ કરનારા ભાજપના નેતા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ નથી કરતા.

ખેર, સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે. આશા રાખીએ કે ભાજપ સરકાર વક્ફ એક્ટમાં સુધારા માટે પ્રયત્ન કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button