દિલ્હીમાં ભાજપ માટે વૈકુંઠ નાનું ને ભગતડાં ઝાઝાં

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી એ વાતને 10 દિવસ થઈ ગયા છતાં ભાજપ હજુ મુખ્ય પ્રધાનનું નામ નક્કી નથી કરી શક્યો. ભાજપે દિલ્હીના નવા મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરવા માટે સોમવારે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી, પણ સોમવારે સવારે જાહેરાત કરાઈ કે, આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. ભાજપે કરેલી જાહેરાત પ્રમાણે, હવે ધારાસભ્ય પક્ષની બેઠક 19 ફેબ્રુઆરીએ યોજાશે અને નવા મુખ્ય પ્રધાનની શપથવિધિ 20 ફેબ્રુઆરીએ થઈ શકે છે. 20 ફેબ્રુઆરીએ જ શપથવિધિ થશે એ નક્કી નથી, પણ 20મીએ શપથવિધિ થઈ શકે છે. આ વાત એટલા માટે કરી કે, ભાજપના નેતા પહેલાં એમ કહેતા હતા કે, નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાની યાત્રાએથી પાછા ફરે એટલે તરત મુખ્ય પ્રધાનના નામની પસંદગી કરી દેવાશે. મોદી અમેરિકાથી પાછા ફર્યા એ વાતને પણ પાંચ દિવસ થઈ ગયા છતાં ભાજપ હજુ અટવાયા કરે છે.
ભાજપ ક્યારે મુખ્ય પ્રધાન નક્કી કરશે એ ખબર નથી, પણ જે રીતે વિલંબ થઈ રહ્યો છે તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપમાં હવે પહેલાં જેવી સ્થિતિ નથી અને ફટાફટ નિર્ણયો નથી લેવાતા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ધડાધડ નિર્ણયો લઈ લેવાતા હતા અને કોઈને પૂછ્યા વિના જ બારોબાર મુખ્ય પ્રધાનનાં નામ જાહેર કરી દેવાતાં હતાં. જેમનાં કોઈએ નામ પણ નહોતાં સાંભળ્યાં એવા મનોહરલાલ ખટ્ટર આ રીતે જ હરિયણાના મુખ્ય પ્રધાન બની ગયેલા ને ગોવામાં પ્રમોદ સાવંતને પણ આ રીતે જ લોટરી લાગી ગઈ હતી.
છેલ્લાં કેટલાંક વરસોમાં સ્થિતિ બદલાઈ છે અને ભાજપ મુખ્ય પ્રધાનોનાં નામ નક્કી કરવા માટે મહિનો પણ કાઢી નાખે છે. 2023ના અંતમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનની પસંદગી કરવાની હતી ત્યારે એવું જ થયેલું. આ વરસે મહારાષ્ટ્રમાં પણ એ જ સ્થિતિ સર્જાયેલી ને માંડ માંડ દેવેન્દ્ર ફડણવીસના નામ પર સર્વસંમતિ થઈ શકી હતી. દિલ્હીના મામલે પણ અત્યારે એ સ્થિતિ જ છે ને તેનો અર્થ સ્પષ્ટ છે કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભાજપ પરની પકડ ઢીલી પડી છે.
પહેલાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોઈનું પણ સાંભળ્યા વિના ગમે તેના નામ પર આંગળી મૂકી દેતા, પણ હવે એવું કરી શકાય તેમ નથી. તેનું કારણ ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું દબાણ છે કે પછી પક્ષમાં જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે અવાજ ઊઠવા માંડ્યા છે તેની તેમને જ ખબર, પણ હવે એકતરફી નિર્ણયો નથી લઈ શકાતા એ સ્પષ્ટ છે. લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મળી તેથી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આત્મવિશ્વાસ ડગી ગયો હોય ને બંને ફૂંકી ફૂંકીને આગળ વધતાં હોય એવું પણ બને. બાકી દિલ્હીમાં તો સ્થિતિ બિલકુલ ભાજપની તરફેણમાં જ છે. ભાજપ 70માંથી 48 બેઠકો જીતીને 26 વર્ષ પછી સત્તામાં પરત ફર્યો છે અને બે તૃતીયાંશ કરતાં વધારે બેઠકો જીત્યો છે. ભાજપે 70 ટકા બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી હાંસલ કરી છે. આ સંજોગોમાં ભાજપ માટે કોઈને નહીં સાચવીશું તો નારાજ થઈ જશે એ પ્રકારનો ખતરો પણ નથી. એ છતાં ભાજપ ઝડપથી નિર્ણય નથી લઈ શકતો એ આશ્ચર્યજક કહેવાય.
દિલ્હીમાં ભાજપને એક સમસ્યા એ પણ નડી રહી છે કે, વૈકુંઠ નાનું છે ને ભગતડાં ઝાઝાં છે. દિલ્હી કૅબિનેટમાં મુખ્ય પ્રધાન સહિત વધુમાં વધુ 7 પ્રધાનોને સમાવી શકાય તેમ છે ત્યારે ભાજપમાં તો મુખ્ય પ્રધાનપદના દાવેદાર જ સાતથી વધારે તો છે. સુષ્મા સ્વરાજનાં પુત્રી બાંસુરી પહેલી વાર સાંસદ બન્યાં છે ને એ પણ મેદાનમાં છે તો જૂના જોગી મનોજ તિવારી પણ મેદાનમાં છે. આ બંનેનાં પત્તાં કાપવા માટે ભાજપપ્રમુખ જેપી નડ્ડાએ પહેલાંથી જ સ્પષ્ટતા કરી દેવી પડી કે, દિલ્હીના નવા મુખ્ય પ્રધાન ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ કોઈ બનશે. નડ્ડાની સ્પષ્ટતા પછી પણ હાલત તો એ જ છે. મતલબ કે, વૈકુંઠ નાનું છે ને ભગતડાં ઝાઝાં છે.
ભાજપમાં અત્યારે બે પ્રબળ દાવેદારો પ્રવેશ વર્મા અને વિજેન્દર ગુપ્તા છે. પ્રવેશ વર્મા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાહિબ સિંહ વર્માના પુત્ર છે. જાટ સમુદાયના પ્રવેશ વર્માએ નવી દિલ્હી બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને 4099 મતોથી હરાવ્યા હતા. પ્રવેશ વર્મા બે વાર પશ્ચિમ દિલ્હીથી સાંસદ પણ રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રવેશ વર્માએ દિલ્હીના ઇતિહાસમાં સૌથી મોટી એવી 5.78 લાખ મતોના માર્જિનથી જીત મેળવી હતી. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા પ્રવેશ વર્માને દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડાવવા માટે 2024ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ નહોતી આપવામાં આવી એ જોતાં વર્મા પ્રબળ દાવેદાર છે. ગ્રામીણ દિલ્હી પર કબજો જાળવવામાં પ્રવેશ ચાવીરૂપ છે તેથી તેમની પ્રબળ શક્યતા છે.
બીજા પ્રબળ દાવેદાર વિજેન્દ્ર ગુપ્તા છે. વિદ્યાર્થી નેતા તરીકે પોતાની રાજકીય પોતાની કારકિર્દી શરૂ કરનાર વિજેન્દ્ર ગુપ્તા ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. દિલ્હી યુનિવર્સિટીના ઉપપ્રમુખ રહેલા વિજેન્દ્ર મ્યુનિસિપલ કાઉન્સિલરથી માંડીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુધીના હોદ્દા ભોગવ્યા છે. ત્રણ વખત રોહિણી વોર્ડના કાઉન્સિલર રહી ચૂકેલા ગુપ્તા 2015માં ભાજપ માત્ર ત્રણ બેઠકો જીતી શક્યું ત્યારે પણ રોહિણી બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા.
2020માં ભાજપ માત્ર 8 બેઠકો જીતી શક્યું ત્યારે પણ વિજેન્દ્ર જીત્યા હતા. વિજેન્દ્ર દિલ્હી ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને ભાજપને દિલ્હીમાં મજબૂત બનાવવામં તેમનું મોટું યોગદાન છે. વેપારીઓ પર પકડ ધરાવતા ગુપ્તાની ભાજપ સંગઠનની સાથે સંઘમાં પણ મજબૂત પકડ છે. આ કારણે વિજેન્દ્ર મુખ્ય પ્રધાનપદની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે.
આ સિવાય બીજાં પણ નામો ચર્ચામાં છે. મહિલા નેતા શિખા રાયનું નામ પણ ચર્ચામાં છે. શિખા રાય ગ્રેટર કૈલાશ-1 વોર્ડમાંથી બીજી વખત મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યાં છે. આ ચૂંટણીમાં આપના દિગ્ગજ નેતા અને કૅબિનેટ પ્રધાન સૌરભ ભારદ્વાજને લગભગ 3 હજાર મતોથી હરાવનારાં શિખા વ્યવસાયે વકીલ છે. હાલમાં, ભાજપ કે એનડીએ શાસિત કોઈ પણ રાજ્યમાં કોઈ મહિલા મુખ્ય પ્રધાન નથી તેથી ભાજપ શિખા રાયને તક આપી શકે છે. દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ રાજકુમાર ભાટિયા પણ રેસમાં છે. સંઘ અને સંગઠનમાં પ્રભાવ ધરાવતા રાજકુમાર ઝૂંપડપટ્ટી અભિયાનમાં ખૂબ સક્રિય હતા ને તેનો ભાજપને ફાયદો મળ્યો છે. પંજાબી દલિત સમુદાયમાંથી આવતા રવિન્દ્ર ઈન્દ્રરાજ સિંહ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. હાલમાં દેશમાં એક પણ દલિત મુખ્ય પ્રધાન નથી. ભાજપે મધ્યપ્રદેશમાં એક ઓબીસીને, છત્તીસગઢ અને ઓડિશામાં એક આદિવાસી અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બ્રાહ્મણને મુખ્ય પ્રધાન બનાવ્યા છે તેથી હવે દલિત નેતાને મુખ્ય પ્રધાન બનાવી શકે છે. ભાજપ પાસે વિકલ્પો ઘણા છે ને કોના પર કળશ ઢોળાય છે એ જોવાનું છે.