ભાજપ માટે ઝારખંડમાં જીત શક્ય, મહારાષ્ટ્રમાં કપરા ચઢાણ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અંતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી. હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવશે એવું મનાતું હતું પણ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીની તારીખોની જાહેરાત ટાળી હતી. હવે બંને રાજ્યોમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી થતાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. બલ્કે પંચે જાહેરાત કરવી પડી છે કેમ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ ૨૬ નવેમ્બરે અને ઝારખંડનો કાર્યકાળ ૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પૂરો થાય છે.
આ સંજોગોમાં ઝારખંડમાં ચૂંટણી પંચ પાસે બે મહિના જેટલો સમય છે પણ મહારાષ્ટ્રમાં રાહ જોઈ શકાય તેમ નથી એટલે ચૂંટણી પંચે મંગળવારે બપોરે ૩.૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નાખી. ચૂંટણી પંચે ૧૪ રાજ્યોની ૪૮ વિધાનસભા અને ૩ લોકસભા સીટો માટે પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી નાખી છે.
ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન થશે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે વખત એટલે કે ૨૦૧૪ અને ૨૦૧૯માં એક તબક્કામાં જ ચૂંટણી યોજાઈ હતી કેમ કે મહારાષ્ટ્ર શાંત રાજ્ય છે અને ચૂંટણી દરમિયાન હિંસાનો ટ્રેક રેકોર્ડ નથી. ૨૦૧૪માં તમામ ૨૮૮ બેઠક માટે ૧૫ ઓક્ટોબરે મતદાન થયું હતું જ્યારે ૨૦૧૯માં એક તબક્કામાં ૩૦ નવેમ્બરે મતદાન થયું હતું. તેનાથી વિપરીત ઝારખંડમાં ચૂંટણી વખતે હિંસા ના થાય તો જ નવાઈ એવી હાલત છે. ઝારખંડમાં તો ચૂંટણી ધૂમધડાકાભેર જ થાય છે.
ઝારખંડમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણી પાંચ-પાંચ તબક્કામાં કરવી પડી છે ત્યારે આ વખતે બે જ તબક્કામાં મતદાન થશે એ સારું છે. બંને રાજ્યોનાં ચૂંટણી પરિણામો ૨૩ નવેમ્બરે આવશે. કેરળના વાયનાડમાં ૧૩ નવેમ્બરે જ્યારે બંગાળના બસીરહાટ અને મહારાષ્ટ્રના નાંદેડમાં ૨૦ નવેમ્બરે લોકસભા બેઠકો માટે મતદાન થશે. કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામાને કારણે ખાલી થઈ છે, મહારાષ્ટ્રની નાંદેડ બેઠક કૉંગ્રેસના સાંસદનું અવસાન થવાથી ખાલી થઈ છે અને પશ્ર્ચિમ બંગાળની બસીરહાટ બેઠક તૃણમૂલના સાંસદના નિધનને કારણે ખાલી થઈ છે.
આ ઉપરાંત ૧૩ નવેમ્બરે ૪૭ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે અને તેમાં સૌથી મહત્ત્વની ઉત્તર પ્રદેશની ૯ બેઠકો છે. ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર ૧૩ નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે. યુપીમાં ૧૦ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની હતી, પરંતુ કોર્ટમાં દાખલ અરજીને કારણે મિલ્કીપુરમાં પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક પર ૨૦ નવેમ્બરે મતદાન થશે.
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે સાથે આ તમામ પરિણામો ૨૩ નવેમ્બરે આવશે. ચૂંટણી પંચે કરેલી જાહેરાતના કારણે હવે દેશમાં ૨૩ નવેમ્બર લગી ચૂંટણીમય માહોલ રહેશે. બજારમાં અત્યારે સાવ મંદીનો માહોલ છે અને દિવાળી હોવા છતાં દિવાળી જેવું લાગતું નથી ત્યારે આ સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓના કારણે ગરમીનો માહોલ આવશે એવી આશા છે.
રાજકીય રીતે મહારાષ્ટ્ર અને ઝારખંડ એ બંનેમાં વિધાનસભા ચૂંટણી અત્યંત મહત્ત્વની છે અને ભાજપ તથા કૉંગ્રેસ એ બંને રાજકીય પક્ષો માટે નિર્ણાયક છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી ના મેળવી શક્યો પણ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રમાણમાં સારો દેખાવ કર્યો છે. હરિયાણામાં ભાજપ ૪૮ બેઠક જીતીને સળંગ ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યો છે.
હરિયાણામાં અત્યાર સુધી કોઈપણ રાજકીય પક્ષે સતત ત્રણ વખત સરકાર બનાવી નથી. હરિયાણામાં ભાજપન જીતની આશા નહોતી છતાં ભાજપ જીતી ગયો એ મોટી વાત છે. જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસે જીત મેળવી છે અને ઉમર અબ્દુલ્લાના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. કૉંગ્રેસ-નેશનલ કોન્ફરન્સને ગઠબંધનને ૪૮ બેઠક મળી હતી. ૧૫ વર્ષ પહેલાં ૨૦૦૯માં પણ કૉંગ્રેસ અને એનસી ગઠબંધનની સરકાર બની હતી. ત્યારે ઓમર ૩૮ વર્ષના હતા અને રાજ્યના સૌથી યુવા મુખ્ય પ્રધાન બન્યા હતા. આ વખતે ભાજપ સરકાર ના રચી શક્યો પણ તેનો દેખાવ ખરાબ નથી. ભાજપે ૨૯ બેઠક જીતીને પ્રમાણમાં સારો દેખાવ કર્યો છે.
જો કે મહારાષ્ટ્ર અને ઝારખંડ ભાજપ માટે વધારે મહત્ત્વનાં છે. મહારાષ્ટ્ર તો ઉત્તર પ્રદેશ પછી દેશનું બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. યુપીમાં લોકસભાની ૮૦ બેઠકો છે જ્યારે મહારાષ્ટ્રમાં ૪૮ બેઠકો છે એ જોતાં રાજકીય રીતે તો મહારાષ્ટ્ર મહત્ત્વનું છે જ પણ દેશનું કોર્પોરેટ કેપિટલ હોવાથી સૌથી વધારે ચૂંટણી ફંડ મળે છે તેથી મહારાષ્ટ્રમાં સત્તા હોય તેને ઘી-કેળાં થઈ જાય. આ કારણે પણ ભાજપ માટે મહારાષ્ટ્ર વધારે મહત્ત્વનું છે.
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેમાં ભાજપનો દેખાવ બહુ વખાણવા જેવો નહોતો. મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે શિવસેના, ભાજપ અને એનસીપી અજિત પવાર જૂથની સરકાર છે પણ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આ મહાયુતિને કારમી હાર મળી હતી. મહારાષ્ટ્રની ૪૮ બેઠકમાંથી ઈન્ડિયા ગઠબંધનને ૩૦ અને એનડીએને ૧૭ બેઠક મળી હતી, જેમાં ભાજપને ૯, શિવસેનાને ૭ અને એનસીપીને માત્ર ૧ સીટ મળી છે. ભાજપને કુલ ૨૩ બેઠકનું નુકસાન થયું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એનડીએને ૪૧ બેઠક મળી હતી. ૨૦૧૪માં આ આંકડો ૪૨ હતો એ જોતાં ૨૦૨૪માં ભાજપને અડધા કરતાં પણ ઓછી બેઠકો મળી છે.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામોને આધારે આગાહી થઈ રહી છે કે, ભાજપની વિધાનસભામાં લગભગ ૬૦ બેઠકો સુધી ઘટી જશે. એમવીએ એટલે કે મહાવિકાસ આઘાડીને રાજ્યની ૨૮૮ બેઠકમાંથી ૧૬૦ બેઠક મળવાનો અંદાજ છે જ્યારે ભાજપનો મોરચો ૧૦૦ બેઠકોમાં સમેટાઈ જશે. ભાજપ માટે મરાઠા આંદોલન સૌથી મોટો પડકાર છે. શિવસેના અને એનસીપીમાં ભંગાણ કરાવતાં લોકો ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે તેના કારણે ભાજપ મહારાષ્ટ્રમાં જીતશે તો હરિયાણા પછી બીજો મોટો ચમત્કાર હશે.
ઝારખંડમાં મહાગઠબંધન એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ની આગેવાની હેઠળની સરકાર છે જેમાં કૉંગ્રેસ, આરજેડી અને ડાબેરી પક્ષો છે પણ લોકસભા ચૂંટણીમાં ૧૪માંથી ૯ બેઠકો સાથે ભાજપનો હાથ ઉપર રહેલો તેથી ભાજપ જીતનો આશાવાદ ધરાવે છે. ઝારખંડમાં ભાજપે સંથાલ પરગણા અને કોલ્હાન વિભાગની ૩૨ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જાન્યુઆરીમાં હેમંત સોરેનને ભ્રષ્ટાચારના કેસમાં જેલભેગા કરાતાં રાજીનામું આપવું પડેલું અને ૧૫૬ દિવસ ચંપાઈ સોરેન મુખ્ય પ્રધાન બનેલા. હવે ચંપાઈ ભાજપમાં જોડાયા તેથી ભાજપને ચંપાઈ ફળવાની પણ આશા છે.