એકસ્ટ્રા અફેર

ભાજપે જોખમ લેવાનું ટાળ્યું, મહિલાઓને પણ ઓછી તક

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી પણ એ પહેલાં ભાજપે પહેલો ઘા કરીને ૧૯૫ ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી દીધી. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી સહિતના નિર્ણયોના અમલના કારણે ભાજપ જોરમાં છે અને વિપક્ષ કમજોર છે તેથી આ વખતે ભાજપ લોકસભાના ઉમેદવારોમાં કોઈએ ધાર્યા ના હોય એવા પ્રયોગો કરશે એવું મનાતું હતું પણ ભાજપની પહેલી યાદી જોયા પછી લાગે કે, ભાજપે પ્રયોગો કરવાનું ટાળ્યું છે અને સેફ ગેમ ખેલવાનું પસંદ કર્યું છે. ભાજપની પહેલી યાદીમાં નરેન્દ્ર મોદી વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી, રાજનાથ સિંહ લખનઊથી, નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે એવી જાહેરાત છે ને એ અપેક્ષિત છે.

ભાજપે કઈ હદે સેફ ગેમ ખેલી છે તેનો અંદાજ ઉત્તર પ્રદેશના ઉમેદવારોની યાદી પરથી જ આવે. આ યાદીમાં સૌથી વધારે ઉમેદવારો ઉત્તર પ્રદેશના છે. ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકમાંથી ૫૧ બેઠકના ઉમેદવાર જાહેરાત કરી દેવાઈ છે. મતલબ કે, ભાજપની યાદીમાં ૨૫ ટકાથી વધારે ઉમેદવારો તો ઉત્તર પ્રદેશના છે ને તેમાં ભાજપે માત્ર ચાર નવા ચહેરાને ટિકિટ આપી છે. બાકીના ૪૭ સાંસદને રિપીટ કરાયા છે.

ઉત્તર પ્રદશમાં જે જૂના ચહેરા રિપીટ થયા છે તેમાં હેમા માલિનીને ફરી મથુરાથી તક આપવામાં આવી છે જ્યારે રાજનાથ સિંહ લખનઊથી મેદાનમાં છે. મહેશ શર્માને ગૌતમ બુદ્ધ નગરથી તક આપવામાં આવી છે જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીથી ફરી ચૂંટણી લડશે. ખેડૂતોના આંદોલન વખતે જેમના દીકરા આશિષે ચાર ખેડૂતને કચડીને મારી નાખેલા એ અજય કુમાર ટેનીને પણ ભાજપે ફરી એકવાર યુપીની લખીમપુર ખીરી બેઠક પરથી ટિકિટ આપી છે.

આ જ સ્થિતિ ગુજરાતમાં છે. ગુજરાતમાં તો ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકમાંથી ૧૫૬ બેઠક જીતીને સપાટો બોલાવી દીધેલો. તેના કારણે એવું મનાતું હતું કે, ભાજપ નો રિપીટ થિયરી અપનાવીને તમામ ૨૬ નવા ચહેરાને તક આપશે પણ તેના બદલે ભાજપે પાંચ નવા ઉમેદવારને તક આપી છે ને તેમાં પણ બે તો કેન્દ્રીય મંત્રી છે કે જે અત્યાર લગી રાજ્યસભાના સભ્ય હતા.
મનસુખ માંડવિયાને પોરબંદર અને પરષોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકિટ આપવા ચાલુ સાંસદોને ટિકિટ નથી અપાઈ. બનાસકાંઠામાં પરબત પટેલની ઉંમર થઈ ગઈ હોવાથી તેમને સ્થાને મહિલા રેખાબેન ચૌધરીને ટિકિટ મળી છે. અમદાવાદ પશ્ર્ચિમમાં ડો. કિરિટ સોલંકી ભાજપ કાર્યકરોમાં અપ્રિય થઈ ગયેલા તેથી પડતા મુકાયા છે જ્યારે પંચમહાલમાં રતનસિંહ રાઠોડને પડતા મૂકીને રાજપાલસિંહ જાદવને ટિકિટ અપાઈ છે. આ સિવાયના બાકીના દસ ચહેરાને રિપીટ કરાયા છે.

ગુજરાતમાં તો ભાજપ પાસે પ્રયોગો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી કેમ કે ભાજપ સામે કોઈ પડકાર જ નથી છતાં ભાજપે એકદમ સેફ ગેમ ખેલી છે. ભાજપ વધારે મહિલાઓને અને વધારે યુવાનોને તક આપી શકે તેમ હતો પણ ભાજપે કોઈ પણ જોખમ લેવાનું ટાળ્યું છે. તમે વિચાર તો કરો કે, ભાજપમાં સૌથી વધારે બગાવતી તેવર બતાવનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પણ ભાજપે રિપીટ કરવા પડ્યા છે. ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ જમાવેલી હવાના કારણે એકદમ વગોવાયેલા મહેશ વસાવાને પણ ભાજપે પોતાના પડખામાં લીધા છે.

ભાજપે સુષ્મા સ્વરાજનાં પુત્રી બાંસુરીને નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ટિકિટ આપીને ચોક્કસ નવા ચહેરાને તક આપી છે પણ એ પ્રકારનાં ઉમેદવારો ઓછાં છે. બાંસુરી પણ છેલ્લા ઘણા સમયથી અત્યંત સક્રિય હતાં તેથી તેમની પસંદગી સાવ આશ્ર્ચર્યજનક નથી જ. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને વિદિશા બેઠક પરથી ટિકિટ અપાઈ એ થોડું આશ્ર્ચર્યજનક કહેવાય કેમ કે શિવરાજસિંહની કારકિર્દી પતી ગયેલી મનાતી હતી. અલબત્ત શિવરાજની પસંદગી પાછળ પણ સેફ ગેમ ખેલવાની ગણતરી તો છે જ. શિવરાજને સાવ કોરાણે મૂકી દેવાય તો એ મધ્ય પ્રદેશના રાજકારણમાં ચંચૂપાત કરે તેથી તેમને મધ્ય પ્રદેશથી દૂર રાખવા લોકસભામાં મોકલી દેવાનો રસ્તો અજમાવાયો છે.

મોદી સરકારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠક મહિલાઓ માટે અનામત રાખવાનો ખરડો પણ પસાર કર્યો છે. તેનો અમલ ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલાં શક્ય નથી એ પહેલાંથી નક્કી હતું પણ ભાજપ તેનો સૈધ્ધાંતિક અમલ કરીને આ વખતની ચૂંટણીમાં ૩૩ ટકા બેઠક મહિલાઓને આપશે એવું મનાતું હતું પણ ભાજપે એ જોખમ લેવાનું પણ ટાળ્યું છે. ભાજપની પ્રથમ યાદીમાં ૧૯૫ ઉમેદવારના નામ છે ને તેમાંથી માત્ર ૨૮ મહિલાઓ છે. મતલબ કે, મહિલા ઉમેદવારોનું પ્રમાણ માંડ ૧૫ ટકા થાય છે.

ભાજપ વધારે યુવાનોને ટિકિટ આપશે એવી ગણતરી હતી પણ એ ગણતરી પણ ખોટી પડી છે કેમ કે ભાજપની યાદીમાં ૫૦ વર્ષથી ઓછી વયના ૪૭ ઉમેદવાર છે. સામાન્ય રીતે માણસ ૪૦ વર્ષની ઉંમર પસાર કરે પછી યુવાન નથી ગણાતો પણ રાજકારણમાં ૫૦ વર્ષ સુધીની ઉંમરના લોકોને યુવાન ગણવા પડે છે. ભાજપની યાદીમાં એ ધારાધોરણ પ્રમાણે પણ ૨૫ ટકાથી ઓછા યુવાનો છે. એસસી અને એસટી માટેની અનામત બેઠકો પર ફરજિયાતપણે એ જ સમુદાયનાં લોકોને ટિકિટ આપવી પડે તેથી ભાજપે ૨૭ એસસી અને ૧૮ એસટી ઉમેદવારોને ટિકિટ આપી છે પણ કોઈ જનરલ બેઠક પર એસસી કે એસટી ઉમેદવારને ઊભા રાખવાની હિંમત બતાવી નથી. ૧૯૫ ઉમેદવારની યાદીમાં અબ્દુલ સલામ એક માત્ર મુસ્લિમ છે. સલામને કેરળના મલ્લાપુરમથી ટિકિટ અપાઈ છે કે જ્યાં ભાજપના જીતવાની શક્યતા બિલકુલ નથી.

ભાજપે આ વખતની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે ૩૭૦થી વધારે બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. નવા પ્રયોગો કરવા જાય ને તેના કારણે અસંતોષ પેદા થાય એ ડરે ભાજપે કોઈ જોખમ લેવાનું ટાળ્યું હોય એ શક્ય છે. ભાજપને વર્તમાન સાંસદોનાં પત્તાં કાપીને અસંતોષ પેદા કરવાથી ભવિષ્યમાં રાજ્યોનાં રાજકારણ પર તેની અસર વર્તાય એવો ડર હોય એવું પણ બને. નરેન્દ્ર મોદી વિજયની હેટ્રિક કરવા માગે છે તેથી જોખમ લેવા ના માગતા હોય એવું પણ બને. કારણ ગમે તે હોય પણ ભાજપની પહેલી યાદીમાં અસામાન્ય કશું નથી એ વાસ્તવિકતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker