એકસ્ટ્રા અફેર

બિરેનસિંહે રાજીનામું આપવામાં બહુ મોડું કર્યું


એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મણિપુરના મુખ્ય પ્રધાનપદેથી અંતે એન. બિરેનસિંહે રાજીનામું આપી દીધું અને સારી વાત એ છે કે, બિરેનસિંહનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. મણિપુરમાં છેલ્લાં દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસાને કારણે ભાજપની આબરૂનો ધજાગરો થઈ ગયેલો. વિપક્ષો સતત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકારના માથે માછલાં ધોઈ રહ્યા હતા પણ ભાજપની નેતાગીરીના પેટનું પાણી નહોતું હાલતું.

રવિવારે અચાનક જ બિરેનસિંહને ભાજપ હાઈકમાન્ડનું તેડું આવ્યું અને દિલ્હી બોલાવાયા. બિરેનસિંહે રવિવારે સવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા અને પછી બપોરે ભાજપ તથા સાથી પક્ષોના ધારાસભ્યો સાથે જઈને રાજીનામું ધરી દીધું. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ બિરેનસિંહનું રાજીનામું સ્વીકારી લેતાં બિરેનસિંહની મુખ્ય પ્રધાન તરીકેની ઈનિંગનો અંત આવી ગયો છે. મણિપુરમાં 2022ના ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી એ જોતાં બિરેનસિંહની સરકારની મુદત પૂરી થવામાં આખાં બે વર્ષ બાકી છે તેથી ભાજપે નવા મુખ્ય પ્રધાન શોધવા પડશે.

બિરેનસિંહના રાજીનામા પછી રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ તેમને કાર્યકારી મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા કહ્યું છે તેના પરથી લાગે છે કે, ભાજપને મણિપુરમાં નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરવાની કોઈ ઉતાવળ નથી. રાજ્યપાલે સોમવારથી શરૂ થનારું મણિપુર વિધાનસભાનું સત્ર પણ રદ કરી દીધું છે એ જોતાં હમણાં મણિપુરમાં કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ નહીં ચાલે એ પણ સ્પષ્ટ છે. વિધાનસભાની બેઠક મળે ને માછલાં ધોવાય તેનો કરતાં બેઠક જ ના મળે તો કકળાટ નહીં એમ સમજીને આ નિર્ણય લેવાયો છે. ભાજપ દિલ્હીમાં મુખ્ય પ્રધાનની પસંદગી કર્યા પછી નિરાંતે મણિપુરમાં પણ મુખ્ય પ્રધાનની પસંદગી કરશે એવું લાગે છે.

ભાજપે બિરેનસિંહનું રાજીનામું લેવાનો નિર્ણય લીધો એ સારું કર્યું પણ બહુ મોડું કરી દીધું છે તેમાં બેમત નથી. મણિપુરમાં 3 મે, 2023થી કુકી-મૈતઈ સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ હિંસાને 650થી વધુ દિવસો વીતી ગયા છે એ જોતાં ભાજપ અત્યાર લગી ઘોરતો હતો તેમાં શંકા નથી. બિરેન સિંહ પણ નૈતિકતાને નેવે મૂકીને સાવ નફ્ફટ બનીને સત્તાને વળગી રહ્યા હતા. આઘાતની વાત એ હતી કે, દોઢ વર્ષથી ચાલી હિંસા ચાલી રહી હોવા છતા કશું બોલતા જ નહોતા, 2024ના વરસના છેલ્લા દિવસે તેમણે મોં ખોલીને મણિપુરમાં થયેલી હિંસા અને તેમાં થયેલી જાનહાનિ માટે માફી માગી હતી. 31 ડીસેમ્બરે મીડિયાને સંબોધતાં બિરેનસિંહે કહેલું કે, મણિપુર માટે આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે અને હું તેના કારણે ખૂબ જ દુ:ખી છું. 3 મે, 2023થી આજ સુધી જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે હું જનતાની માફી માગુ છું. આ હિંસામાં ઘણાં લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, ઘણાં લોકો તેમના ઘર છોડી ગયાં એ બદલ હું ખરેખર દિલગીર છું અને હું માફી માગવા આવ્યો છું.

બિરેનસિંહ માફી માગવાના બદલે રાજીનામું આપી દેવાની જરૂર હતી કેમ કે મણિપુરમાં ભાજપની સરકાર હોય અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવા છતાં કુકી-મૈતઈ સમુદાય વચ્ચે ચાલતી હિંસા પોણા બે વર્ષથી રોકી ના શક્યા એ બહુ મોટી નિષ્ફળતા જ કહેવાય. મણિપુરમાં થઈ એવી હિંસા ભારતના બીજા કોઈ રાજ્યમાં થઈ નખી. આ હિંસા દરમિયાન સત્તાવાર રીતે જ 60 હજાર લોકો બેઘર થયાં છે, સેંકડો મહિલાઓ પર બળાત્કાર થયા છે અને મહિલાઓને જાહેરમાં નગ્ન કરીને ગેંગ રેપ કરવા સહિતની અતિ ઘૃણાસ્પદ ઘટનાઓ નોંધાઈ હોવા છતાં ભાજપે એન. બિરેનસિંહને ચાલુ રાખ્યા એ તેમની મોટી નિષ્ફળતા હતી.

બિરેનસિંહે પોતે લોકોની માફી માગી ત્યારે આપેલા આંકડા પ્રમાણે, હિંસામાં લગભગ 200 લોકો માર્યા ગયા છે અને કુલ 12,247 એફઆઈઆર નોંધવામાં આવી છે. 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લગભગ 5,600 હથિયારો અને લગભગ 35,000 દારૂગોળો મળી આવ્યો છે. બિરેનસિંહે કેન્દ્ર સરકારનાં મોંફાટ વખાણ કરતાં કહેલું કે, મણિપુરમાં હિંસા માટે કારણભૂત મુદ્દાઓને ઉકેલવામાં સફળતા મળી છે. કેન્દ્ર સરકારે વિસ્થાપિત પરિવારોને મદદ કરવા માટે પૂરતા સુરક્ષા કર્મચારીઓ અને ભંડોળ પૂરું પાડ્યું છે અને વિસ્થાપિતો માટે નવા મકાનો બનાવવા માટે પણ નાણાં આપ્યાં છે. આ બધા પ્રયત્નોના કારણે છેલ્લા મહિનાથી રાજ્યમાં શાંતિ છે અને હિંસાની કોઈ ઘટના બની નથી. છૂટાછવાયા વિરોધ પ્રદર્શન માટે પણ લોકો રસ્તા પર ઉતરતાં નથી. સરકારી ઓફિસો દરરોજ ખુલી રહી છે અને શાળાઓમાં બાળકોની સંખ્યા વધી રહી છે.

બિરેનસિંહે બીજી પણ ઘણી વાતો કરેલી ને બધી વાતો માંડવાનો અર્થ નથી પણ મુખ્ય મુદ્દો એ જ છે કે, બિરેનસિંહ મણિપુરના મુખ્ય પ્રધાન હોય કે ના હોય કોઈ ફરક જ નહોતો પડતો. મણિપુર લશ્કરના હવાલે હતું અને મણિપુરમાં શાંતિ સ્થપાઈ તેનું કારણ ભારતીય લશ્કર હતું. મણિપુરમાં સ્થિતી કાબૂ બહાર ગઈ પછી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જખ મારીને ઇમ્ફાલ ખીણનાં 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ (અઋજઙઅ) લાગુ કરીને લશ્કરને કમાન સોંપવી પડી હતી. આર્મીએ કડક બનીને ઘરે ઘરે ફરીને કોમ્બિંગ કરતાં લોકો જાતે જ તેમના હથિયારો જમા કરાવવા માંડ્યાં તેમાં હિંસાબંધ થઈ હતી.

મણિપુરમાં અત્યારે શાંતિ છે અને આ શાંતિ જળવાય એ માટે ભાજપે કોઈ સક્ષમ નેતાને મુખ્ય પ્રધાન બનાવવો જોઈએ. મણિપુરમાં હિંસાનું કારણ મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચેનો ઝગડો છે. બિરેનસિંહ આ ઝગડાને શાંત ના પાડી શક્યા કેમ કે એ પોતે પૂર્વગ્રહ સાથે વર્તતા હતા. બિરેનસિંહે ચોક્કસ સમુદાયને છાવર્યો તેના કારણે હિંસા ભડકી. એ માટે મતબેંકનું રાજકારણ જવાબદાર હતું. તેના કારણે એ સ્થિતિ સર્જાઈ છે કે, મણિપુર અત્યારે બે છાવણીમાં વહેંચાઈ ગયેલું છે. મૈતેઈ સમુદાયના વિસ્તારોમાં કુકી સહિતના આદિવાસી નથી જઈ શકતા ને કુકી સમુદાય સહિતના આદિવાસીઓના વિસ્તારોમાં મૈતેઈ સમુદાયનાં લોકો નથી જઈ શકતાં. એક રાજ્યમાં આ સ્થિતિ સર્જાય એ કમનસીબી કહેવાય પણ બિરેનસિંહની આ દેન છે.

ભાજપના નવા મુખ્ય પ્રધાન આ નફરતને ઓગાળે એ જરૂરી છે કેમ કે આ નફરત લાંબા ગાળે આતંકવાદમાં પરિણમી શકે છે. આર્મીએ આતંકવાદના બફર એરીયાઝ મનાતા વિસ્તારોમાં કોમ્બિમંગ કરીને હથિયારો જપ્ત કરી લીધાં તેના કારણે સ્થિતિ સુધરેલી છે. છેલ્લા દોઢ વર્ષમાં જે વિસ્તારોમાં જવાની કોઈની હિંમત નહોતું કરતું એ વિસ્તારોમાં ઘૂસીને આર્મી હથિયારો જપ્ત કરી રહી છે તેથી હિંસા થતી નથી પણ આર્મીને કાયમી ધોરણે ના રાખી શકાય એ જોતાં નવા મુખ્ય પ્રધાને પોતે શાંતિ સ્થાપવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button