એકસ્ટ્રા અફેર : બિરેન સિંહને સૌથી અયોગ્ય નેતાનો એવોર્ડ આપવો જોઈએ

-ભરત ભારદ્વાજ
ભારતમાં છેલ્લાં બે વર્ષના સૌથી બેદરકાર રાજકારણીનો એવોર્ડ અપાતો હોય તો નિ:શંકપણે આ એવોર્ડ મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહને આપવો જોઈએ. મણિપુરમાં 3 મે, 2023થી એટલે કે છેલ્લા 20 મહિનાથી હિંસા ચાલી રહી છે. મણિપુરમાં 3 મે, 2023થી કુકી-મૈતઈ સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ હિંસાને 600થી વધુ દિવસો વીતી ગયા છે.
મણિપુરમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, પણ કુકી-મૈતઈ સમુદાય વચ્ચે ચાલતી હિંસાને રોકવામાં બંને નિષ્ફળ ગયાં છે. આ હિંસા દરમિયાન હજારો લોકો બેઘર થયાં છે, સેંકડો મહિલાઓ પર બળાત્કાર થયા છે અને મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરીને ગેંગ રેપ કરવા સહિતની અતિ ઘૃણાસ્પદ ઘટનાઓ નોંધાઈ છે છતાં એન. બિરેન સિંહનાં પેટનું પાણી નહોતું હાલતું. બિરેન સિંહ સાવ સહજ બનીને સત્તાને વળગી રહ્યા છે અને ખુરશીને ચીટકી રહ્યા છે, પણ ખસતા નથી. બલકે કશું બોલતા જ નહોતા ને છેવટે 2024ના વરસના છેલ્લા દિવસે તેમણે મોં ખોલીને મણિપુરમાં થયેલી હિંસા અને તેમાં થયેલી જાનહાનિ માટે માફી માગી છે.
બિરેન સિંહે કહ્યું કે, મણિપુર માટે આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે અને હું તેના કારણે ખૂબ જ દુ:ખી છું. 3 મે, 2023થી આજ સુધી જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે હું રાજ્યની જનતાની માફી માગું છું. બિરેન સિંહે સચિવાલયમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન પોતાને ખરેખર મણિપુરની હિંસાથી દુ:ખ થયું હોય એવું બતાવીને કહ્યું કે, આ હિંસામાં ઘણા લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, ઘણા લોકો તેમનાં ઘર છોડી ગયાં એ બદલ હું ખરેખર દિલગીર છું અને હું માફી માગવા આવ્યો છું. બિરેન સિંહે છેલ્લા દોઢ વરસમાં થયેલી હિંસામાં શું શું થયું તેના હિસાબનો ચોપડો પણ ખોલ્યો અને જાહેર કર્યું કે, અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે અને કુલ 12,247 એફઆઈઆર નોંધવામાં આવી છે. 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લગભગ 5,600 હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
બિરેન સિંહે વધાઈ પણ ખાધી છે અને કેન્દ્ર સરકારનાં મોંફાટ વખાણ પણ કર્યાં છે. બિરેન સિંહના કહેવા પ્રમાણે મણિપુરમાં હિંસા માટે કારણભૂત મુદ્દાઓને ઉકેલવામાં પણ સફળતા મળી છે. કેન્દ્ર સરકારે વિસ્થાપિત પરિવારોને મદદ કરવા માટે પૂરતા સુરક્ષા કર્મચારીઓ અને ભંડોળ પૂરું પાડ્યું છે અને વિસ્થાપિતો માટે નવાં મકાનો બનાવવા માટે પણ નાણાં આપ્યાં છે. આ બધા પ્રયત્નોના કારણે છેલ્લા મહિનાથી રાજ્યમાં શાંતિ છે અને હિંસાની કોઈ ઘટના બની નથી. છૂટાછવાયા વિરોધ પ્રદર્શન માટે પણ લોકો રસ્તા પર ઊતરતા નથી. સરકારી ઑફિસો દરરોજ ખૂલી રહી છે અને શાળાઓમાં બાળકોની સંખ્યા વધી રહી છે.
બિરેન સિંહે આર્મી દ્વારા ચલાવાઈ રહેલા ઓપરેશનની વિગતો પણ આપી છે. સરકાર દ્વારા જ અપાયેલી વિગતો પ્રમાણે, કાશ્મીરની જેમ રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ક્લીનની અસર એ છે કે છેલ્લા એક મહિનામાં હથિયારો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને સાથે સાથે આતંકવાદી સંગઠનોના 20થી વધુ કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી છે. બિરેન સિંહે બીજી પણ ઘણી વિગતો આપી છે અને તેનો સાર એ છે કે, મણિપુરમાં દોઢ વર્ષ લગી ભલે ગમે તે થયું, પણ હવે ઑલ ઈઝ વેલ. હવે સ્થિતિ અમારા કાબૂમાં છે તેથી ચિંતા કરવાની જરૂર નથી.
આશા રાખીએ કે બિરેન સિંહનો આશાવાદ સો ટકા સાચો પડે ને છેલ્લાં દોઢ વર્ષથી સતત ફફડતા જીવે જીવતા મણિપુરના લોકો ખરેખર શાંતિથી જીવે. અત્યારે જનજીવન સામાન્ય છે એવું સામાન્ય જ રહે, બાળકો નચિંત બનીને સ્કૂલે જઈ શકે, બેઘર થયેલા લોકોને ઘર મળે અને ફરી હિંસાની આગ ના ભડકે. અત્યારે 60 હજાર લોકો તેમનાં ઘર છોડીને રાહત શિબિરોમાં રહે છે અને એ બધા પણ પોતપોતાના ઘરે પાછા જઈ શકે, પોતાના ધંધા-રોજગાર ફરી શરૂ કરીને આ દેશના મોટા ભાગના નાગરિકોની જેમ સામાન્ય જિંદગી જીવી શકે.
એક ભારતીય તરીકે આપણે મણિપુરમાં રહેતાં આપણાં ભારતીય ભાઈ-બહેનોનું ભલું ઇચ્છીએ છીએ તેથી ઈસવી સનના નવા વરસમાં મણિપુરવાસીઓને શાંતિ મળે તેની પ્રાર્થના જ કરીએ, પણ તેના કારણે બિરેન સિંહ સરકાર નિષ્ફળ છે ને બિરેન સિંહ સાવ નબળા મુખ્ય પ્રધાન છે એ વાસ્તવિકતા બદલાતી નથી. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ મણિપુરના મામલે સાવ નબળી સાબિત થઈ છે એ વાસ્તવિકતા પણ બદલાતી નથી. મણિપુરમાં ખરેખર સામાન્ય સ્થિતિ હોય તોપણ તેનો જશ બિરેન સિંહ કે ભાજપની બંને સરકારોને જતો નથી, પણ ઈન્ડિયન આર્મીને જાય છે. મણિપુરમાં તહેનાત લશ્કરી અધિકારીઓએ પોતે કહ્યું છે કે, પહેલાં રાજકીય દખલગીરીને કારણે ઈન્ડિયન આર્મી કંઈ કરી શકતી ન હતી ને હિંસાખોરોને છૂટો દોર મળેલો કેમ કે રાજકારણીઓ તેમને છાવરતા હતા.
Also read: એકસ્ટ્રા અફેર : મહારાષ્ટ્ર-ઝારખંડ બંનેમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર
સ્થિતિ કાબૂ બહાર ગઈ પછી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જખ મારીને ઇમ્ફાલ ખીણનાં 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ (અઋજઙઅ) લાગુ કરવો પડ્યો ને લશ્કરને કમાન સોંપવી પડી, પછી સ્થિતિ કાબૂમાં આવી છે. આર્મીએ કડક બનીને ઘરે ઘરે ફરીને કૉમ્બિંગ કરવા માંડ્યું અને કડક બની એટલે હવે લોકો જાતે જ તેમનાં હથિયારો જમા કરાવવા આવી રહ્યાં છે. લોકો પાસે હથિયારો નથી એટલે હિંસા થતી નથી તેથી ખરો જશ આર્મીને જાય છે. બાકી સરકારે ને પોલીસે તો કશું કર્યું નથી. અત્યાર સુધીમાં 11 હજારથી વધારે એફઆઈઆર નોંધવામાં આવી છે અને માત્ર 500 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેના પરથી જ પોલીસ કેટલી અસરકારક છે એ સમજવાની જરૂર છે.
આર્મીએ આતંકવાદના બફર એરિયાઝ મનાતા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને સપાટો બોલાવ્યો તેના કારણે પણ સ્થિતિ સુધરી છે. જ્યાં છેલ્લા દોઢ વર્ષમાં જવાની કોઈની હિંમત નહોતી એ વિસ્તારોમાં ઘૂસીને આર્મી હથિયારો જપ્ત કરી રહી છે તેથી શાંતિ છે. મણિપુરની વસતી લગભગ 38 લાખની છે અને સમગ્ર રાજ્યમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોની 288 કંપનીઓમાં લગભગ 40 હજાર સૈનિકો તહેનાત છે. મતલબ કે, દર હજાર લોકોએ એક સૈનિક હાજર છે. ભારતમાં બીજા કોઈ રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં સૈનિકો હાજર નથી ને આ સૈનિકો હશે ત્યાં સુધી મણિપુરમાં શાંતિ રહેશે.