બિહાર-આંધ્રને છૂટે હાથે લહાણી, મજબૂરી કા નામ મોદી ૩.૦
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ઈનિંગ્સનું પહેલું બજેટ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવાર ને ૨૩ જુલાઈ ૨૦૨૪એ રજૂ કરી દીધું ને રાબેતા મુજબ સામાન્ય લોકો માટે તેમાં કશું નવું નથી. નિર્મલા સીતારમણે આ તેમનું સતત સાતમું બજેટ રજૂ કર્યું. પહેલાં છ બજેટના અંતે નિર્મલા વિશે એક સવાલ હંમેશાં થયો છે કે, આ બેનને ક્યા આધારે દેશનાં નાણાં પ્રધાન બનાવી દેવાયાં છે ? આ વખતે પણ એ જ સવાલ થઈ રહ્યો છે કેમ કે નાણા પ્રધાને બજેટ પ્રવચનમાં ઘણી મોટી વાતો પણ વાસ્તવિક રીતે કશું નથી આવ્યું.
ભાજપે એક સમયે ૫ લાખ રૂપિયા સુધીની આવકને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવાનું વચન આપેલું. દસ વરસ લગી તો એ વચન મોદી સરકારે ના પાળ્યું પણ કમ સે કમ આ વરસે એ વચન પળાશે એવો સૌને આશાવાદ હતો પણ આ વખતે પણ એ વચન ના પળાયું. સામાન્ય કરદાતાઓને તેમની અપેક્ષા મુજબ કંઈ ન મળતા તેઓ ફરી એકવાર ઘોર નિરાશામાં છે. આ નિરાશા એટલે વધી છે કે, નિર્મલાએ શેરબજારમાં રોકાણ કરનારાંને થતા ફાયદા પરનો ટેક્સ વધારી દીધો છે. જે લોકો નિયમિત કરવેરા ભરે છે એ જ લોકો મોટા પ્રમાણમાં શેરબજારમાં રોકાણ કરે છે તેથી મોદી સરકારે તેને બેઉ બાજુથી લૂંટી લીધા છે.
નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં ન્યુ રીજિમમાં આવકવેરાના સ્લેબમાં ફેરફારની જાહેરાત કરી છે અને તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં પણ ૨૫ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ન્યુ રીજિમ હેઠળ ૩ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે એટલે કે આ આવક કરમુક્ત છે. ૩ લાખ રૂપિયાથી ૭ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ ૫ ટકા, ૭ લાખ રૂપિયા થી ૧૨ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ ૧૦ ટકા અને ૧૦ લાખ રૂપિયાથી ૧૨ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ ૧૫ ટકા ટેક્સ ચૂકવવો પડશે. ૧૨ લાખ રૂપિયાથી ૧૫ લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ ૨૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે જ્યારે ૧૫ લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોએ ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે. ન્યુ રીજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળની છૂટ ૫૦ હજાર રૂપિયાથી વધારીને ૭૫ હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય પેન્શનધારકો માટે ફેમિલી પેન્શન પરની કપાતને ૧૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
મોદી સરકાર ન્યુ રીજિમમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને બેઠી છે તેનો મતલબ એ કે, સરકાર ઈચ્છે છે કે બહુમતી લોકો ન્યુ રીજિમ તરફ વળે અને ઓલ્ડ રીજિમને તિલાંજલિ આપી દે. સરકારનું આ વલણ ખતરનાક છે કેમ કે ઓલ્ડ રીજિમ જ દેશના અર્થતંત્ર અને સામાન્ય લોકો માટે ફાયદાકરક છે. ભારત પરંપરાગત રીતે બચતનો મહિમા કરતો દેશ છે. ભારતમાં જૂના જમાનામાં પરિવારના વડા પુરુષો મહિલાને ઘરખર્ચ માટે રકમ આપે તેમાંથી પણ મહિલાઓ બચત કરતી. આ રીતે થતી નાની નાની બચતોના કારણે ઘણું બધું સચવઈ જતું. પરિવાર મુશ્કેલીમાં હોય ત્યારે આ બચત કામ આવતી.
અત્યારે જે ઓલ્ડ રીજિમ છે તેમાં પણ બચતને પ્રોત્સાહન અપાય છે. તેમાં હોમ લોન લેનારને બે લાખ રૂપિયા સુધીનું વ્યાજ બાદ મળે છે જ્યારે દોઢ લાખ રૂપિયા સુધીનું જુદી જુદી બચત યોજનાઓ કે જીવન વિમામાં કરેલું રોકાણ બાદ મળે છે. મેડિક્લેઈમ માટેનો ખર્ચ બાદ મળે છે અને ૫૦ હજાર રૂપિયા સુધીનું નેશનલ પેન્શન સ્કીમમાં કરેલું રોકાણ પણ બાદ મળે છે. આ બધી જોગવાઈઓના કારણે લોકો ફરજિયાત બચત કરે છે અને રોકાણ કરે છે. તેના કારણે સરકાર પાસે પણ જંગી પ્રમાણમાં રોકડ આવે છે. લોકોનાં ઘરનાં ઘર તેના કારણે બની ગયાં.
મોદી સરકાર જે ન્યુ રીજિમ લઈ આવી છે તેમાં કોઈ પણ પ્રકારની બચત કરો કે ના કરો તેનાથી કોઈ ફરક પડતો નથી. સીધો ટેક્સ લાગે છે તેથી લોકોને બચત કરવા પ્રોત્સાહન મળતું નથી. અત્યારે યંગ જનરેશન ખાઈ-પીને મોજ કરવામાં માને છે. તેની આ માનસિકતા પશ્ર્ચિમના કલ્ચરમાંથી આવી છે અને મોદી સરકાર આ વેસ્ટર્ન માનસિકતાને પોષી રહી છે. મોદી સરકારને લોકો બચત કરે કે ના કરે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તેને લાંબા ગાળે સરકારની આવક વધે તેમાં રસ છે ને ધીરે ધીરે લોકોને અપાતી કરરાહતો બંધ કરવામાં રસ છે તેથી ન્યુ રીજિમમાં વધારે કરરાહતો આપીને નોકરિયાતોને લલચાવી રહી છે. આ લાલચમાં ફસાવા જેવું નથી કેમ કે તેમાં ભવિષ્ય બરબાદ થઈ જશે.
મોદી સરકારે કેપિટલ ગેઈન ટેક્સ અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન્સ ટેક્સમાં વધારો કર્યો તેનો ઉદ્દેશ પણ કમાણી વધારવાનો છે. આ પગલાના કારણે શેરબજારમાં ભવિષ્યમાં ફટકો પડી શકે કેમ કે કમાણીમાંથી ૨૦ ટકા રકમ ટેક્સમાં આપી દેવાની હોય તો લોકો શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં સો વાર વિચાર કરશે.
નિર્મલાના બજેટની સૌથી નોંધપાત્ર બાબત વિશે પણ વાત કરી લઈએ. આ બજેટમાં નિર્મલા સીતારમણે બિહાર અને આંધ્ર પ્રદેશને કરેલી લહાણીઓ પછી એક જૂની કહેવત બદલવી પડે એવી હાલત છે. પહેલાં એવું કહેવાતું કે, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. હવે નવી કહેવત એ છે કે, મજબૂરી કા નામ મોદી.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એટલે મોદીએ સરકાર રચવા માટે નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુનાં પગોમાં આળોટી જવું પડેલું. આ સાષ્ટાંગ દંડવત પછી પણ નીતીશ અને નાયડુ ના રીઝાતાં બંનેને રીઝવવા માટે નિર્મલાના બજેટમાં તોતિંગ ખેરાતો કરાઈ છે. ચંદ્રાબાબુએ તો લગભગ એક કરોડ રૂપિયાનો હાથ મારી લીધો છે ને નીતીશ પણ પાછળ નથી. નીતીશ તો હાઈવે પ્રોજેક્ટ માટે જ ૨૬ હજાર કરોડ રૂપિયા લઈ ગયા છે.
આ તો હજ શરૂઆત છે ને હજુ પહેલું જ વરસ છે. મોદીએ નીતીશ ને ચંદ્રાબાબુને પાંચ વરસ સાચવવાના છે એ જોતાં હજુ તો જાણે કેટલું આપવું પડશે. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા. બીજાં રાજ્યો મોં વકાસીને જોઈ રહે ને બિહાર ને આંધ્ર પ્રદેશને લહાણીઓ થતી રહે એ સીન જોવા તૈયાર રહેજો.