અડવાણીને ભારતરત્ન: દેર આયે, દુરસ્ત આયે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
નરેન્દ્ર મોદી આશ્ર્ચર્યો સર્જવા માટે જાણીતા છે ને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ૯૬ વર્ષની વયે ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરીને નરેન્દ્ર મોદીએ વધુ એક આશ્ર્ચર્ય સર્જી દીધું. હજુ દસેક દિવસ પહેલાં જ એટલે કે ૨૩ જાન્યુઆરીએ મોદી સરકારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન (મરણોત્તર) આપવાની જાહેરાત કરી હતી.
ભારતરત્ન સહિતના એવોર્ડ આપવાનો નિર્ણય ભારત સરકાર લેતી હોય છે ને જાહેરાત રાષ્ટ્રપતિભવન દ્વારા કરાતી હોય છે તેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ૨૪ જાન્યુઆરીએ કર્પૂરી ઠાકુરની ૧૦૦મી જન્મજયંતીના એક દિવસ પહેલાં તેમને ભારતરત્ન (મરણોત્તર) આપવાની જાહેરાત કરી હતી. ૧૦ દિવસ પહેલાં કોઈને ભારતરત્ન આપવાની જાહેરાત કરાઈ હોય પછી તરત જ બીજા મહાનુભાવને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાશે એવી કોઈને આશા ના હોય તેથી અડવાણીને ભારતરત્ન મળશે એવી આશા નહોતી પણ નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપીને સૌને આશ્ર્ચર્યમાં મૂકી દીધા. અલબત્ત, કર્પૂરી ઠાકુર કરતાં અડવાણી વધારે લાયક છે જ. કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી અને એક વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા. પછાત વર્ગોનાં મસિહા ગણાતા હોવાથી બિહારમાં રાજકીય ફાયદા માટે ઠાકુરને ભારતરત્ન અપાયો છે, બાકી ઠાકુર રાષ્ટ્રીય કક્ષાના નેતા જ નથી. તેની સામે અડવાણી તો ભાજપના સંવર્ધક છે, ભાજપને દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ બનાવનારા ધૂરંધર છે એ જોતાં તેમને ભારતરત્ન મળે તેમાં કશું ખોટું નથી.
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભાજપની વિચારધારાને વરેલા ત્રીજા મહાનુભાવને ભારતરત્ન અપાયો છે. આ પહેલાં મોદી સરકારે ૨૦૧૫માં અટલ બિહારી વાજપેયીને ભારતરત્નથી નવાજ્યા હતા, જ્યારે નાનાજી દેશમુખને ૨૦૧૯માં ભારતરત્ન અપાયો હતો. નાનાજી દેશમુખ ભાજપ જનસંઘ હતો ત્યારે તેના વિકાસ માટે મથનારા નેતા હતા. દેશમુખનું સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ મોટું નામ છે. વાજપેયી અને દેશમુખ બંને એ રીતે ભારતરત્ન અપાયો એ યોગ્ય જ હતું ને અડવાણીને પણ ભારતરત્ન અપાયો એ પણ યોગ્ય છે પણ અડવાણી અને મોદીના સંબંધો જોતાં અડવાણીને કશું મળે એવી આશા નહોતી ત્યારે અચાનક જ ભારતરત્ન આપી દેવાયો તેના કારણે પણ આશ્ર્ચર્ય સર્જાયું છે.
અડવાણી અને મોદી એક સમયે અત્યંત નજીક હતા પણ બંનેને વડા પ્રધાનપદની લાલસા તેથી ખટરાગ થયો. એક જમાનામાં અડવાણી ને મોદી હમ સાથ સાથ હૈ ગાતા પણ મોદીની વડા પ્રધાનપદની મહત્વાકાંક્ષા સળવળી પછી બંને સામસામે આવી ગયા. મોદીએ ગુજરાતમાં ભાજપને સતત ત્રણ ટર્મ લગી જીત અપાવી તેના કારણે એ વડા પ્રધાનપદના ઉમેદવાર બનવા લાયક હતા જ પણ અડવાણીને આ વાત માફક નહોતી આવી. તેમણે મોદીનું પત્તુ કાપવા માટે થઈ શકે એ બધા ધમપછાડા કરી જોયેલા પણ ફાવ્યા નહીં.
મોદી ભાજપને જીતાડીને વડા પ્રધાનપદની ગાદી પર બેઠા પછી અડવાણીને રાજકીય રીતે સાવ પતાવી જ દીધા ને અડવાણીને કશું પણ આપવાના બદલે માર્ગદર્શક મંડળમાં બેસાડીને સાવ વખારમાં નાખી દીધા હતા એ જોતાં મોદી પાસેથી અડવાણીને કશું મળે એવી ધારણા નહોતી રખાતી. મોદીએ આ ધારણાને ખોટી પાડીને અડવાણીને ભારતરત્ન આપીને ઉદારતા બતાવી છે.
અડવાણીના યોગદાન વિશે કોઈ શંકા નથી. લાલકૃષ્ણ અડવાણીનું ભાજપને જોરાવર કરવામાં મોટું યોગદાન છે એ કબૂલવું પડે. ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સાવ ધોળકું ધોળીને માત્ર બે બેઠકો જીતી હતી. ભાજપની એ પહેલી ચૂંટણી હતી પણ ભાજપ પાસે જનસંઘની જૂની મૂડી હતી. આ સંજોગોમાં ભાજપ સાવ આવો શરમજનક દેખાવ કરશે એવી પણ કોઈને આશા નહોતી તેથી ભાજપ પતી ગયેલો એવું સૌએ માની લીધેલું. લાલકૃષ્ણ અડવાણી એવા માહોલમાં ભાજપના પ્રમુખ બનેલા ને તેમણે હિંદુવાદને અપનાવીને ભાજપને ફરી બેઠો કર્યો એ કબૂલવું પડે. ભાજપ ૧૯૮૪ની બે બેઠકો પરથી ૧૯૮૯માં ૮૫ બેઠકે પહોંચ્યો ને પછી કેન્દ્રમાં પોતાની સરકાર રચી શક્યો એ અડવાણીના કારણે શક્ય બન્યું એ કબૂલવું પડે.
ભાજપની સાથે અડવાણીએ મોદીને પણ મોટા બનાવ્યા એ પણ કબૂલવું પડે. નરેન્દ્ર મોદીના ઉદયમાં અડવાણીનું મોટું યોગદાન છે. અડવાણીએ કાઢેલી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાના કારણે જ નરેન્દ્ર મોદી લાઈમલાઈટમાં આવ્યા. એ પછી અડવાણી સતત મોદીના પડખે રહ્યા. મોદી ભાજપમાં જ શંકરસિંહ વાઘેલા સામે લડતા હતા ત્યારે અડવાણી તેમની પડખે ઊભા રહેલા.
મોદી ગુજરાતના મુખ્યમંત્રી બની શક્યા તેમાં પણ તેમનો ફાળો હતો. મોદીને ૨૦૦૨નાં રમખાણો પછી તગેડી મૂકવાની વાત હતી એ વખતે પણ અડવાણી તેમને પડખે જ હતા ને અડવાણીના કારણે જ મોદી બચી શક્યા. ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી વખતે મોદીએ રાજીનાનું ધરી દીધેલું પણ અડવાણી મોદીના પડખે રહ્યા તેમાં રાજીનામું ના સ્વીકારાયું અને અણી ચૂક્યો સો વરસ જીવે એ હિસાબે એ વખતે ટકી ગયેલા મોદી પછી તો બહુ તાકતવર બન્યા ને દેશના વડા પ્રધાનપદે પણ બેસી ગયા.
અડવાણીએ કરેલા આ ઉપકારોના બદલામાં મોદીએ ધાર્યું હોત તો અડવાણીને વધારે આપીને તેમના યોગદાનની કદર કરી શક્યા હોત. અડવાણીએ ભાજપના વિકાસમાં આપેલા યોગદાન અને મોદી પર પણ કરેલા ઉપકારોને જોતાં મોદીએ તેમને રાષ્ટ્રપતિપદે બેસાડવાની જરૂર હતી. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી આવી પછી પહેલી વાર રાષ્ટ્રપતિની ચૂંટણ આવી ત્યારે મોદીએ રામનાથ કોવિંદ જેવા સાવ અજાણ્યા નેતાને રાષ્ટ્રપતિ બનાવેલા.
મોદી એ વખતે કોવિંદને બદલે અડવાણીને ચોક્કસ રાષ્ટ્રપતિ બનાવી શક્યા હોત. અડવાણી રાષ્ટ્રપતિ બન્યા હોત તો રાષ્ટ્રપતિપદનું ગૌરવ વધ્યું હોત અને અડવાણીના યોગદાનની પણ કદર થઈ હોત. કમનસીબે બંનેના સંબંધો એટલા ખરાબ થઈ ગયેલા કે, મોદીએ અડવાણીને રાષ્ટ્રપતિ બનાવવા વિશે વિચાર પણ ના કર્યો. શત્રુઘ્ન સિંહા સહિતના નેતાઓએ લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવા માટે સોશિયલ મીડિયા પર ઝુંબેશ પણ શરૂ કરી હતી પણ મોદીએ ધ્યાન જ ના આપ્યું. મોદીએ અત્યારે બતાવી એવી ઉદારતા એ વખતે બતાવી હોત તો અડવાણી વધારે માનભેર વિદાય થઈ શક્યા હોત. મોદી માટે પણ લોકોને માન વધ્યું હોત. ખેર, અડવાણીને ભારતરત્ન અપાયો એ પણ સારું જ છે, દેર આયે, દુરસ્ત આયે.