ચીનને પછાડવાનો કોરિડોર કાગળ પર ના રહે તો સારું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
નવી દિલ્હીમાં શનિવારથી શરૂ થયેલા બે દિવસના જી ૨૦ સમિટમાં પહેલા દિવસે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો. આ નિર્ણય પ્રમાણે ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકો કોરિડોર (ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ કનેક્ટિવિટી કોરિડોર) બનાવવામાં આવશે. ભારત, અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઈટાલી, જર્મની એમ આઠ ભાગીદારો આ કોરિડોરમાં હિસ્સેદાર બનશે. યુરોપિયન યુનિયનમાં બહુ બધા દેશો છે એ જોતાં કુલ મળીને લગભગ ૩૦ જેટલા દેશો આ કોરિડોરનો ભાગ બનશે. આ કોરિડોર ભાગીદાર દેશોમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કામ કરશે.
અત્યારે આ બધા દેશો વચ્ચે વ્યાપાર ચાલે છે પણ આ વ્યાપાર અલગ અલગ રીતે ચાલે છે. આ વ્યાપાર કઈ રીતે કરવો એ બે દેશો સાથે મળીને નક્કી કરે છે. આ કોરિડોર આ તમામ દેશો માટે એક કોમન પ્લેટફોર્મ પૂરું પાડશે તેથી ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા તો હળવી થશે જ પણ એકબીજા પર લાદવામાં આવતી ડ્યૂટીને લગતા પ્રશ્ર્નોનું પણ નિરાકરણ આવશે. આ પ્રોજેક્ટ હેઠળ જબરદસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તેથી લાખો લોકોને રોજગારી મળશે, નવાં શહેરો બનશે ને એક સંતુલિત વિકાસની પ્રક્રિયા આગળ ધપશે.
જો કે સૌથી મોટી વાત એ છે કે, આ પ્રોજેક્ટ દ્વારા ચીનને નાથવામાં મદદ મળશે. ચીન વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટ હેઠળ આ પ્રકારનો કોરિડોર બનાવી જ રહ્યું છે. જી ૨૦ દેશોનો કોરિડોર ચીનના આ પ્રોજેક્ટનો જવાબ બનશે એવું મનાય છે. આ કોરિડોરની વાત લાંબા સમયથી ચાલતી હતી પણ ચીન આ પ્રોજેક્ટનો વિરોધ કરતું રહ્યું છે. આ કારણે આ વાત આગળ ધપતી નહોતી. જી ૨૦ સમિટમાં શી જિનપિંગ ના આવ્યા તેથી ભારતે આ કોરિડોરની જાહેરાત કરાવી દીધી.
ભારતમાં આ જાહેરાતને મોટી સિધ્ધી ગણાવાઈ રહી છે પણ વાસ્તવમાં આ જાહેરાત વસ્તવિકતામાં પરિણમે ત્યારે મોટી સિદ્ધિ ગણાશે કેમ કે આ કોરિડોર બનાવવા માટે ચીન સામે ટકરાવાનું છે. ભારતે ચીનને પછાડવા આ પ્રકારની પહેલ પહેલાં પણ કરેલી ને તેમાં કશું વળ્યું નથી એ પણ ભૂલવા જેવું નથી.
ચીનના વન બેલ્ટ, વન રોડ ઈન્સેટિવનો જવાબ આપવા ભારતે આ પહેલાં જાપાન સાથે હાથ મિલાવેલા પણ કશું નક્કર ના થયું. ૨૦૧૭માં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અમદાવાદ-મુંબઈ વચ્ચેની હાઈ સ્પીડ ટ્રેન કોરિડોરનું ખાતમુહૂર્ત કરવા ભારત આવ્યા ત્યારે શિન્ઝો આબેએ જાપાનના જ અને ઈન્ડિયાના યથી જય બનાવીને જય ઈન્ડિયા અને જય જાપાન સૂત્ર આપીને બુલેટ ટ્રેનનો વિકાસ કરવાની અને ભારત સાથેના સંબંધ વધુ ગાઢ બનાવવાનું એલાન કર્યું હતું.
શિન્ઝો આબે અને મોદીની હાજરીમાં અમદાવાદમાં ઈન્ડિયા-જાપાન બિઝનેસ સમિટમાં રૂપિયા ૫ લાખ કરોડના કરાર થયા છે. જાપાનની ટોચની ૧૫ કંપનીઓ ભારતમાં જંગી રોકાણ કરશે એવી જાહેરાત કરાઈ હતી.
આ સમિટમાં સૌથી મોટી જાહેરાત એ કરાઈ હતી કે, ભારત અને જાપાન સાથે મળીને એશિયા-આફ્રિકા ગ્રોથ કોરિડોર બનાવશે. આ પ્રોજેક્ટમાં ભારત આગામી ત્રણ વર્ષમાં ૧૦ બિલિયન ડોલર જ્યારે જાપાન પાંચ વર્ષમાં ૩૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ દ્વારા આફ્રિકાના દેશોમાં એશિયન દેશો પોતાનું રોકાણ વધારશે. સાથે સાથે જાપાન અને ભારતના વ્યાપાર હિતોને મહત્ત્વ આપીને ચીનના પ્રભુત્વને પડકાર આપવામાં આવશે.
જાપાને એ વખતે સ્પષ્ટ કરેલું કે, આ પ્રોજેક્ટ દ્વારા જાપાન અને ભારત સાથે મળીને ચીનને રોકવાની કોશિશ કરશે. ભારતીય ઉપખંડમાં ચીનની દખલથી દુનિયા ચિંતામાં છે ત્યારે જાપાન તેના ગ્રોથ કોરિડોર દ્વારા ચીનના વન બેલ્ટ-વન રોડ (OBOR) પ્રોજેક્ટનો જવાબ આપશે.
આ વાતને છ વર્ષ થઈ ગયાં પણ હજુ સુધી એશિયા-આફ્રિકા ગ્રોથ કોરિડોર કાગળ પર જ છે. તેનું કારણ એ કે, એશિયા અને આફ્રિકા બંનેના દેશો ચીનને નારાજ કરીને ભારત-જાપાનની પંગતમાં ખુલ્લેઆમ બેસવા માટે રાજી નથી. બધા દેશો આંતરરાષ્ટ્રીય મંચ પર આવે ત્યારે શાણી શાણી વાતો કરતા હોય છે ને ભારે ફડાકા મારતા હોય છે પણ ખરેખર તેનો અમલ કરવાનો આવે ત્યારે પોતાનાં હિતોને જ મહત્ત્વ આપતા હોય છે. અત્યારે એશિયા અને આફ્રિકાના દેશોનાં હિતો ચીન સાથે વધારે જોડાયેલાં છે તેથી ભારત-જાપાનના બદલે ચીનને વધારે મહત્ત્વ આપે છે.
ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ કનેક્ટિવિટી કોરિડોરના કિસ્સામાં પણ એવું બનવાની પૂરી શક્યતા છે કેમ કે આ કોરિડોરમાં જોડાનારા સાઉદી અરેબિયાને ચીન સાથે ગાઢ સંબંધો છે. છેલ્લા કેટલાક સમયથી ચીન, સાઉદી અરેબિયા અને રશિયાની ધરી મજબૂત બની છે. ચીનને આ કોરિડોરનો વિરોધ છે એ જોતાં સાઉદી પાછળથી ખસી જાય એવો પૂરો ખતરો છે.
અમેરિકા અને યુરોપીયન યુનિયનના દેશો પણ ભરોસાપાત્ર નથી. અમેરિકા અત્યારે ચીનની સામે પડેલું છે કેમ કે ચીનના કારણે તેના વૈશ્ર્વિક પ્રભુત્વ અને આર્થિક હિતોને નુકસાન છે. કાલે અમેરિકાને ચીનની ગરજ પડે તો અમેરિકા ચીનને અછોવાનાં કરવા લાગે કેમ કે અમેરિકાને ગરજે ગધેડાને બાપ કહેતાં જરાય શરમ આવતી નથી. અમેરિકા અને ચીન વચ્ચે સારાસારી થઈ જાય તો અમેરિકા બધું મૂકીને ચીનના ગુણગાન ગાવા માંડે. યુરોપના દેશો અમેરિકાના પીઠ્ઠુ છે તેથી એ બધા પણ અમેરિકાની વાંહે વાંહે ચીનની પંગતમાં બેસી જાય. આ સંજોગોમાં આ કોરિડોરનો ઐતિહાસિક વિચાર કાગળ પર જ રહી જાય એવી પૂરી શક્યતા છે.
આપણે આશા રાખીએ કે એવું ના થાય ને આ કોરિડોર વાસ્તવિકતામાં પરિણમે કેમ કે ભારત માટે ઘણી બધી રીતે આ કોરિડોર ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય તેમ છે. ભારત માટે આ કોરિડોર જીવાદોરી સાબિત થાય તેમ છે એવી બધી વાતો તો ના કરી શકાય કેમ કે આર્થિક રીતે ભારત કોઈના પર સંપૂર્ણપણે નિર્ભર નથી. ભારતનું પોતાનું એક ગ્રામીણ અર્થતંત્ર આધારિત ઈકોનોમિક મોડલ છે કે જે અત્યંત મજબૂત છે. કોઈ પક્ષની સરકારે નહીં પણ લોકોએ બનાવેલું આ મોડલ છે તેથી સરકારો બદલાય તો પણ ફરક પડતો નથી પણ આર્થિક વિકાસની એક નવી દિશા ખૂલે તો દેશને ફાયદો થાય જ તેથી આ કોરિડોર વાસ્તવિક બને એવી આશા રાખીએ.