એકસ્ટ્રા અફેર

બટેંગે તો કટેંગે તે બરાબર, પણ હિંદુઓને એક કઈ રીતે કરવા?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં છે. પહેલાં ઉત્તર પ્રદેશમાં ને પછી હરિયાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન યોગી આદિત્યનાથે હિંદુઓને એક રહેવાની અપીલ કરતાં કહેલું કે, હિંદુઓ એક રહેશે તો બચશે, બાકી કપાઈ મરશે. યોગીએ બાંગ્લાદેશની ઘટનાઓના સંદર્ભમાં ૨૭ ઓગસ્ટે આગ્રામાં કહ્યું હતું કે, રાષ્ટ્રથી મોટું કંઈ નથી. રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણે એક થઈશું. બાંગ્લાદેશનું ઉદાહરણ આપણી નજર સામે છે અને એવી ભૂલો અહીં ન થવી જોઈએ… બટેંગે તો કટેંગે. સંગઠિત રહીશું તો ઉમદા રહીશું. સુરક્ષિત રહીશું અને સમૃદ્ધિના શિખરે પહોંચીશું.

યોગીના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ૫ ઓક્ટોબરે મહારાષ્ટ્રના થાણે અને વાશિમમાં વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરતી વખતે કહેલું કે, હિંદુઓએ એક થવાની જરૂર છે કેમ કે તેમની વોટ બેંક અકબંધ જ રહેશે પણ બાકીની મતબેંક સરળતાથી વહેંચાઈ જશે. તેમની એટલે મુસ્લિમોની એ કહેવાની જરૂર છે ખરી?

હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ પણ યોગીના ‘બટેંગે તો કટેંગે’ નારાનું સમર્થન કર્યું છે. ઉત્તર પ્રદેશના મથુરામાં હમણાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કારોબારી ચાલી રહી છે. સંઘની બે દિવસીય અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની બેઠક ૨૫ અને ૨૬ ઓક્ટોબરે મથુરામાં યોજાઈ એ પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મથુરા જઈને સંઘના વડા મોહન ભાગવતને મળ્યા હતા. તેની અસર છે કે બીજું કંઈ કારણ છે એ રામ જાણે પણ હવે સંઘે પણ યોગીની ભાષા બોલવા માંડી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નંબર ટુ એટલે કે સરકાર્યવાહક દત્તાત્રેય હોસાબલેએ પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું કે, હિંદુ સમાજ એક નહીં રહે તો હમણાં પ્રચલિત ભાષામાં બટેંગે તો કટેંગે થઈ શકે છે.

હોસાબોલેના કહેવા પ્રમાણે, આપણે હિંદુ સમાજમાં ઉચ્ચ અને પછાત, જ્ઞાતિ અને ભાષા વચ્ચે તફાવત કરીશું તો આપણે નાશ પામીશું તેથી એકતા જરૂરી છે. હિંદુ સમાજની એકતા લોકકલ્યાણ માટે છે અને આ એકતા દરેકને સુખી કરશે. અત્યારે હિન્દુઓને તોડવાનું કામ થઈ રહ્યું છે તેથી હિંદુઓએ ચેતવું જરૂરી છે અને એક રહેવું જરૂરી છે. હોસાબોલેના કહેવા પ્રમાણે, દેશમાં ઘણી જગ્યાએથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ બની રહી છે. દુર્ગા પૂજા અને ગણેશવિસર્જન દરમિયાન પણ હુમલા થયા છે. આ માહોલમાં હિંદુ સમાજે પોતાની રક્ષા કરવી જોઈએ અને સંગઠિત રહેવું જોઈએ.

સૈદ્ધાંતિક રીતે આ બધી વાતો સાવ સાચી છે તેમાં કોઈ શંકા નથી. દુનિયાભરમાં વધી રહેલા જિહાદી કટ્ટરવાદના પ્રભાવને ખાળવા માટે દુનિયાના બીજા દેશોમાં પણ બધાં મથી રહ્યાં છે ત્યારે હિંદુઓએ પણ મથવું જોઈએ. હિંદુઓ એક થયા વિના આ પ્રભાવને ના ખાળી શકે. ભારતમાં હિંદુઓની બહુમતી છે એટલે ભારતમાં કટ્ટરવાદના પ્રભાવને ખાળવાની જવાબદારી હિંદુ સમુદાયના માથે છે તેથી હિંદુ સમુદાયે એક થવું જ પડે.

હિંદુઓ કટ્ટરવાદના પ્રભાવને ના ખાળી શકે તો કટ્ટરવાદીઓ હાવી થઈ જશે ને તેમાં જે લોકો કપાશે કે મરશે એ હિંદુઓ જ નહીં હોય પણ બધા હશે. જેમને આ કટ્ટરવાદ મંજૂર નથી એવા હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા કપાશે. એવું ના થાય એ માટે હિંદુઓએ એક થવું જરૂરી છે તેમાં બેમત નથી. સૈદ્ધાંતિક રીતે સૌ કોઈએ તેને સમર્થન આપવું જ જોઈએ પણ સવાલ એ છે કે, હિંદુઓની એકતા એટલે શું? અને તેના કરતાં મોટો સવાલ એ છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે બીજા કહેવાતા કોઈ પણ હિંદુવાદી સંગઠનો હિંદુઓને એક કરી શકે તેમ છે ખરા?

બીજા સવાલનો જવાબ સ્પષ્ટ ના છે કેમ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે બીજાં હિંદુવાદી સંગઠનોમાં એ તાકાત હોત તો આ બધી વાતો કરવાની જરૂર જ ના પડી હોત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની સ્થાપનાનાં ૯૯ વર્ષ પૂરાં કરીને આ દશેરાએ જ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યો છે. હિંદુઓનાં હિતો સાચવવા માટે અને હિંદુઓને એક કરવા માટે ૧૦૦ વર્ષથી અસ્તિત્વ ધરાવતું સંગઠન હજુય હિંદુઓની એકતાની સૂફિયાણી વાતો કરતું હોય તેનો અર્થ એ થયો કે, તેનામાં એ તાકાત નથી.

૧૦૦ વર્ષ બહુ મોટો ગાળો છે અને હિંદુઓની પાંચ પેઢી આ ૧૦૦ વર્ષમાં આવી ગઈ છતાં સંઘ કે તેના પોઠિયા જેવા ભાજપના નેતા હજુય હિંદુઓની એકતાનાં ફિફાં જ ખાંડ્યા કરે છે ને બીજાં ૧૦૦ વર્ષ પછી પણ એ જ કરતા હશે કેમ કે સંઘ અને કહેવાતાં હિંદુવાદી સંગઠનો તથા ભાજપનું પણ હિંદુત્વ સગવડિયું છે. આ બધા ભાષણબાજીમાં શૂરા છે પણ ખરેખર હિંદુઓની એકતા બતાવવાના મુદ્દા આવે ત્યારે પાણીમાં બેસે છે.

બહુ નાની નાની ઘટનાઓ છે પણ કોઈ ઉચ્ચ જ્ઞાતિની છોકરી કહેવાતી નીચલી જ્ઞાતિના છોકરાને પરણે ત્યારે થતા વિરોધ કે હત્યાઓ સામે સંઘ ચૂપ રહે છે. હિંદુવાદના નામે ચરી ખાનારા કહેવાતા સાધુ-સંત દુરાચાર કરે ત્યારે પણ એ લોકો ચૂપ રહે છે. હિંદુત્વના નામે ચૂંટાઈને સતામાં બેઠેલો કોઈ રાજકારણી ભ્રષ્ટાચાર કરે કે મુસ્લિમોનાં પગોમાં આળોટીને ઈદ મનાવવાની ને સેવૈયાં ખાવાની વાતો કરે ત્યારે પણ સંઘ ચૂપ રહે છે. આ સંજોગોમાં સવાલ એ થાય છે કે, ખરેખર હિંદુઓએ કોની સામે ને શાના માટે એક થવાની જરૂર છે? એ જ જ્ઞાતિના નામે ઝઘડા, ધર્મના નામે અધર્મ કે સત્તાલાલસા માટે તુષ્ટિકરણ થતું હોય તો હિંદુઓ કઈ રીતે એક થઈ શકે?

સંઘે આ વાત પહેલાં પણ કરી છે. ત્રણ વર્ષ પહેલાં દશેરાના દિવસે સંઘના વડા મોહન ભાગવતે પોતાના સંબોધનમાં હિંદુ ધર્મમાં પ્રબળ બનતી જતી જ્ઞાતિપ્રથા અને વસતી વધારાને રોકવા માટે જરૂરી નીતિની વાત કરી હતી. ભાગવતે કહ્યું કે, આજે પણ દેશમાં સામાજિક ચેતના જ્ઞાતિવાદની લાગણીથી ગ્રસિત થયેલી છે, દૂષિત થયેલી છે.

આ વાત સાવ સાચી છે. ભારતમાં જ્ઞાતિવાદ જ સર્વસ્વ છે ને લોકો જ્ઞાતિવાદને આધારે જ બધું નક્કી કરે છે. જ્ઞાતિવાદ ભારતનું સદીઓ જૂનું દૂષણ છે ને આ દૂષણના કારણે થયેલા અત્યાચારો અને દમનની વાતો થથરાવી નાંખનારી છે. જ્ઞાતિવાદ હિંદુત્વ માટે કલંક છે ને આ કલંકથી મુક્ત થવું જરૂરી છે પણ કમનસીબે એવું થતું નથી.

સંઘ કે કોઈ પણ કહેવાતો હિંદુવાદી આ જ્ઞાતિવાદ સામે જંગ છેડતો નથી તેથી સમાજ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ રહ્યો છે. જ્ઞાતિવાદનાં સમીકરણો એ હદે હાવી છે કે દેશમાં કોઈ પણ બાબત જ્ઞાતિવાદના આધારે જ નક્કી થાય છે.

સંઘ પહેલાં આ સ્થિતિ બદલે પછી સૂફિયાણી
સલાહો આપે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker