કેજરીવાલની ધરપકડ, લોકો કોની વાત માનશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
દિલ્હીના કહેવાતા લીકર એક્સાઈઝ સ્કેમમાં અંતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવાઈ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ લીકર એક્સાઈઝ સ્કેમ અંગે પૂછપરછ કરવા માટે ૯ સમન્સ મોકલ્યા છતાં કેજરીવાલ પૂછરપરછ માટે હાજર નહોતા થતા. બલકે પોતાની ધરપકડ રોકવા માટે હાઈ કોર્ટ ને સુપ્રીમ કોર્ટનાં ચક્કર લગાવ્યા કરતા હતા. કેજરીવાલે દિલ્હી હાઈ કોર્ટમાં પણ અરજી કરેલી.
આ અરજીમાં કેજરીવાલે ઈડી સામે પૂછપરછ માટે હાજર થવાની તૈયારી બતાવેલી પણ સામે કોર્ટ પાસે ખાતરી માગી હતી કે, પોતે પૂછપરછ માટે ઈડીની ઓફિસે જાય. તેમની ધરપકડ કરવામાં આવશે નહીં. કોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું કે, કેજરીવાલે ઈડી સામે હાજર થવું પડશે અને ઈડી તેમની ધરપકડ નહીં કરે એવી કોઈ ખાતરી કોર્ટ ના આપી શકે કેમ કે તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
હાઈ કોર્ટે ગુરુવારે બપોરે અઢી વાગ્યે કેજરીવાલની ધરપકડ પર સ્ટે આપવાની અરજી ફગાવી દીધી પછી કેજરીવાલની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને હાઇ કોર્ટના આદેશને પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં આ અરજી હાથ ધરાય એ પહેલાં તો ઈડીની ટીમે પોતાનો ખેલ પાડી દીધો ને સાંજે સાત વાગ્યે તો ઈડીની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી ગઈ. ઈડીની ટીમ દ્વારા પહેલાં બે કલાક લગી કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી અને તેમના ઘરની તલાશી લેવામાં આવી. બે કલાકની પૂછપરછ પછી ઇડીએ કેજરીવાલની ધરપકડ કરી હોવાની સત્તાવાર જાહેરાત કરી નાંખી.
કેજરીવાલને પીએમએલએ કોર્ટમાં રજૂ કરાયા પછી તેમના ૧૦ દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે. આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ગયેલી ને કેજરીવાલની ધરપકડના મુદ્દે તાત્કાલિક સુનાવણીની માગ કરેલી પણ સુપ્રીમ કોર્ટે એ માગણી સ્વીકારી નથી તેથી કેજરીવાલ જેલની હવા ખાશે એ નક્કી છે. આ દરમિયાનમાં સુપ્રીમ કોર્ટને દયા આવી જાય તો ઠીક છે, બાકી મનિષ સિસોદિયા અને સંજયસિંહની જેમ કેજરીવાલનો જેલવાસ પણ લંબાઈ જશે.
કેજરીવાલે કશું ખોટું કર્યું છે કે નહીં એ ચર્ચા અત્યારે જોરશોરથી ચાલી રહી છે. ભાજપ સરકાર કેજરીવાલને કહેવાતા લીકર સ્કેમના સૂત્રધાર ગણાવે છે અને તેમણે ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો આક્ષેપ કરે છે તો આપ સહિતના વિપક્ષો આપ અને કેજરીવાલને દબાવવા માટે લીકર સ્કેમનું તૂત ઊભું કરાયું હોવાના આક્ષેપ કરી રહ્યા છે.
આ બંને પૈકી સાચું કોણ ને ખોટું કોણ એ કોર્ટ નક્કી કરશે તેથી તેના વિશે બહુ ચોવટ કરવાનો મતલબ નથી પણ લીકર સ્કેમમાં બે મુદ્દા બહુ મહત્ત્વના છે. પહેલો મુદ્દો એ કે, અત્યાર સુધી ઈડી કે બીજી કોઈ પણ એજન્સી લીકર સ્કેમમાં લાંચ પેટે અપાયેલા અબજો રૂપિયા ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા એ અંગે કોર્ટમાં સંતોષકારક લાગે એવું કશું પણ કેમ રજૂ કરી શકી નથી ?
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે મનિષ સિસોદિયાની જામીન અરજી વખતે આ સવાલ કરેલો પણ પછી ગમે તે કારણોસર સુપ્રીમ કોર્ટ ચૂપ થઈ ગઈ. બીજો મુદ્દો એ છે કે, કોઈ સરકાર એક નીતિ બનાવે ને એ નીતિ નિષ્ફળ જાય તો તેને સ્કેમ કહેવાય કે વહીવટી નિષ્ફળતા કહેવાય ? સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી વખતે આ બંને મુદ્દે સ્પષ્ટતા કરશે એવી આશા રાખીએ.
આ કેસમાં કોર્ટ ક્યારે ચુકાદો આપશે એ ખબર નથી પણ અત્યારે તો લિકર કેસ રાજકીય મુદ્દો બની ગયો છે. ભાજપ કેજરીવાલ સરકાર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહી છે ને આપ ભાજપ સરકાર પર ઈડીનો દુરુપયોગ કરીને કેજરીવાલના અવાજને દબાવી દેવાની મથામણ ચાલી રહી હોવાનો આક્ષેપ કરી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બંને તેનો રાજકીય ફાયદો ઉઠાવવા ભરપૂર કોશિશ કરી રહ્યાં છે.
ભાજપ કેજરીવાલની પ્રમાણિકતાની વાતો દેખાડો અને દંભ હોવાનું ચિત્ર ઊભું કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પોતે ભાજપની તાનાશાહી સામે લડવાની કિંમત ચૂકવી રહ્યા હોવાનું ચિત્ર ઊભું કરી રહી છે. આપનું કહેવું છે કે, અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા અને સંજયસિંહની ધરપકડ પછી પણ કંઈ મળ્યું નથી. ભાજપ સરકાર ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે તેથી ધરપકડ કરાઈ છે. લોકો કોની વાતો પર ભરોસો કરે છે તેની ખબર લોકસભાની ચૂંટણીમાં પડશે.
કેજરીવાલની ધરપકડ સાથે ઈડીએ ઈતિહાસ રચી નાંખ્યો છે કેમ કે કેજરીવાલ મુખ્યમંત્રીપદે ચાલુ હોય ને છતાં ધરપકડ કરાઈ હોય એવા દેશના પહેલા મુખ્યમંત્રી છે. આ પહેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ઈડીએ ગયા મહિને ધરપકડ કરી ત્યારે સોરેને પહેલાં રાજીનામું આપ્યું હતું ને પછી સત્તાવાર રીતે તેમની ધરપકડ કરાઈ હતી. સોરેનની પણ કેજરીવાલની જેમ પહેલાં પૂછપરછ કરાયેલી પછી સોરેને રાજભવન ઈડીની કસ્ટડીમાં જઈને રાજીનામું આપ્યું હતું તેથી ટેકનિકલી હેમંત સોરેન ભૂતપૂર્વ મુખ્યમંત્રી બની ગયા હતા.
કેજરીવાલના કિસ્સામાં આમ આદમી પાર્ટી પહેલાં જ એલાન કરી ચૂકી છે કે, ધરપકડ થશે તો પણ કેજરીવાલ રાજીનામું નથી આપવાના તેથી ઈડીએ તેમને રાજીનામું આપવા માટે લેફ્ટનન્ટ ગવર્નરને ત્યાં લઈ જવાની જહેમત ના ઉઠાવી.
કેજરીવાલની ધરપકડ પછી આમ આદમી પાર્ટી પણ ઈતિહાસ રચવા જઈ રહી છે કેમ કે કેજરીવાલ રાજીનામું નથી આપવાના અને દિલ્હીના મુખ્યમંત્રીપદે ચાલુ રહેવાના છે. ભારતમાં જેલમાં બેઠાં બેઠાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણી જીતનારા બહુ નેતા આવ્યા પણ જેલમાં બેઠાં બેઠાં સરકાર ચલાવનારા કેજરીવાલ પહેલા મુખ્યમંત્રી હશે. દિલ્હી કેબિનેટની હવે પછીની બેઠક બુધવારે મળવાની છે. કેજરીવાલ જેલમાં બેઠાં બેઠાં આ બેઠકના અધ્યક્ષસ્થાને કઈ રીતે રહેશે એ જોવાનું છે પણ એ રાજીનામું નથી આપવાના એ નક્કી છે. દિલ્હીના મંત્રી આતિશીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રીપદે રહેવાના જ છે અને જેલમાંથી સરકાર ચલાવશે.
ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી એ પહેલાં દિલ્હી વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલે પણ એલાન કરેલું કે, અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાશે તો પણ મુખ્યમંત્રીપદેથી રાજીનામું નહીં આપે. દિલ્હીના તમામ ધારાસભ્યો, પંજાબના ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે, કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહેશે અને જેલમાંથી સરકાર ચલાવશે.
ભારતમાં જેલમાંથી સરકાર ચલાવવાનો પ્રયોગ કેવો ચાલે છે એ જોઈએ.