અમૃતપાલને ગાર્ડ ઓફ ઓનરનો વિવાદ કમનસીબ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતીય લશ્કરમાં ‘અગ્નિવીર’ તરીકે ભરતી થયેલા પંજાબના અમૃતપાલ સિંહના અંતિમ સંસ્કાર સમયે લશ્કર દ્વારા ગાર્ડ ઓફ ઓનર ના અપાયું તેનો વિવાદ ચગ્યો છે. રાજકારણીઓ પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે અને અને દેશ માટે ફરજ બજાવતાં મોતને ભેટેલા સૈનિકને લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય ના અપાઈ તેની ટીકા કરી રહ્યા છે તેથી મીડિયાને પણ આ વિવાદમાં રસ પડી ગયો છે. તેના કારણે આ વિવાદ ગાજી રહ્યો છે. આ વિવાદ ચગ્યો તેનું કારણ અમૃતપાલ સિંહના મોતના સાચા કારણ અંગેની અવઢવ છે. ઈન્ડિયન આર્મીએ કરેલી સ્પષ્ટતા પ્રમાણે, અમૃતપાલ સિંહે આપઘાત કરી લીધો હોવાથી તેને ગાર્ડ ઓફ ઓનર નથી અપાયું.
અમૃતપાલના પરિવારનું કહેવું છે કે, અમૃતપાલ આતંકવાદીઓ સામે લડતાં શહીદ થયો છે પણ નિયમિત સૈનિક નહોતો અને ‘અગ્નિવીર’ હતો તેથી તેને ભારતીય લશ્કરે શહીદ પણ ના ગણ્યો ને ગાર્ડ ઓફ ઓનર પણ ના આપ્યું. આ મુદ્દે હોહા થઈ પછી પોતાના બચાવ માટે આ બચાવ કરી રહ્યું છે. વાસ્તવમાં અમૃતપાલે આપઘાત કર્યો જ નથી. અમૃતપાલનો પરિવાર પંજાબના માનસાના કોટલી ગામમાં રહે છે.
ભારતીય લશ્કરે સન્માન ના આપ્યું તો પંજાબ પોલીસે અમૃતપાલને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપીને સૈનિકનું ગૌરવ સાચવી લીધું અને અંતિમ સંસ્કાર કરાવી દીધા પણ અંતિમ સંસ્કાર પછી અગ્નિવીર અમૃતપાલ સિંહના પિતાએ સવાલ ઉઠાવતાં વિવાદની શરૂઆત થઈ. અમૃતપાલના પિતાએ કહ્યું છે કે. મેં મારા પુત્ર અમૃતપાલ સિંહને ભારતીય સેનામાં સોંપ્યો હતો, અમને ખબર નથી કે અગ્નિવીર શું છે. અમારો પુત્ર તો ભારતીય લશ્કરમાં હતો તેથી તેને લશ્કરી સન્માન મળવું જોઈતું હતું.
અમાતપાલના આક્રોશને પગલે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પણ કૂદી પડ્યા. તેમણે ભારતીય લશ્કર સૈનિકોના અંતિમ સંસ્કારમાં પણ ભેદભાવ કરવા માંડ્યું હોવાનો આક્ષેપ કરી નાખ્યો. બીજા નેતા પણ કૂદી પડ્યા તેથી ભારતીય લશ્કરે પણ સ્પષ્ટતા કરવી પડી.
ભારતીય લશ્કરે રવિવારે મોડી રાત્રે એક નિવેદન આપીને સ્પષ્ટતા કરી કે, અગ્નિવીર અમૃતપાલે આત્મહત્યા કરી હોવાથી તેમને નિયમો અનુસાર અંતિમ સંસ્કાર વખતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું નથી. અગ્નિવીર અમૃતપાલ સિંહે સંત્રી ડ્યુટી દરમિયાન પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. નિયમ પ્રમાણે, આપઘાતના કારણે મૃત્યુના કિસ્સામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું નથી.
લશ્કરનો એવો દાવો પણ છે કે, અમૃતપાલ સિંહના મૃત્યુ સાથે જોડાયેલાં તથ્યો અંગે ગેરસમજ ઊભી કરાઈ છે અને ખોટી રજૂઆત કરવામાં આવી છે. અગ્નિપથ યોજના પહેલાં કે પછી પણ ભારતીય લશ્કર આર્મીમાં જોડાયેલા સૈનિકોમાં કોઈ ભેદભાવ રાખતી નથી. આત્મહત્યા અથવા આત્મઘાતી ઈજાને કારણે સૈનિકના મૃત્યુની ઘટનામાં, સૈનિકના પ્રવેશની પ્રક્રિયાને ધ્યાનમાં લીધા વિના યોગ્ય સન્માન આપવામાં આવે છે. આર્મી ઓર્ડર ૧૯૬૭ મુજબ આવા કિસ્સામાં અંતિમ સંસ્કાર વખતે ગાર્ડ ઓફ ઓનર કે બીજું લશ્કરી સન્માન અપાતું નથી. કોઈપણ ભેદભાવ વિના આ નીતિનું સતત પાલન કરવામાં આવી રહ્યું છે.
ભારતીય લશ્કરે તો આંકડા પણ આપ્યા છે. લશ્કરના આંકડા પ્રમાણે, ૨૦૦૧થી અત્યાર સુધી દર વર્ષે ૧૦૦થી ૧૪૦ સૈનિકોના આપઘાત કે પોતે જ કરેલી ઈજાના કારણે મોત થાય છે. આ તમામ કિસ્સામાં લશ્કરી અંતિમ સંસ્કારની મંજૂરી નથી મળતી પણ અંતિમ સંસ્કાર માટે આર્થિક સહાય ઉપરાંત મૃતકના રેન્ક પ્રમાણે મદદ અપાય છે.
ભારતીય લશ્કરમાં આ પ્રકારનો વિવાદ પહેલાં થયો નથી તેથી સાચું શું ને ખોટું શું એ કહેવું મુશ્કેલ છે પણ અમૃતપાલના પરિવારે તેમનો દીકરો શહીદ થયો હોવાનું લાગે એ માટે પૂરતાં કારણો આપ્યાં છે. અમૃતપાલ સિંહની ડ્યુટી પૂંચ જિલ્લાના મેંધર સબડિવિઝનના માનકોટ વિસ્તારમાં લાઈન ઓફ કંટ્રોલ પાસે હતી. અમૃતપાલના લમણા પર ગોળી વાગેલી છે.
ઈન્ડિયન આર્મીનું કહેવું છે કે, અમૃતપાલ સંત્રી તરીકે ફરજ પર હતા ત્યારે પોતાની બંદૂકથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. અમૃતપાલના પરિવારનું કહેવું છે કે, અમૃતપાલના મોતના બે દિવસ પહેલાં જ ભારતીય લશ્કરે બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ ઓપરેશનમાં અમૃતપાલ પણ સામેલ હતા. આ ઓપરેશન દરમિયાન આતંકવાદીની ગોળી વાગતાં અમૃતપાલનું મોત થયું. અમૃતપાલને આતંકીઓએ ગોળી મારી હતી એ વાતને લશ્કરના જવાનોએ જ સમર્થન આપ્યું હોવાનું કહેવાય છે.
સામાન્ય રીતે કોઈ પણ સૈનિકનું મોત થાય ત્યારે તેના પાર્થિવ દેહને લશ્કરના વાહનમાં લાવવામાં આવે છે પણ અમૃતપાલના મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહને લશ્કરના વાહનને બદલે ખાનગી એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. લશ્કરના બે જવાનો મૃતદેહને બહાર કાઢવા માટે તેમના ગામ ગયા હતા. અમૃતપાલના મૃતદેહને છોડીને બંને નીકળી રહ્યા હતા ત્યારે પરિવારે તેમને પૂછ્યું હતું કે, અમૃતપાલને કોઈ લશ્કરી સન્માન નહીં મળે? જવાનોએ જવાબ આપેલો કે, અગ્નિવીર યોજના હેઠળ ભરતી કરાયેલા સૈનિકને શહીદનો દરજજો નથી, તેથી અમૃતપાલને લશ્કરી સન્માન નહીં મળે.
આ વાતોના કારણે અમૃતપાલના પરિવારને પોતાના પુત્ર દેશ માટે શહીદ થયો હોવા છતાં અંતિમ સંસ્કાર લશ્કરી ગૌરવ સાથે ના થયો તેનો વસવસો થવો સ્વાભાવિક છે.
અમૃતપાલના મૃતદેહને લશ્કરી વાહનમાં લવાયો એ વાત કઠે એવી છે જ પણ અમૃતપાલના પરિવારે ભારતીય લશ્કરની વાત પર વિશ્ર્વાસ મૂકવો જોઈએ, તેમની વાતને સ્વીકારવી જોઈએ. ભારતીય લશ્કર નિયમ બતાવીને સત્તાવાક નિવેદન આપે છે ત્યારે તેમની વાત પર અવિશ્ર્વાસ માટે કોઈ કારણ નથી.
રાજકારણીઓ કોઈ પણ વિવાદને પોતાના ફાયદા માટે ચગાવતા હોય છે. અમૃતપાલના કિસ્સામાં પણ એવું જ છે એ જોતાં અમૃતપાલના પરિવારે રાજકારણીઓના બદલે લશ્કર પર ભરોસો મૂકવો જોઈએ.
આ વિવાદ કમનસીબ કહેવાય કેમ કે ભારતીયો માટે તો અમૃતપાલ અને ભારતીય લશ્કર બંને પોતાનાં જ છે. સોશિયલ મીડિયા પર કેટલાક નમૂના આ વિવાદમાં કૂદી પડીને અણછાજતી કોમેન્ટ્સ કરી રહ્યા છે પણ તેનાથી દૂર રહેવું જોઈએ કેમ કે આ વિવાદનો મુદ્દો જ નથી. શહીદ અને સેના બંનેનું ગૌરવ જાળવવાની જરૂર છે.