ગાઝા માટે દેખાવો થાય પણ અયોધ્યા ના જવાય!
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં મોટાભાગના રાજકારણીઓ કોઈ પણ વાતને ધર્મ અને કોમવાદના ડાબલાંથી જોવા ટેવાયેલા છે. ઘોડાની આંખ પર ડાબલા બાંધી દો એટલે તેને સામે છે એ જ દેખાય, આજુબાજુનું કે પાછળનું કંઈ દેખાય જ નહીં. દેશના મોટા ભાગના રાજકારણીઓની આવી જ હાલત છે ને તેનો તાજો નમૂનો અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે સીપીએમના નેતાઓએ લીધેલું વલણ છે.
ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ૨૨ જાન્યુઆરીએ થવાની છે. રામમંદિરનું સંચાલન કરવા બનાવાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમ માટે તમામ રાજકીય પક્ષના નેતાઓને નિમંત્રણ આપ્યું છે. ડાબેરી મોરચાના સૌથી મોટા પક્ષ સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને પ્રકાશ કરાત સહિતના નેતાઓને પણ નિમંત્રણ અપાયાં છે પણ તેમણે આ કાર્યક્રમમાં હાજર રહેવાની ઘસીને ના પાડી દીધી.
કારણ?
સીપીએમનાં બ્રિન્દા કરાતનુ કહેવું છે કે, ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને એ લોકો રાજકારણ સાથે જોડી રહ્યા છે. સીપીએમ કદી પણ રાજકારણ અને ધર્મની ભેળસેળની તરફેણ કરતી નથી તે ધાર્મિક કાર્યક્રમના રાજકારણની પણ તરફેણ કરતી નથી. આ એક ધાર્મિક કાર્યક્રમનું રાજકીયકરણ છે અને એ યોગ્ય નથી તેથી સીપીએમના નેતા આ કાર્યક્રમમાં હાજર નહીં રહે.
બ્રિન્દા કરાતે ડહાપણ ડહોળ્યું છે કે, સીપીએમ લોકોની લાગણીઓનું સન્માન કરે છે પણ પોતાનો રાજકીય એજન્ડા આગળ ધપાવવા માટે ધર્મનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી. રાજકારણ અને ધર્મને અલગ રાખવાં જોઈએ અને જ્યારે રાજકીય એજન્ડા આગળ ધપાવવા માટે ધર્મનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરાય ત્યારે ધર્મ માન ગુમાવી દે છે. રાજકારણ અને ધર્મની મિલાવટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડાને આગળ ધપાવશે તેથી સીપીએમ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે.
બ્રિન્દા કરાતે બીજું પણ ઘણું કહ્યું છે ને એ બધી વાત માંડવાનો અર્થ નથી પણ તેમની વાતનો ટૂંક સાર એ જ છે કે, ભાજપે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને પોતાનો રાજકીય એજન્ડા પાર પાડવા માટેનો કાર્યક્રમ બનાવી દીધો છે તેથી અમારે આ કાર્યક્રમમાં નથી આવવું.
ભારત લોકશાહી દેશ છે અને દરેક વ્યક્તિને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. દરેક વ્યક્તિને ક્યાં જવું ને ક્યાં ના જવું એ નક્કી કરવાનો પણ અધિકાર છે. સીપીએમના નેતાઓની નજર ભલે ચીન ને રશિયા તરફ મંડાયેલી હોય પણ એ લોકો પણ કાનૂની રીતે ભારતના નાગરિક જ છે. તેમનું દિલ ભલે ગમે ત્યાં હોય પણ સદેહે એ લોકો ભારતમાં રહે છે ને ભારતની નાગરિકતા તેમને મળેલી છે તેથી તેમને પણ પોતાને ગમે એ કહેવાનો અધિકાર છે જ. અયોધ્યાના ભગવાન રામના કાર્યક્રમમાં જવું કે ના જવું એ નક્કી કરવાનો પણ તેમને અધિકાર છે જ પણ આ અધિકારનો ઉપયોગ કરીને એ લોકો પોતાની માનસિક સંકુચિતતા ને સાફ શબ્દોમાં કહીએ તો મુસ્લિમ તુષ્ટિકરણની માનસિકતાને છતી કરી રહ્યા છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ધાર્મિક છે એવું બ્રિન્દા કરાતે પોતે સ્વીકાર્યું છે પણ તેમને આ કાર્યક્રમના રાજકીયકરણ સામે વાંધો છે. સીપીએમની રાજકીયકરણની વ્યાખ્યા શું છે એ ખબર નથી પણ આ કાર્યક્રમનું કોઈ રીતે રાજકીયકરણ થઈ રહ્યું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન છે ને તેમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને સીપીએમ ધાર્મિક કાર્યક્રમનું રાજકીયકરણ ગણાવતી હોય તો તેમની બુધ્ધિ પર હસવું આવે છે. મોદી આ દેશની પ્રજાએ ચૂંટેલી સરકારના નેતા છે, દેશના વડા પ્રધાન છે એ જોતાં તેમનાથી વધારે યોગ્ય કોણ કહેવાય? કોઈ નહીં.
બીજું એ કે, આ કાર્યક્રમ કોઈ એક પક્ષનો કે સંગઠનનો રહ્યો જ નથી. શ્રી જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ કાર્યક્રમ માટે કૉંગ્રેસના નેતાઓને નિમંત્રણ આપ્યું છે ને બીજા પક્ષના નેતાઓને પણ નિમંત્રણ આપ્યું છે કેમ કે ભગવાન રામનું મંદિર ભાજપનું નથી, આ દેશનાં તમામ હિંદુઓનું છે ને પોતાને હિંદુ માનનારા તમામ લોકોનું છે. જેમને નિમંત્રણ અપાયું છે એ બધાં આ કાર્યક્રમમાં હાજર રહી શકે છે તો પછી કાર્યક્રમનું રાજકીયકરણ ક્યાં થયું?
બ્રિન્દા કરાતે ભાજપ પર રાજકીય એજન્ડા આગળ ધપાવવા માટે ધર્મનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આક્ષેપ મૂક્યો છે એ પણ તદ્દન વાહિયાત છે. અયોધ્યામાં રામમંદિરનો મુદ્દો તો ભાજપના એજન્ડામાં પહેલેથી છે અને ભાજપ માટે એ રાજકીય મુદ્દો જ છે. ભાજપે એ વાત કદી છૂપાવી નથી કે કદી દંભ કર્યો નથી. ભાજપ રામમંદિર માટે લડ્યો છે ને ખુલ્લેઆમ રામમંદિરની તરફેણ કરી છે. ભાજપે રામમંદિર માટે લડાયેલી કાનૂની લડાઈને પણ ટેકો આપ્યો છે ને આ દેશની સુપ્રીમ કોર્ટમાં જીત મેળવીને રામમંદિરનું નિર્માણ કરાયું છે. આ સંજોગોમાં ભાજપને રામમંદિરને રાજકીય મુદ્દો બનાવે છે કે રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે એ વાત મૂર્ખામીના પ્રદર્શન જેવી છે.
સીપીએમ સહિતની કહેવાતી પાર્ટીના કહેવાતા સેક્યુલર નેતાઓ આ બધી વાતો કરે છે કેમ કે તેમની નજર મુસ્લિમ મતબેંક પર છે. અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડીને રામમંદિર બનાવાયું તેથી રામમંદિરના નિર્માણથી મુસ્લિમો નારાજ છે એવું જ એ લોકો માની બેઠા છે. પોતે રામમંદિર સાથે કોઈ પણ રીતે સંકળાશે તો મુસ્લિમો પોતાને મત નહીં આપે એવો તેમને ડર છે. આ ડરના કારણે એ લોકો આ લવારા કરે છે.
સીપીએમ સહિતની કહેવાતી સેક્યુલર પાર્ટીઓનું વલણ તેમના દંભનો વધુ એક નાદાર નમૂનો છે. એ લોકો ગાઝામાં ઈઝરાયલના હુમલાને પગલે જેમને અસર થઈ એ લોકો માટે અહીં બેઠાં બેઠાં આંસુ સારે ત્યારે તેમને રાજકીય મુદ્દાની ધર્મ સાથે ભેળસેળનો વિચાર આવતો નથી કેમ કે તેના કારણ મુસ્લિમોના મત મળે છે. ગાઝાનાં લોકોની લાગણીની તેમને ચિંતા છે પણ આ દેશના બહુમતી લોકો એવા હિંદુઓની લાગણીની તેમને ચિંતા નથી. આ માનસિકતાના કારણે એ લોકો પતી ગયા છતાં સુધરવાનું નામ લેતા નથી.