ઈસરો ચીફના આક્ષેપોની તપાસ થવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં મોટા ભાગનાં લોકોને રાજકારણીઓ તરફ માન નથી. રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે હલકી કક્ષાનું રાજકારણ રમે છે એવી સામાન્ય લોકોની માન્યતા છે. બીજી તરફ દેશને મહાન સિદ્ધિ અપાવનારા આપણા વિજ્ઞાનીઓને આપણે બહુ માન આપીએ છીએ. એ લોકો નિ:સ્વાર્થભાવે દેશની સેવા કરે છે અને દેશનું ગૌરવ જ તેમના માટે સર્વોપરી છે એવું માનીએ છીએ પણ ઈસરોના ચીફ એસ. સોમનાથે તેમની આત્મકથામાં લખેલી વાતો વાંચ્યા પછી આ માન્યતાઓ અંગે ફેરવિચાર કરવો પડે એવી હાલત છે.
ચંદ્રયાન ૩ યાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કરાવીને દેશભરનાં લોકોમાં જાણીતા થયેલા સોમનાથની આત્મકથા ‘નિલાવુ કુડીચા સિંમ્હંગલ’ (ચંદ્રને ગટગટાવી જનારા સિંહો) પ્રકાશિત થઈ છે. આ આત્મકથામાં સોમનાથે ઈસરોના ભૂતપૂર્વ ચીફ કે સિવન વિશે જે કંઈ લખ્યું છે એ વાંચીને એવું જ લાગે કે, ભારતમાં નેતાઓ હોય કે વિજ્ઞાનીઓ, કાગડા બધે કાળા જ છે. આપણે જેમને દેશપ્રેમથી છલકતા માનીએ છીએ એવા વિજ્ઞાનીઓ પણ નેતાઓની જેમ ઈર્ષા, ટાંટિયાખેંચ વગેરેમાં રચ્યાપચ્યા રહે છે.
સોમનાથે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ઈસરોના ભૂતપૂર્વ ચીફ કે. સિવને તેમનું પ્રમોશન અટકાવ્યું હતું. સિવન ઈચ્છતા ન હતા કે હું ઈસરોનો વડો બનું. સોમનાથે એનો દાવો પણ કર્યો છે કે, ૨૦૧૮માં ઈસરોના ચીફ એ.એસ. કિરણ કુમાર નિવૃત્ત થયા ત્યારે પોતે તથા કે. સિવન ઈસરોના ચીફ બનવા માટે પ્રબળ દાવેદાર હતા પણ ઈસરોનું ચેરમેનપદ સિવનને મળ્યું.
સિવન એ વખતે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર હતા. ઈસરોના ચીફ બન્યા પછી તેમણે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દેવાનું હોય. પોતે સિવન જેટલા જ સિનિયર હોવાથી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટરપદ પર પોતાનો અધિકાર હતો. પોતે આ અંગે સિવનને કહેલું પણ ખરું પણ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટરપદેથી રાજીનામું આપવા સિવન તૈયાર નહોતા.
સોમનાથનો દાવો છે કે, પોતે આ મુદ્દો ઉઠાવતા ત્યારે સિવન જવાબ આપવાનું ટાળીને જતા રહેતા હતા. સોમનાથે આ અંગે ઉપર રજૂઆત કરીને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ભૂતપૂર્વ ડિરેક્ટર ડો. બી. એન. સુરેશની મદદ માગી હતી. સુરેશે આ મામલામાં દખલ કરી પછી છ મહિના પછી સોમનાથને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર બનાવાયા હતા.
સોમનાથે એવો દાવો પણ કર્યો છે કે, ઈસરોના ચેરમેનપદે ત્રણ વર્ષ પૂરાં કર્યા પછી પણ સિવન પોતાની મુદત વધે એવું ઈચ્છતા હતા. સિવન પોતાને ઈસરોના ચેરમેન પણ બનવા દેવા નહોતા માગતા તેથી ઈસરોના નવા ચેરમેનની પસંદગી કરવાની આવી ત્યારે સ્પેસ કમિશનમાં યુ.આર. રાવ સ્પેસ સેન્ટરના ડિરેક્ટરને લેવામાં આવ્યા હતા. સોમનાથે પોતાના પુસ્તકમાં એવો પણ દાવો કર્યો છે કે ચંદ્રયાન-૨ ચંદ્ર પર ઉતરાણ કરવાનું હતું એ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇસરો આવ્યા હતા અને તેમના સ્વાગત માટે તમામ ટોચના વિજ્ઞાનીઓને હાજર રખાયા હતા પણ પોતાને મોદીના સ્વાગતથી પણ દૂર રાખવામાં આવ્યા હતા.
સોમનાથે પોતાની આત્મકથામાં ચંદ્રયાન-૨ની નિષ્ફળતા માટે પણ સિવન પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. સોમનાથના કહેવા પ્રમાણે તો સિવને કિરણ કુમારના સમયમાં જ ચંદ્રયાન-૨ મિશનમાં કોઈને પૂછ્યા વિના ફેરફાર કરી દીધા હતા. સિવન ચંદ્રયાન-૨નો જશ ખાટવા માગતા હતા તેથી તેમણે ઉતાવળ કરાવી અને આ ઉતાવળના કારણે નિષ્ફળ ગયું. સોમનાથે એવો ચોંકાવનારો દાવો પણ કર્યો કે, ચંદ્રયાન ૨ મિશન પહેલાં જે ટેસ્ટ થવાના હતા તે બધા કરાયા જ નહોતા. એટલું જ નહીં પણ ચંદ્રયાન ૨ મિશન નિષ્ફળ ગયું ત્યારે પણ સિવને દેશથી સત્ય છૂપાવ્યું હતું. ચંદ્રયાન ૨ મિશનના સોફ્ટવેરમાં ખામી હતી એ વાત લોકો સામે મૂકવાના બદલે સિવને એવું કહેલું કે. ચંદ્રયાન-૨ સાથે સંપર્ક થઈ રહ્યો નથી. લેન્ડિંગ સમયે કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી તેથી ક્રેશ લેન્ડિંગ થશે એ નક્કી હતું પણ સિવને સત્ય કહેવાને બદલે એવી જાહેરાત કરી હતી કે લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી.
ચંદ્રયાન ૨ની નિષ્ફળતા પછી રચાયેલી તપાસ સમિતીએ નિષ્ફળતા માટે પાંચ કારણો આપેલાં ને તેમાં મુખ્ય કારણ સોફ્ટવેર એરર્સ અને એન્જિનના ઈલેક્ટ્રોનિક્સ એસેમ્બલિંગમાં ભૂલ હોવાનું અપાયેલું એવો પણ સોમનાથનો દાવો છે. સોમંનાથે બીજી ઘણી ટેકનિકલ વિગતો આપેલી ને તેનો સાર એ જ છે કે, સિવને મિશન અંગે ગણતરીમાં ભૂલો કરેલી તેમાં મિશન નિષ્ફળ ગયું.
સોમનાથના આક્ષેપો અત્યંત સ્ફોટક અને આઘાતજનક છે. સોમનાથની આત્મકથા બહાર પડતાં જ આ અંગે વિવાદ શરૂ થઈ ગયેલો કેમ કે સોમનાથે આડકતરી રીતે કેન્દ્ર સરકાર પર દોષારોપણ કર્યું છે અને સિવન પર તો દેશ સાથે ગદ્દારી કરવાનો જ આરોપ મૂકી દીધો છે. સોમનાથને આ વાતનો અંદાજ જ નહીં હોય પણ જેવી બબાલ થઈ કે તરત એ ફફડી ગયા.
સોમનાથે પોતાની આત્મકથા પાછી ખેંચવાનું એલાન કરી દીધું ને સાથે સાથે એવી સ્પષ્ટતા પણ કરી છે કે, મારી આત્મકથામાં મેં ઇસરો ચીફ બનવા સુધીની મારી સફર કહી છે. કોઈપણ સંસ્થામાં સર્વોચ્ચ હોદ્દા પર પહોંચતી દરેક વ્યક્તિને અનેક મુશ્કેલીઓ પડે છે, મારે પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને મેં જીવનમાં આવેલા આ પડકારો વિશે લખ્યું છે. મેં કોઈના પર અંગત ટિપ્પણી કરી નથી અને હું કોઈ વ્યક્તિની વિરુદ્ધ નથી.
સોમનાથ વિવાદથી દૂર ભાગવા માટે ભલે ગમે તે સ્પષ્ટતાઓ કરે પણ તીર છૂટી ગયું છે એ જોતાં તેમણે કહેલી વાતો પાછી લઈ શકાય તેમ નથી, પુસ્તક ભલે પાછું ખેંચી લેવાયું હોય. મોદી સરકારે આ વાતોને ગંભીરતાથી લેવી જોઈએ અને તપાસ કરાવીને સત્ય લોકો સામે મૂકવું જોઈએ. ચંદ્રયાન-૨ની નિષ્ફળતાની જાહેરાત વખતે કેમ ઈસરોએ કરેલી ભૂલો છૂપાવાઈ હતી તેની હકીકત જણાવવી જોઈએ કેમ કે આ દેશનાં લોકોને સત્ય જાણવાનો અધિકાર છે.
સોમનાથે કહ્યું છે તેમ ઈસરોમાં પણ ટાંટિયાખેંચ ચાલતી હોય તો એ શરમજનક કહેવાય પણ તેનો કોઈ ઈલાજ નથી.