એકસ્ટ્રા અફેર

ન્યુઝિલેન્ડ સામે સેમીમાં ટક્કરથી થોડો ઉચાટ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રમાઈ રહેલા વન ડે વર્લ્ડકપમાં ખરાખરીના જંગનો તખ્તો તૈયાર છે. ભારત રવિવારે નેધરલેન્ડ્સ સામે છેલ્લી લીગ મેચ રમ્યું પણ એ ઔપચારિકતા જેવી હતી. સેમિફાઈનલમાં કઈ ચાર ટીમ રમશે એ પહેલાં જ નક્કી થઈ ગયું હતું. ભારતીય ક્રિકેટ ચાહકો માટે નિરાશાના સમાચાર એ છે કે, પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ ૨૦૨૩માંથી બહાર થઈ ગઈ છે તેથી સેમિફાઈનલમાં પાકિસ્તાન સામે મુકાબલો નહીં થાય. સેમી ફાઈનલમાં ભારતની ટક્કર ન્યુઝિલેન્ડ સામે થશે જ્યારે બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ટકરાશે.

આમ તો શ્રીલંકા સામે મોટી જીત મેળવીને ન્યૂઝિલેન્ડે વનડે વર્લ્ડ કપ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ પાકું કરી જ લીધું હતું, ન્યુઝિલેન્ડે પહેલાં શ્રીલંકાને માત્ર ૧૭૨ રનમાં ઓલઆઉટ કર્યું ને પછી તોફાની બેટિંગ કરીને વિકેટો પડે તેની પરવા કર્યા વિના ૨૩.૨ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને શ્રીલંકાને ૫ વિકેટે હરાવ્યું પછી તેનો નેટ રન રેટ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં ઘણો સારો થઈ ગયો હતો.

આમ તો ન્યૂઝિલેન્ડની જીત સાથે નક્કી થઈ ગયેલું કે, પહેલી સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. ૧૫ નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે ૨ વાગ્યાથી રમાનારી સેમિફાઈનલમાં રોહિત શર્માની ટીમ કેન વિલિયમસનની ટીમ સામે ટકરાશે એ નક્કી હતું પણ ટેક્નિકલી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને પાસે સેમિફાઈનલમાં આવવાની તક હતી.

પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચમાં ઈંગ્લેન્ડ સામે ૨૮૭ રનથી જીતે અથવા અફઘાનિસ્તાન તેની છેલ્લી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ૪૩૮ રનથી જીતે તો જ તેઓ સેમિફાઇનલમાં પહોંચી શકશે. આમ તો ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા એ બંને ટીમો ઈતિહાસમાં ક્યારેય આટલા મોટા માર્જિનથી હારી નહોતી તેથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને ફેંકાઈ ગયાં ને સેમિફાઈનલમાં ન્યૂઝિલેન્ડ રમશે એ નક્કી હતું પણ ક્રિકેટમાં કંઈ કહેવાય નહીં તેથી મેચ ના પતે ત્યાં સુધી રાહ જોવા સિવાય છૂટકો નહોતો.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ પાકિસ્તાન પાસે સેમિફાઈનલમાં પ્રવેશવાની તક વધારે હતી કેમ કે ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની જીતનાં સમીકરણ થોડાં સરળ હતાં. પાકિસ્તાનની ટીમ બીજી બેટિંગ કરે તો જે પણ ટાર્ગેટ મળે એ ૩૮ બોલમાં ચેઝ કરવાનો હતો પણ એ શક્ય ના બને પણ બીજું સમીકરણ એ હતું કે, પાકિસ્તાન પહેલી બેટિંગ કરીને પછી ૨૮૭ રનથી જીતે તો પણ સેમિફાઈનલમાં પ્રવેશી શકે.

પાકિસ્તાન પાસે એવો સ્ફોટક બેટ્સમેન છે કે જે તોફાની બેટિંગ કરીને ૪૦૦ કરતાં વધારે રનનો સ્કોર ઊભો કરી શકે. પાકિસ્તાન પાસે એવા બોલરો પણ છે કે જે સામેની ટીમને ૧૦૦ રનની અંદર ખખડાવી શકે એ જોતાં પાકિસ્તાન પાસે ચોક્કસ તક હતી પણ પાકિસ્તાનનું ફોર્મ જોતાં કોઈને આશા નહોતી એ પણ એટલું જ સાચું છે. પાકિસ્તાનના ક્રિકેટરોને જ વિશ્ર્વાસ નહોતો કે પાકિસ્તાન ટીમ કંઈક કરી શકશે.

પાકિસ્તાનના મહાન ક્રિકેટર વસીમ અકરમે તો કટાક્ષ કરેલો કે, પાકિસ્તાને સેમિફાઈનલ રમવું હોય તો એક જ ફોર્મ્યુલા છે. પાકિસ્તાન પહેલાં બેટિંગ કરીને સારો સ્કોર કરે અને પછી ઈંગ્લેન્ડની આખી ટીમને ૨૦ મિનિટ માટે ડ્રેસિંગ રૂમમાં બંધ કરી દે કે જેથી ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓને ટાઇમઆઉટ આપવામાં આવે તો પાકિસ્તાન હજુ પણ સેમિફાઈનલમાં પહોંચી શકે છે. શ્રીલંકાના એન્જેલો મેથ્યુસને ટાઈમઆઉટ આપવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ બેટ્સમેન ટાઇમઆઉટ થયો હોય એવી આ પહેલી ઘટના હતી ને એ સંદર્ભમાં અકરમે કટાક્ષ કર્યો હતો.

ટૂંકમાં વાત એટલી જ હતી કે, પાકિસ્તાન પહેલાં જ ફેંકાઈ ગયું છે ને છેલ્લી લીગ મેચમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે ધોળકું ધોળીને સીધા જ બહાર નીકળી જવાનો રસ્તો અપનાવ્યો. કોલકાતામાં ઇંગ્લેન્ડે ૩૩૭ રન બનાવ્યા પછી પાકિસ્તાન ૪૩.૩ ઓવરમાં ૨૪૪ રનમાં ઓલઆઉટ થઈ જતાં ૭૦ રને હારીને સાવ ફેંકાઈ ગઈ. ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ૩૩૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનને સેમિફાઈનલમાં પહોંચવા માટે ૩૮ બોલમાં ટાર્ગેટને ચેઝ કરવાનો હતો કે જે શક્ય નહોતું તેથી આથી મેચનું પરિણામ આવે તે પહેલાં જ પાકિસ્તાનની ટીમ ફેંકાઈ જ થઈ ગઈ હતી.

પાકિસ્તાન તો ગયું પણ હવે આપણું શું થશે એ સવાલ છે. ભારતે પહેલી વાર વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની તમામ મેચો જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે તેથી ભારતીય ચાહકોની અપેક્ષાઓ બહુ વધારે છે પણ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે રમવાનું છે તેથી થોડો તણાવ પણ છે. ન્યુઝિલેન્ડ વર્લ્ડકપમાં ભારત પર હાવી થઈ જાય છે તેથી ક્રિકેટ ચાહકોનો ઉચાટ સમજી શકાય એવો છે.

આ વખતે ભારત અને ન્યૂઝિલેન્ડ સતત બીજી વખત વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટકરાશે. ૨૦૧૯માં પણ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ રમાઈ હતી. એ વખતે પણ ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતું અને ન્યૂઝિલેન્ડ ચોથા નંબરે હતું પણ ન્યૂઝિલેન્ડે માન્ચેસ્ટરમાં રમાયેલી સેમિફાઇનલ ૧૮ રનથી જીતીને આપણને ફેંકી દીધા હતા. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી મેચમાં આપણા ટોપ બેટ્સમેન ના ચાલ્યા તેમાં આપણે ફેંકાઈ ગયેલા.

ન્યૂઝિલેન્ડનો આઈસીસીની ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં ભારત સામે દેખાવ સારો છે. આઈસીસીની નોકઆઉટ મેચમાં આ વખતે ભારત અને ન્યૂઝિલેન્ડ ચોથી વખત ટકરાશે. આ પહેલાં અલગ-અલગ ટૂર્નામેન્ટની ત્રણ નોકઆઉટ મેચ બંને વચ્ચે રમાઈ છે ને ત્રણેય વખત ન્યૂઝિલેન્ડ જીત્યું હતું. ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમી ફાઈનલ અને બે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ન્યૂઝિલેન્ડ સામે હાર્યું છે. ૨૦૨૧ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ન્યૂઝિલેન્ડે ભારતને હરાવ્યું હતું.

જો કે ભારત માટે એક સારી વાત એ છે કે, આ વખતે ભારતે ન્યૂઝિલેન્ડને વર્લ્ડ કપમાં છેલ્લાં ૨૦ વર્ષથી નહીં હરાવી શક્યાનો સિલસિલો તોડ્યો છે. ભારત ઘરઆંગણે રમી રહ્યું છે તેનો ફાયદો ભારતને મળ્યો છે ને એ ફાયદો સેમિફાઈનલમાં પણ મળે એવી આશા વધારે પડતી નથી. ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં પણ છે એ જોતાં ન્યૂઝિલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશવું જરાય કપરું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button