એકસ્ટ્રા અફેર

બેંગલુરુ જેવી હાલત કોઈ પણ શહેરની થઈ શકે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

હમણાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે તેથી એક બહુ મોટા સમાચાર તરફ લોકોનું બહુ ધ્યાન ગયું નથી. દેશમાં વસતીની રીતે ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર બેંગલુરુમાં અત્યારે લોકોને પીવા કે વાપરવા માટે પાણીનાં વલખાં થઈ ગયાં છે તેમાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.

બેંગલુરૂમાં પાણીનો કકળાટ બહુ જૂનો છે પણ હવે પાણીની કટોકટી વધુ ઘેરી બનતાં બેંગલુરુના ૧.૪ કરોડ લોકો પાણી માટે રીતસરનાં વલવલી રહ્યાં છે. મોટા ભાગની હાઉસિંગ સોસાયટીઓમાં સવાર-સાંજ ૪-૪ કલાક પાણીપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને પાણીના અભાવે લોકોએ શહેરમાંથી હિજરત શરૂ કરી દીધી છે.

કર્ણાટકમાં કૉંગ્રેસની સરકાર છે ને સિદ્ધારામૈયા મુખ્યમંત્રી છે પણ સિદ્ધારામૈયાના ઘરે જ પાણી આવતું નથી તેથી ટેન્કરથી મંગાવવું પડે છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના ઘરનો બોરવેલ પણ સુકાઈ ગયો છે એટલે એ પણ ટેન્કરના ભરોસે છે. મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીએ તો સરકારી ખજાનામાંથી ખર્ચ કરવાનો છે એટલે એ તો રોજનાં પચાસ ટેન્કર મંગાવે તો પણ તેમને કંઈ નડવાનું નથી પણ સામાન્ય લોકોની હાલત બગડી ગઈ છે.

ટેન્કરમાલિકો ગરજનો લાભ લઈને લોકોને બેફામ લૂંટી રહ્યા છે. પહેલાં ૫,૦૦૦ લિટરના ટેન્કર માટે રૂપિયા ૫૦૦ લેતા હતા એને બદલે રૂપિયા ૨,૦૦૦ વસૂલી રહ્યા છે. ચાર માણસના પરિવારમાં ૫૦૦૦ લિટર પાણી તો ત્રણ દિવસમાં વપરાઈ જાય એ જોતાં લોકોનું મહિનાનું પાણીનું બિલ જ ૨૦ હજાર રૂપિયા પર પહોંચી ગયું છે. બેંગલુરૂમાં કુલ ૧૧ હજાર જેટલા બોરવેલ છે અને તેમાંથી ૩૭૦૦ બોરવેલ સુકાઈ ગયા છે તેથી લોકોએ ટેન્કરો મંગાવ્યા વિના અને આ બોજ સહન કર્યા વિના છૂટકો નથી.

પાણીની તંગીથી લોકો એ હદે પરેશાન છે કે, ઘણી સોસાયટીઓએ તો દરેક રહીશને અડધી ડોલ પાણીમાં જ નાહી લેવાની ને શૌચ પ્રક્રિયા પતાવી દેવાની સૂચના આપવી પડી છે. સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટીઓ, કંપનીઓએ પાણી બચાવવાનાં અભિયાન શરૂ કરવાં પડ્યાં છે. નળમાં પાણી બચાવવાનાં ઉપકરણો લગાવવાથી માંડીને કપડાં અને વાસણો ધોવા માટે સામૂહિક રીતે કેનનો ઉપયોગ કરવા સુધીના પ્રયોગો લોકો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો મુખ્યમંત્રી સિદ્ધા રમૈયાને વિનંતી કરી રહ્યા છે કે, વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરે કે જેથી બેંગલુરૂમાંથી લોકો પોતાના વતન જઈને કામ કરે તો શહેર પર ભારણ ઘટે. બેંગલુરૂમાં ૬૭ હજાર આઇટી કંપનીઓ છે અને આ કંપનીના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ ફરજિયાત કરી દેવાય તો લાખો લોકો શહેરની બહાર જઈને કામ કરે તો પાણીની કટોકટી ઓછી થાય. એ જ રીતે કોચિંગ સેન્ટર્સ અને સ્કૂલો પણ બાળકોને સ્કૂલમાં બોલાવવાને બદલે ઘરેથી જ ક્લાસ લે એવો આદેશ આપવાની પણ લોકો વિનંતી કરી રહ્યા છે.

કર્ણાટકની સરકાર આ સમસ્યાનો કઈ રીતે ઉકેલ લાવે છે એ જોવાનું રહે છે પણ બેંગલુરૂમાં પાણીની તંગીએ આપણે હજુ નહીં જાગીએ તો ભવિષ્યમાં આપણી શું હાલત થશે તેનું ટ્રેલર છે. ભારતમાં બેંગલુરુ પહેલું શહેર નથી કે જે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું હોય.ચેન્નઈમાં ૨૦૧૯માં પાણીની ગંભીર કટોકટીમાંથી સર્જાઈ હતી અને સ્થિતિ એવી થઈ ગઇ.લી કે વોટર ટ્રેન દ્વારા પાણી પહોંચાડવું પડ્યું હતું. દેશના છઠ્ઠા સૌથી મોટા શહેર ચેન્નઈને જે ચાર જળાશયમાંથી પાણીપુરવઠો મળે છે એ સુકાઈ ગયાં.. બીજી તરફ ચોમાસામાં વિલંબને કારણે જળાશય ભરાયાં નહીં તેમાં કટોકટી વકરી હતી. આ કારણે રાજ્ય સરકારે દરરોજ ટ્રેન દ્વારા ૧ કરોડ લિટર પાણીનો ઓર્ડર આપવો પડતો હતો અને ૬૬ કરોડ રૂપિયાનું આંધણ કરવું પડ્યું હતું.

દક્ષિણ ભારતના બીજા મોટા શહેર હૈદરાબાદમાં પણ પાણીનું સંકટ ઘેરું બન્યું છે કેમ કે હૈદરાબાદને પાણી પૂરું પાડતાં નાગાર્જુન સાગર જળાશય અને યેલમપલ્લી જળાશયમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. તેના કારણે ઘણા વિસ્તારોમાં પાણીના ટેન્કરની માગ અચાનક ૧૦ ગણી વધી ગઈ છે. ઘણા વિસ્તારમાં પાણીની કટોકટી સામે લોકો રસ્તા પર ઊતરી વિરોધ કરી રહ્યા છે.

આ તો બે શહેરોની વાત કરી પણ મોટા ભાગનાં શહેરોમાં આ જ હાલત છે. નીતિ આયોગે તાજેતરના રિપોર્ટમાં ચેતવણી આપી જ છે કે, ૨૦૩૦ સુધીમાં ભારતનાં લગભગ ૧૦ શહેરો ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યાં હશે. જયપુર, દિલ્હી, બેંગલુરુ, ગાંધીનગર, ગુરુગ્રામ, ઈન્દોર, અમૃતસર, લુધિયાણા, હૈદરાબાદ, ચેન્નઈ, ગાઝિયાબાદ આ દસ શહેરોની હાલત બેંગલુરુ જેવી જ થઈ જશે એવું આ રિપોર્ટમાં કહેવાયું છે.

આ સ્થિતિ કેમ સર્જાઈ રહી છે એ કહેવાની જરૂર નથી. આપણા શાસકો પાસે વોટર મેનેજમેન્ટની સૂઝ જ નથી ને તેની આ મોંકાણ છે. આપણે ત્યાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડે છે પણ ભવિષ્યમાં તેનો ઉપયોગ લોકોના ભલા માટે કરી શકાય તેવી વ્યવસ્થા કરવાની બુદ્ધિ જ શાસકોમાં નથી. આપણા શાસકો શહેરોનો અંધાધૂંધ વિકાસ કરવા માટે નવી નવી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપે છે, બહારથી લોકો આડેધડ શહેરોમાં ઠલવાય તેમને રોકતા નથી પણ આ લોકોને પીવા કે વાપરવા માટે પાણી ક્યાંથી મળશે તેની કોઈ જ વ્યવસ્થા વિચારાતી નથી. તેના કારણે ધીરે ધીરે મોટા ભાગનાં શહેરોમાં પાણીના સ્રોત સુકાઈ ગયા છે ને લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે.

આ સમસ્યાના ઉકેલ માટે આપણાં શહેરોમાં સૌથી પહેલાં તો વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ માટેના અલગ તંત્ર ઉભાં કરવાં પડે. વોટર મેનેજમેન્ટમાં સૌથી મહત્ત્વની બાબત વરસાદી પાણીનો સંગ્રહ છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે તમામ સોસાયટીઓ ફરજિયાત વ્યવસ્થા કરે ને એ વ્યવસ્થા ના કરનારને બિલ્ડિંગ યુઝ પરમિશન ના મળે એવું હોવું જોઈએ. દરેક બહુમાળી મકાનોમાં એવી વ્યવસ્થા કરવી જોઈએ કે વરસાદના એક એક ટીપા પાણીનો સંગ્રહ કરી શકાય. શહેરોમાં સેંકડો કૂવા અવાવરૂ પડ્યા હોય છે. આ કૂવાઓમાં વેલ રીચાર્જિંગ કરવું પડે. વરસાદનું પાણી વૈજ્ઞાનિક ઢબે કૂવાઓમાં ઊતારવામાં આવે તો કૂવા ફરી જીવંત બને. ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે. શહેરોમાં બોરવેલ નિષ્ફળ ના જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button