એકસ્ટ્રા અફેર

હિટ એન્ડ રનનો નવો કાયદો અમલી બનાવવો જ પડે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કોઈ પણ સરકાર લોકોના હિત માટે કોઈ કાયદો બનાવે તો એ સારી વાત કહેવાય પણ ભારતમાં સરકાર આવો કાયદો બનાવે તો પણ લોકોને વાંધો પડી જાય છે. તેનું કારણ એ છે કે, જેમને આ કાયદો લાગુ પડે છે એ લોકોને કાયદાનો દુરુપયોગ થવાનો ભય હોય છે. આ ભય પણ અકારણ નથી કેમ કે આપણે ત્યાં કાયદાનો ભયંકર દુરુપયોગ નવી વાત નથી. આ સંજોગોમાં કરવું તો શું કરવું એવી મૂંઝવણ પેદા થઈ જતી હોય છે.

મોદી સરકારે ઈન્ડિયન પિનલ કોડ સહિતના જૂના ત્રણ કાયદાના સ્થાને નવા કાયદા બનાવ્યા તેમાં હિટ એન્ડ રનના કેસમાં નવો કાયદો બનાવ્યો તેમાં એવું જ થયું છે. નવા કાયદામાં હિટ એન્ડ રન બદલ ૧૦ વર્ષની જેલની સજા સાત લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરાઈ તેમાં ટ્રકચાલકો ભડકી ગયા છે અને હડતાળ પર ઉતરી ગયા છે. સોમવારથી આ હડતાળ શરૂ થઈ છે તેથી તેની અસર આખા દેશમાં નથી વર્તાઈ પણ ઘણાં રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની હેરફેરને અસર થવા માંડી છે. તેના કારણે આ ચીજોની અછત સર્જાવા માંડી છે અને ભાવો પણ ઉંચકાવા માંડ્યા છે તેમાં લોકોનો મરો થઈ રહ્યો છે.

ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસે પોતે કોઈ હડતાળ પાડી નથી હિટ એન્ડ રન કેસમાં કાયદાની નવી જોગવાઈઓના વિરોધમાં દેશભરમાં ટ્રક-ડ્રાઇવરોએ પોતે જ વાહનો ચલાવવાનો ઈનકાર કરી દીધો છે. ડ્રાઈવરો જાતે જ વાહનો રોડ પર મૂકીને નીચે ઊતરી રહ્યા છે અને બીજાને પણ ચલાવવા દેતા નથી. તેના કારણે હાઈવે પર પણ ટ્રકોની લાઈનો લાગવા માંડી છે. પરિણામે થોડા દિવસો પછી ટ્રાફિક જામની નવી સમસ્યાઓ પણ શરૂ થશે.

માત્ર ટ્રક ડ્રાઈવરો જ હડતાળ પર છે એવું નથી. ઘણાં શહેરોમાં તો બસ, સ્કૂલ વાન સહિતના વાહનોના ડ્રાઈવરો પણ હડતાળ પર છે કેમ કે હિટ એન્ડ રનનો કાયદો બધા ડ્રાઈવરોને લાગુ પડે છે. મધ્ય પ્રદેશમાં તો પબ્લિક ટ્રામ્સપોર્ટેશનની બસોના ડ્રાઈવરો પણ હડતાલ પર જતા રહ્યા છે. તેના કારણે ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, જબલપુર સહિતનાં શહેરોના બસ સ્ટેન્ડ પરથી બસો જ ઉપડી નથી. આ ઉપરાંત સ્કૂલ બસ અને સ્કૂલવાન બંધ હોવાથી ઘણી શાળાઓમાં રજા જાહેર કરવી પડી છે.

નવો કાયદો ટ્રક-ડ્રાઈવરો જ નહીં પણ બસ, ટેક્સી અને ઓટો-ડ્રાઈવરોને પણ લાગુ પડે છે તેથી એ લોકો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. નવા નિયમો તમામ ખાનગી વાહનચાલકોને સમાન રીતે લાગુ પડશે એ જોતાં હવે પછી બીજાં રાજ્યોના બસ, ટેક્સી અને ઓટો-ડ્રાઈવરો પણ હડતાળમાં જોડાશે તો દેશભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ, સ્કૂલ વાન, બસ વગેરે બંધ થઈ જશે તો ભારે અરાજકતા સર્જાઈ જશે.

આ મુદ્દો પેચીદો છે અને તેને સમજવા માટે હિટ એન્ડ રનની જૂની જોગવાઈ શું હતી ને નવી જોગવાઈ શું છે એ સમજવું જરૂરી છે. હિટ એન્ડ રન એટલે શું એ સમજાવવાની જરૂર નથી પણ કાયદાની પરિભાષામાં હિટ એન્ડ રન કોને કહેવાય એ સમજી લઈએ. વાહન બીજા વાહનને કે વ્યક્તિને ટક્કર માર્યા બાદ સ્થળ પરથી ભાગી જાય અને પોલીસ સમક્ષ હાજર ના થાય તેને ‘હિટ એન્ડ રન’ કેસ ગણવામાં આવે છે. મતલબ કે ડ્રાઈવર અકસ્માત કર્યા પછી તેની જવાબદારી સ્વીકારે નહીં ને અકસ્માતને છૂપાવે તેને હિટ એન્ડ રન કહેવાય.

હિટ એન્ડ રનના કેસમાં જૂના કાયદા પ્રમાણે, ડ્રાઇવરની ઓળખ કર્યા પછી તેના પર ઈન્ડિયન પીનલ કોડ (ઈંઙઈ)ની કલમ ૨૭૯, ૩૦૪અ અને ૩૩૮ લગાવાતી હતી. કલમ ૨૭૯ બેદરકારીથી ડ્રાઇવિંગ માટે હતી, ૩૦૪અ બેદરકારી દ્વારા કોઈનું મૃત્યુ નિપજાવવા માટે હતી અને ૩૩૮ કોઈના જીવનને જોખમમાં મૂકવા માટે હતી. આ ત્રણ કલમો હેઠળ હેઠળ કેસ નોંધવામાં આવે અને તેનો અપરાધ સાબિત થાય તો બે વર્ષની જેલની જોગવાઈ હતી. આ કેસમાં જામીન પણ મળતા હતા.

નવા કાયદો પ્રમાણે, કોઈ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે અને ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ જાય તો તેને ૧૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત સાત લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. ભારતીય ન્યાય સંહિતામાં હિટ એન્ડ રનના કેસમાં ‘બેદરકારીથી મૃત્યુ’ અંગે કરાયેલી વિશેષ જોગવાઈ પ્રમાણે ડ્રાઇવર પૂરપાટ ઝડપે વાહન ભગાવીને બેદરકારી દાખવીને અકસ્માત સર્જે અને કોઈનું મૃત્યુ થાય પછી ડ્રાઇવર પોલીસ અથવા મેજિસ્ટ્રેટને જાણ કર્યા વિના ભાગી જાય તો એ દોષિત ગણાય.

આ કાયદો બનાવવા પાછળનો ઉદ્દેશ અકસ્માત કર્યા પછી ડ્રાઈવરોને ભાગી જતા રોકવાનો છે કેમ કે હિટ એન્ડ રનના કેસમાં દરેક વાર અકસ્માત થાય કે તરત વ્યક્તિ મરી જતી નથી. ઘણી વખત ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હૉસ્પિટલમાં લઈ જવામાં આવે અને સમયસર સારવાર મળે તો બચી જાય. કેટલાક કિસ્સામાં પ્રાથમિક સારવાર મળે તો પણ તેને બચાવી શકાય છે તેથી ડ્રાઈવરો ભાગવાના બદલે ઘાયલ તરફ ધ્યાન આપે.

આ ઉદ્દેશ શુભ છે તેમાં શંકા નથી પણ ડ્રાઈવરોની દલીલ પણ સાંભળવા જેવી છે. તેમનું કહેવું છે કે, અકસ્માત સર્જાય ત્યારે આપણે ત્યાં ઉશ્કેરાટનો માહોલ હોય છે. લોકો સમજ્યા વિના ડ્રાઈવરને ધિબવા જ માંડે છે. આ સંજોગોમાં ડ્રાઈવર માનવતા બતાવીને ઘાયલને મદદ કરવા જાય તો પોતે જ પતી જાય એવી હાલત થઈ જતી હોય છે ત્યારે ડ્રાઈવર પોતાનો જીવ બચાવે કે માનવતા બતાવે? ડ્રાઈવર પાસે પોલીસ કે મેજિસ્ટ્રેટ પાસે હાજર થવાનો વિકલ્પ છે પણ તેમાં પણ પોલીસ કઈ રીતે વર્તશે એ ખબર નથી. પોલીસ પૈસા પડાવવા માટે હાજર થયા હોવા છતાં હિટ એન્ડ રનનો કેસ કરીને ફિટ કરી દે એવું પણ બને. આપણી પોલીસના કાર્યપદ્ધતિ જોતાં આ વાત ખોટી પણ નથી.

આ સમસ્યાનો ઉકેલ શું? કોઈ જ નહીં. ને કોઈ ઉકેલ ના હોય ત્યારે સરકારે બહુમતી લોકોનું ભલું વિચારવું જોઈએ, મતલબ કે નવા કાયદાનો અમલ કરાવવો જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?