એકસ્ટ્રા અફેર

તમિલ ભાષા-સંસ્કૃતિના નામે રાજકીય ફાયદાનો ખેલ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

તામિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેના સાંસદ એ. રાજા ફરી પાછા વરતાયા છે. રાજાએ ભારતને એક દેશ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરીને દાવો કર્યો કે, ભારત ક્યારેય એક દેશ નહોતો કેમ કે એક ભાષા, એક સંસ્કૃતિ અને એક પરંપરાથી કોઈ પણ દેશ બને છે પણ ભારતમાં એક ભાષા, એક સંસ્કૃતિ અને એક પરંપરા નથી. ભારતમાં ઘણી બધી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે તેથી વાસ્તવમાં ભારત એક ઉપખંડ છે. રાજાના મતે, કેરળ, ઓડિશા, તામિલનાડુ વગેરે દેશો છે કે જ્યાં એક ભાષા અને એક સંસ્કૃતિ છે. આ બધા દેશો મળીને ભારત બનાવે છે તેથી ભારત એક દેશ નથી પણ એક ઉપખંડ છે.

રાજાએ હિંદુ ધર્મ વિશે પણ કેટલીક વાતો કરી છે. રાજાનું કહેવું છે કે, આપણે બધા રામના દુશ્મન છીએ અને મને રામાયણ અને ભગવાન રામમાં વિશ્ર્વાસ નથી. ભગવાન હનુમાનની સરખામણી વાનર સાથે કરીને રાજાએ ‘જય શ્રીરામ’ના નારાને પણ અસ્વીકૃત ગણાવ્યા છે. એ. રાજા આ પહેલાં પણ આ પ્રકારના લવારા કરી ચૂક્યા છે. ગયા વર્ષે રાજાએ ચેન્નઈમાં એક કાર્યક્રમમાં સનાતન ધર્મની તુલના એચઆઈવી અને રક્તપિત્ત સાથે કરી હતી.

તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનના પુત્ર અને પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ, મલેરિયા અને કોરોના સાથે કરી હતી. ઉદયનિધિએ સનાતન ધર્મ વિશે કહ્યું હતું કે મચ્છર, ડેન્ગ્યુ, તાવ, મલેરિયા અને કોરોના એવી કેટલીક બાબતો છે જેનો માત્ર વિરોધ ના કરવો જોઈએ પણ તેને ખતમ કરવો જોઈએ. સનાતન ધર્મ જ્ઞાતિવાદ અને ભેદભાવ પર આધારિત છે તેથી તેને ખતમ કરી દેવો જોઈએ.

ઉદયનિધિના નિવેદનના કારણે વિવાદ ઊભો થયો હતો ત્યારે એ. રાજાએ કહેલું કે, મલેરિયા અને ડેન્ગ્યુ ધિક્કારપાત્ર નથી કે તેમને સામાજિક કલંક માનવામાં આવતા નથી પણ અમે રક્તપિત્ત અને એચઆઈવીને નફરતથી જોઈએ છીએ. સનાતન ધર્મને પણ આવા જ એક રોગ તરીકે જોવો જોઇએ. એચઆઈવી અને રક્તપિત્તની જેમ આપણે સનાતન ધર્મને પણ નાબૂદ કરવો પડશે.

ઉદયનિધિ અને રાજાના પગલે ડીએમકેના બીજા નેતાઓએ પણ આ પ્રકારની વાતો કરી છે. ડીએમકેના નેતા હિંદુત્વ કે સનાતન ધર્મ વિરુદ્ધ લવારા કરી રહ્યા છે તેનું કારણ તેમનો પોતાનો ગરાસ લૂંટાઈ જવાનો ડર છે. ડીએમકે સહિતના તમિલનાડુના મોટા ભાગના પક્ષોએ દ્રવિડીયન સંસ્કૃતિના નામે હિંદુ અને હિંદી વિરોધી માનસિકતાને પ્રબળ બનાવી છે. આ માનસિકતાના જોરે તેમણે સત્તા ભોગવી છે અને આ સત્તાને સાચવવા એ લોકો આ માનસિકતાને વધારે ને વધારે પ્રબળ બનાવ્યા કરે છે. આ એક વિષચક્ર છે કે જેમાં તમિલનાડુની પ્રજા ફસાયેલી છે.

ડીએમકે સહિતના પક્ષો તમિલ પ્રજાના માનસમાં એક વાત ઠસાવવામાં સફળ રહ્યા છે કે, તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિ આ દેશમાં સૌથી જૂની છે તેથી શ્રેષ્ઠ છે, સર્વોપરિ છે. હિંદુવાદીઓ પોતાની ભાષા અને સંસ્કૃતિ થોપીને તમિલ ભાષા અન સંસ્કૃતિનો નાશ કરવા માગે છે તેથી તેમને તમિલનાડુમાં ઘૂસવા ના દેવાય. તમિલોના માનસમાં હિંદી તરફ નફરત પેદા કરવામાં પણ આ લોકો સફળ થયા છે. કોઈ પણ ભાષા શીખવી સારી વાત કહેવાય પણ આ હલકાઓનો કારણે તમિલો હિંદી ભાષાના નામથી પણ ભડકે છે. હિંદી ભાષાને તમિલનાડુમાં શીખવવાના પ્રયત્ન કરાય તો પણ તેને તમિલ ભાષા અને સંસ્કૃતિ પર આક્રમણ ગણાવી દેવાય છે.

આ માનસિકતા વરસોથી છે ને પહેલાં કૉંગ્રેસને તમિલ સંસ્કૃતિની નાશક ગણાવાતી હતી. હવે ભાજપ પ્રબળ બન્યો છે તેથી ભાજપને નિશાન બનાવાય છે. બહુમતી પ્રજા પણ આ વાત માની લે છે તેથી તમિલ ભાષા અને સંસ્કૃતિના નામે બબાલો થયા જ કરે છે.

કમનસીબે હિંદુવાદીઓ પણ તમિલ પ્રજાની આ માનસિકતાને પોષવામાં યોગદાન આપે છે. સનાતન ધર્મ અને હિંદુત્વના પ્રતીકોને તમિલો પર થોપવાની મથામણ હિંદુવાદીઓ દ્વારા ભરપૂર થાય છે. તેના કારણે રાજા જેવા લોકોને તક મળી જાય છે ને સરવાળે દેશમાં વિભાજન વધતું જાય છે.

આ સ્થિતિનો ઉપાય શું?
ભાજપ અને હિંદુવાદી પરિબળોએ તમિલ ભાષા સૌથી જૂની છે, તમિલ સંસ્કૃતિ મહાન છે એ સહજતાથી સ્વીકારવું જોઈએ. તમિલ સંસ્કૃત કરતાં પણ જૂની ભાષા છે તેમાં બેમત નથી. તમિલ સાહિત્ય, કલા વગેરે પણ અત્યંત સમૃદ્ધ છે તેમાં બેમત નથી. આ વાત સહજતાથી સ્વીકારવી જોઈએ. સનાતન ધર્મ કે હિંદુત્વ સર્વશ્રેષ્ઠ છે, એ જ સંસ્કૃતિ શ્રેષ્ઠ છે અને આ દેશના બધાં લોકોએ તેને અનુસરવું જોઈએ એ વાત બાજુ પર મૂકવી જોઈએ.

તમિલ પ્રજા પર સનાતન ધર્મ કે હિંદુત્વ થોપવા જશો તો તેનાં રીએક્શન આવવાનાં છે. તેના બદલે તમિલ ભાષા અને સંસ્કૃતિમાં જે શ્રેષ્ઠ છે તેને અપનાવવાની તરફેણ કરવી જોઈએ. તમિલ ભાષા અને સંસ્કૃતિ પણ ભારતીયતાનો ભાગ છે, આ ભૂમિમાં જ પેદા થયેલાં છે એ જોતાં તેની મહત્તાને સ્વીકારવામાં કશું ખોટું નથી. આ દેશમાં એક જ સમયે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં બે સમાંતર સંસ્કૃતિઓ વિકસી એ વાતનો સ્વીકાર કરવામાં સનાતન કે હિંદુત્વનું ગૌરવ ઘટવાનું નથી.

રાજા દેશની વ્યાખ્યા ક્યાંથી લઈ આવ્યા તેની તેમને જ ખબર પણ તેનાથી બહુ ફરક પડતો નથી. એક ભાષા. એક સંસ્કૃતિ અને એક પરંપરાના લોકોમાં પણ ઘણું બધું અલગ હોય છે. ભારતમાં પણ એ સ્થિતિ છે પણ તેના કારણે ભારત રાષ્ટ્ર નથી એવું કહેવું મૂર્ખામીની ચરમસીમા છે. આ મૂર્ખામી રાજા જેવા લોકોને મુબારક, ભારતને કોઈ ફરક પડતો નથી.

રાજા સહિતના લોકો આ મુદ્દાને તમિલનાડુમાં રાજકીય મુદ્દો બનાવીને સત્તા માટે ઉપયોગ કરે છે. ભાજપે એ તક ના આપવી જોઈએ. ભાજપે હિંદુત્વ કે સનાતન ધર્મની વાત કરવાના બદલે મોદી સરકારે કરેલા વિકાસની વાત કરવી જોઈએ. તમિલનાડુ વરસોથી મુખ્ય રાષ્ટ્રીય પ્રવાહથી અલગ રહ્યું તેના કારણે શું નુકસાન થયું તેની વાત કરવી જોઈએ. તમિલ પ્રજાના માનસમાં જે ઝેર વરસોથી રેડાયેલું છે તેને કાઢવાનો ઉપાય રાજકીય રીતે ભાજપ મજબૂત બને અને આ ઝેર રેડનારા સત્તાથી દૂર થાય તેના સિવાય બીજો કોઈ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button