રાજ્યપાલોની ટીકા મુદ્દે સુપ્રીમનું વલણ ના બદલાય તો સારું
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
હમણાં પાંચ રાજ્યોની ચૂંટણીનો માહોલ છે અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ પણ ચાલે છે તેથી તેના સમાચારો છવાયેલા છે. આ કારણે એક મહત્ત્વના સમાચારને બહુ મહત્ત્વ ના મળ્યું. આપણે ત્યાં લાંબા સમયથી ભાજપ વિરોધી પક્ષોની રાજ્ય સરકારો અને રાજ્યપાલો વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરે છે. રાજ્યપાલો પોતાના કામમાં દખલ કરે છે અને કેન્દ્ર સરકારના ઈશારે પોતાને પરેશાન કરે છે એવી ફરિયાદ ભાજપ વિરોધી પક્ષોના મુખ્ય પ્રધાનો વારંવાર કરે છે.
વાત માત્ર પરેશાની કે કનડગતની ફરિયાદ પૂરતી હોત તો વાંધો નહોતો પણ ભાજપ વિરોધી પક્ષોના મુખ્ય પ્રધાનોનું એવું પણ કહેવું છે કે, રાજ્યપાલો વિધાનસભામાં પસાર કરાયેલા ખરડાઓને પણ રોકી રાખે છે અને તેમને કાયદા બનવા દેતા નથી. આ ફરિયાદ અત્યંત ગંભીર છે અને ભાજપ વિરોધી પક્ષોના મુખ્ય પ્રધાનોમાંથી કોઈ એક રાજ્યના મુખ્ય પ્રધાનની આ ફરિયાદ નથી પણ ઘણા મુખ્ય પ્રધાનોની આ ફરિયાદ છે. બલ્કે આ મુખ્ય પ્રધાનો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. પંજાબ, તમિલનાડુ, કેરળ અને તેલંગણા સરકારોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલો વિરુદ્ધ અરજી કરી છે.
આ પૈકી પંજાબ સરકારે કરેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને ખખડાવી નાંખ્યા. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારનો આક્ષેપ છે કે, પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે વિધાનસભામાં પસાર કરાયેલાં સાત વિધેયકને રોકી રાખ્યાં છે. રાજ્યપાલ દ્વારા મંજૂરીમાં વિલંબ અંગે રાજ્ય સરકારે અરજી કરી છે.
આ અરજી પર સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેંચ બરાબર ભડકી અને સવાલ કર્યો કે, રાજ્ય સરકારોએ ગૃહમાં પસાર કરેલા ખરડા રાજ્યપાલ શા માટે અટકાવે છે? સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, રાજ્યપાલોએ યાદ રાખવું જોઈએ અને આત્મચિંતન કરવું જોઈએ કે તેમને પ્રજાએ નથી ચૂંટ્યા. રાજ્યપાલોએ કેબિનેટની સલાહ પ્રમાણે જ કામ કરવાનું હોય છે એ સમજી લેવાની જરૂર છે અને રાજ્ય સરકારો કોર્ટનાં દ્વાર ખખડાવે પછી જ રાજ્યપાલો કાર્યવાહી કરે છે એ પ્રથા બંધ થવી જોઈએ.
પંજાબ સરકાર વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી એ રજૂઆત કરેલી કે, પંજાબના વિધાનસભા સત્રમાં પસાર થઈ ગયેલા ખરડાને રાજ્યપાલે મંજૂરી આપવી જોઈએ અથવા રાજ્ય સરકારને પાછા મોકલવા જોઈએ પણ બીજી વાર સત્ર બોલાવાયું એવો મુદ્દો ઉપસ્થિત કરીને તેના પર સહી કરવાનો ઇનકાર ન કરી શકે. સુપ્રીમ કોર્ટે આ દલીલને માન્ય. રાખીને પુરોહિતને ખખડાવી નાંખ્યા.
સુપ્રીમ કોર્ટે પંજાબના સંદર્ભમાં આ ટીકા કરી પણ વાસ્તવમાં આ ટીકા તમામ રાજ્યપાલોને લાગુ પડે છે કેમ કે બીજાં રાજ્યોના રાજ્યપાલો પણ આ રીતે જ વર્તી રહ્યા છે. તમિલનાડુમાં ડીએમકે-કૉંગ્રેસ સરકારે રાજ્યપાલ આર.એન. રવિ સામે લાંબા સમયથી ૧૨ ખરડા રોકી રાખવાનો આક્ષેપ કરીને અરજી કરી છે. કેરળમાં ડાબેરી સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને બે વર્ષથી ત્રણ વિધેયક અને ત્રણ વિધેયકને એક વર્ષથી અટકાવા રાખવાનો આરોપ મૂકીને અરજી કરી છે.
તેલંગણાની બીઆરએસ સરકારે આરોપ મૂક્યો છે કે, રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને એક વર્ષથી ૧૦ ખરડા રોક્યા છે. રાજ્યપાલે દાવો કરેલો કે રાજ્ય સરકારે મોકલેલાં ત્રણ વિધેયક પર સહી કરી છે, બે રાષ્ટ્રપતિને મોકલ્યાં છે જ્યારે બાકીનાં રાજ્ય સરકારને પરત કરાયાં છે. રાજ્ય સરકાર આ દાવાનો ખોટો ગણાવી રહી છે. ટૂંકમાં ભાજપ વિરોધી પક્ષોની સરકારો છે એવાં બધાં રાજ્યોમાં રાજ્યપાલો મનમાની કરીને બંધારણની ઐસીતૈસી કરી જ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટની ટીકા ગંભીર છે પણ કમનસીબે તેના કારણે સુપ્રીમ કોર્ટ ચૂંટાયેલી સરકારની તરફેણ કરશે કે લોકશાહીની રક્ષા કરશે એવું માનવાની ભૂલ કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટનાં આ મૌખિક અવલોકનો છે અને તેના અંતિમ ચુકાદામાં ચિત્ર બદલાઈ શકે છે. ભૂતકાળમાં ઘણી વાર એવું બન્યું છે કે, સુપ્રીમ કોર્ટ બહુ ગરજી હોય ને પછી વરસે જ નહીં એવું ઘણી વાર બન્યું છે.
હમણાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાની જામીન અરજી વખતે જ એવું બનેલું. સુપ્રીમ કોર્ટે સવાલ કરેલો કે, સિસોદિયાએ પૈસા લીધા છે તેના પુરાવા જ ક્યાં છે? ઈડી ૩૨૭ કરોડ રૂપિયાની લાંચ અપાઈ હોવાનું કહે છે પણ આ રૂપિયા ક્યાંથી ક્યાં ગયા ને છેવટે સિસોદિયા પાસે પહોંચ્યા તેના પુરાવા જ નથી. ઈડી એક બિઝનેસમેનના નિવેદનના આધારે સિસોદિયાને જેલમાં રાખી રહી છે.
સુપ્રીમ કોર્ટના તેવર જોતાં લાગતું હતું કે, સિસોદિયાને જામીન મળી જશે પણ અચાનક ચિત્ર બદલાઈ ગયું. સુપ્રીમ કોર્ટને અચાનક લાગ્યું કે, લિકર કૌભાંડમાં પૈસાની લેતીદેતી કઈ રીતે થઈ તેના પુરાવા છે ને તેના આધારે સિસોદિયાની જામીન અરજી નકારી કઢાઈ. સિસોદિયાને બીજા છ મહિના માટે ફિટ કરી દેવાયા.
સુપ્રીમ કોર્ટનું વલણ અચાનક કેમ બદલાઈ ગયું તેની તેમને જ ખબર પણ ચૂંટાયેલી સરકારોની સત્તાના કેસમાં પણ એવું બની શકે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દાવો કર્યો છે કે, પંજાબ સરકારના સાત બિલ પર રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે યોગ્ય કાર્યવાહી કરી છે અને આગામી સુનાવણીમાં અમે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરીશું.
સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને પણ ખખડાવી છે. આમ આદમી પાર્ટીની સરકારે પંજાબ વિધાનસભાનું સત્ર માર્ચમાં પૂરું થયા પછી જૂનમાં ફરી સત્ર બોલાવ્યું હતું, સુપ્રીમ કોર્ટે આ સત્રને ગેરબંધારણીય ગણાવીને સવાલ કર્યો જ છે કે, સત્ર મોકૂફ રખાયા પછી છ મહિના પછી ફરી બોલાવવાનું હોય ત્યારે જૂનમાં શા માટે બોલાવાયું? આ ગેરબંધારણીય છે. ને એ બદલ પંજાબ સરકારે પણ આત્મમંથ કરવું જોઈએ. વિધાનસભામાં પસાર કરાયેલા ખરડાઓ પર સહી કરવાના મુદ્દાને આ વાત સાથે કોઈ લેવાદેવા નથી પણ સુપ્રીમ કોર્ટને લાગે તો આ દલીલ પણ માન્ય ઠરી શકે છે.
સુપ્રીમ કોર્ટને પુરોહિતે કરેલી યોગ્ય કાર્યવાહી એકદમ યોગ્ય લાગે અને સ્ટેટસ રિપોર્ટને માન્ય રખાય એવું બને. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી રાહ જોઈએ. આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટનું આ વલણ ટકે કેમ કે લોકશાહીની રક્ષા માટે એ જરૂરી છે.