ચંદ્રયાન 3 સાવ નિષ્ફળ નથી એ મોટી સિદ્ધિ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ચંદ્રયાન 3નું ચંદ્ર પર સફળ સોફટ લેન્ડિંગ થયું ત્યારે આખો દેશ ઝૂમી ઊઠેલો. 14 જુલાઈ 2023 ના રોજ લોંચ કરાયેલા ચંદ્રયાન 3 યાનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે બરાબર 40 દિવસ પછી 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચેલો કેમ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાં દુનિયાનું આ પહેલું યાન
હતું.
ભારતની આ મહાન સિદ્ધિનો આખા દેશે જશ્ન મનાવેલો, દેશના વિજ્ઞાનીઓની સિદ્ધિ પર આખા દેશે ગર્વ અનુભવેલો કેમ કે ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગના બે દિવસ પહેલાં જ રશિયાનું લ્યુના યાન નિષ્ફળ ગયેલું. રશિયા ના કરી શક્યું એ ભારતે કરી બતાવ્યું તેનો દરેક ભારતીયને ગર્વ હતો.
ભારતીય વિજ્ઞાનીઓએ મેળવેલી આ મહાન સિદ્ધિના બરાબર એક મહિના પછી ચંદ્રયાન 3 ફરી ચર્ચામાં છે પણ કમનસીબે આ વખતે સમય ઝૂમવાનો નહીં પણ ચિંતા કરવાનો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરેલા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે છેલ્લા ત્રણેક દિવસથી સંપર્ક તૂટી ગયો છે. ઈસરોના વિજ્ઞાનીઓ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે ફરી સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ હજુ સુધી સફળતા મળી નથી.
આમ તો ઈસરોના વડા સોમનાથનું કહેવું છે કે, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્રની ધરતી પર જઈને જે કામ કરવાનું હતું તે કરી લીધું છે તેથી સંપર્ક ન થાય તો પણ અફસોસ નહીં થાય પણ ફરી સંપર્ક સ્થાપિત થશે તો ફાયદો થશે. બંને ફરી કામ કરતાં થશે તો ચંદ્રની સપાટી પર વધુ પ્રયોગો કરી શકાશે એ જોતાં બંનેને ફરી સક્રિય કરવાના પ્રયત્ન કરવો જરૂરી છે.
ભારતના વિજ્ઞાનીઓએ શુક્રવારે પ્રજ્ઞાન અને વિક્રમને સક્રિય કરીને સંપર્ક સ્થાપિત કરવા પ્રયત્ન કર્યા હતા પણ એ સફળ ના થયા. વિજ્ઞાનીઓએ શનિવારે ફરી પ્રયત્ન કર્યો પણ ફરી સફળતા ના મળતાં ચિંતા વધી રહી છે. તેનું કારણ એ છે કે, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંને તેના પર લાગેલી સોલર પેનલથી જ કામ કરતાં થાય તેમ છે. ઇસરોનું કહેવું છે કે બેટરી સંપૂર્ણ ચાર્જ્ડ છે, લેન્ડર અને રોવરના રિસિવર્સ પણ કામ કરી શકે છે પણ સતત કામ કરવા માટે પેનલો સતત ચાર્જ થયા કરે એ જરૂરી છે.
આ સોલર પેનલ ચંદ્ર પર સૂર્યોદય થાય પછી જ ચાર્જ થવાનું શરૂ કરે ને કામ કરી શકે. જો દિવસ દરમિયાન સોલર પેનલો ચાર્જ ના થાય તો ખેલ ખતમ. લોકોને સવાલ થશે કે, એક દિવસ સોલર પેનલો ચાર્જ ના થાય તો બીજા દિવસે ફરી કેમ ના કરી શકાય ? ના કરી શકાય કેમ કે ચંદ્ર અને પૃથ્વી પરનું દિવસ-રાતનું ચક્ર સરખું નથી. પૃથ્વી પર 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત હોય છે પણ ચંદ્ર પર દિવસ અને રાત બંને પૃથ્વીના દિવસ-રાતથી અનેક ગણાં વધારે લાંબાં છે.
ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 29 દિવસ બરાબર હોય છે. મતલબ કે પૃથ્વી પર 24 કલાકના 14 દિવસ પૂરા થાય ત્યારે ચંદ્ર પર એક દિવસ પૂરો થાય ને બીજા 24 કલાકના 14 દિવસ પૂરા થાય એટલે ચંદ્રની રાત પૂરી થાય. હવે રાત્રે ચંદ્ર પર તાપમાન બહુ નીચું જતું રહે છે. નાસાના ડેટા પ્રમાણે રાત્રે ચંદ્રનું તાપમાન માઇનસ 130 ડિગ્રી જેટલું થઈ જાય છે અને કેટલાક વિસ્તારમાં તો માઈનસ 250 ડિગ્રી પર પહોંચી જાય છે.
ચંદ્ર પરનું તાપમાન માઇનસ 200 ડિગ્રીથી પણ નીચું જતું રહે એ સંજોગોમાં બેટરી અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોને નુકસાન થાય તેથી ભારત માટે ચંદ્ર પર દિવસ હોય એ જ સમય બચે છે કે જ્યારે સોલર પેનલોને ચાર્જ કરી શકાય. મતલબ કે, 7 ઓક્ટોબર સુધીનો જ સમય ભારત પાસે છે. એ પછી ચંદ્ર પર રાત પડી જશે તો પંદર દિવસ પછી શું થશે એ કહી ના શકાય.
ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થયું ત્યારે એટલે કે 23 ઑગસ્ટે ચંદ્ર પર દિવસ શરૂ થયો હતો. એ વખતે સોલર પેનલોને ચાર્જ કરીને લેન્ડર અને રોવરને કામ કરતાં કરી દીધાં હતાં. ચંદ્ર પર દિવસ પૂરો થાય તેના થોડા દિવસ પહેલાં ઈસરોએ લેન્ડર અને રોવરને સ્લીપ મોડમાં મોકલી દીધાં હતાં. પંદર દિવસ સુધી સ્લીપ મોડમાં રહ્યા પછી લેન્ડર અને રોવરની સોલર પેનલો ચાર્જ થઈ રહી નથી તેથી તેમને નુકસાન થયું હોવાની શક્યતા છે.
લેન્ડર અને રોવરને કામ કરવા માટે વીજળીની જરૂર છે પણ સોલર પેનલ ચાર્જ ના થાય તો વીજળી ના મળે ને બંને કામ ના કરે. હવે 15 દિવસ સ્લીપિંગ મોડમાં રહેવાથી પેનલો ચાર્જ કરતી બંધ થઈ ગઈ તો હવે પછીના 15 દિવસમાં બહુ આશા ના રખાય. આ કારણે ચંદ્રયાન 3 પણ ચંદ્રયાન અને ચંદ્રયાન 2ની જેમ નિષ્ફળ જશે કે શું એવી ચિંતા વિજ્ઞાનીઓને થઈ રહી છે.
ઈસરોના વિજ્ઞાનીઓને એક સમસ્યા એ પણ નડી રહી છે કે, લેન્ડર અને રોવરને વિજ્ઞાનીઓ પૃથ્વી પરથી ચાલુ કરી શકતા નથી. સોલાર પેનલ પરથી ઉર્જા મળે પછી જ કામ શરૂ કરી શકે છે એ જોતાં વિજ્ઞાનીઓ લાચાર છે. હાલમાં બંનેમાંથી કોઈ સિગ્નલ મળતા નથી તેથી વિજ્ઞાનીઓના પ્રયાસો ચાલુ છે. તેમને આશા છે કે, લેન્ડર અને રોવર બંને આપમેળે કામ કરતાં થશે પણ એવું ના થાય તો ચંદ્રયાન 3 મિશનનો પણ અંત આવી જશે.
આ મિશન સંપૂર્ણપણે નિષ્ફળ નથી રહ્યું એ ભારત માટે ગર્વની વાત છે પણ તેનો અંત નિર્ધારિત આવરદા પહેલાં આવી જાય એ દુ:ખદ તો કહેવાય જ. ચંદ્રયાનનું આયુષ્ય 14 દિવસનું જ છે તેથી હવે કામ નહીં કરે તો ફરી કદી કામ નહીં કરે અને ચંદ્રની સપાટી પર ભારતની યાદ તરીકે પડ્યું રહેશે. ઉ