એકસ્ટ્રા અફેર

સંઘ હવે અનામતની તરફેણમાં કેમ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રમાં મરાઠાઓ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગ સાથેનું આંદોલન ઉગ્ર બની ગયું છે ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અનામત મુદ્દે કૂદી પડ્યા છે. ભાગવતનું કહેવું છે કે, જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામતનો અમલ ચાલુ રાખવો જોઈએ. ભેદભાવ દેખાતા નથી ને અદૃશ્ય છે પણ સમાજમાં ભેદભાવ છે એ વાસ્તવિકતા છે. ભેદભાવ દેખાતો ભલે ન હોય પણ અંદરખાને આ ભેદભાવ સમાજને કોરી ખાય છે.


મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલતાં કહ્યું કે, સામાજિક વ્યવસ્થામાં આપણે આપણા બંધુઓને એટલે કે દલિતો, આદિવાસીઓ વગેરેને પાછળ છોડી દીધા છે. આપણે તેમની કાળજી લીધી ન હતી અને આવું બે હજાર વર્ષ સુધી ચાલતું રહ્યું તેથી તેમને થયેલો અન્યાય દૂર કરવા અનામત ચાલુ રાખવી જોઈએ. આ અન્યાય દૂર કરવા માટે તેમના માટે કોઈક વિશેષ અધિકાર તો હોવા જ જોઈએ અને અનામત તેમાંથી એક છે તેથી અનામત ચાલુ રાખવી જોઈએ. આરએસએસ બંધારણમાં આપવામાં આવેલી અનામતને સંપૂર્ણ સમર્થન આપે છે.


મોહન ભાગવતે એવું જ્ઞાન પણ પિરસ્યું, અનામત આપવાનો મુદ્દો માત્ર નાણાકીય અથવા રાજકીય સમાનતા સુનિશ્ર્ચિત કરવાનો નથી પણ સન્માન આપવા સાથે જોડાયેલો છે. તેમણે સવાલ પણ કર્યો કે, સમાજના કેટલાક વર્ગો બે હજાર વર્ષ સુધી ભેદભાવનો સામનો કરતા રહ્યા એ જોતાં જેમણે ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી એવા લોકોએ આગામી ૨૦૦ વર્ષ સુધી કેટલીક સમસ્યાઓનો સામનો કેમ ન કરવો જોઈએ? મતલબ કે, જેમને અનામતનો લાભ નથી મળતો એવાં લોકોએ તકલીફો વેઠવા માટે તૈયાર રહેવું જોઈએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌથી મોટું િંહદુવાદી સંગઠન કહેવાય છે. બે વર્ષ પછી આરએસએસની સ્થાપનાને સો વર્ષ પૂરાં થશે. દેશભરમાં સંઘના કરોડો સ્વયંસેવકો છે અને વિદેશોમાં પણ સંઘનો વ્યાપ બહુ મોટો હોવાનો દાવો થાય છે. આમ છતાં સંઘને કોઈ ગંભીરતાથી લેતું નથી. કરોડો લોકો જોડાયેલા હોય એવા સંગઠનની તાકાત અમાપ હોય પણ તેના બદલે સંઘની વાતને કોઈ ગણકારતું જ નથી કેમ કે સંઘની કોઈ વિશ્ર્વસનિયતા નથી.


સંઘ પોતાની ચોક્કસ વિચારધારા હોવાનું કહે છે પણ વાસ્તવમાં સંઘ તળિયા વિનાના લોટા જેવો છે. સત્તામાં બેઠેલા ભાજપના લોકોની ચાપલૂસી કરવી ને તેમને માફક આવે એવાં નિવેદનો આપ્યા કરવાં સંઘનું કામ છે ને તેના માટે થૂંકેલું ચાટવું પડે તો એમાં પણ તેમને જરાય શરમ નથી આવતી. મોહન ભાગવતનું અનામત અંગેનું તાજું નિવેદન તેનો વધુ એક નાદાર નમૂનો છે.
સંઘ પહેલાં અનામતનો વિરોધ કરતો હતો ને એવી પિપૂડી વગાડતો હતો કે, જ્ઞાતિ આધારિત અનામત પ્રથા નાબૂદ કરીને આર્થિક ધોરણે અનામત લાવવી જોઈએ. િંહદુઓમાં કહેવાતી સવર્ણ જ્ઞાતિઓમાં પણ ગરીબો છે તેમને અનામતનો લાભ મળતો નથી તેથી જ્ઞાતિ આધારિત અનામત નિરર્થક છે. આ વાત ખોટી લાગતી હોય તો ઈન્ટરનેટ પર જઈને સંઘના નેતાઓનાં જૂનાં નિવેદનો જોઈ લેજો.


સંઘના બીજા નેતાઓની વાત છોડો પણ મોહન ભાગવત પોતે જ શું કહેલું એ જ જાણી લો. ગુજરાતમાં ૨૦૧૬માં પાટીદારોને અનામત અપાવવા માટે હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂ કર્યું ત્યારે ભાગવતે કહ્યું હતું કે, અનામત વિશે ફરીથી એક વાર વિચારવાનો સમય આવી ગયો છે. સંઘના મુખપત્ર ‘પાંચજન્ય’ અને ‘ઓર્ગૅનાઈઝેર’ને આપેલી મુલાકાતમાં ભાગવતે કહેલું કે, અનામતની જરૂરિયાત અને તેની સમયસીમા વિશે એક સમિતિ બનાવવી જરૂરી છે. અનામતની યોગ્યતા પર નિર્ણય માટે એક બિન રાજનીતિ સમિતિ બનાવવી જોઇએ. હાલ અનામત વિશે રાજકારણ રમાઈ રહ્યું છે અને તેને દુરુઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં અનામત વિશે ફરી એક વાર વિચાર કરવો જરૂરી છે. અનામત અંગે એક સમિતિ બનાવવી જોઈએ. આ સમિતિ નક્કી કરે કે કેટલાં લોકોને અને કેટલા સમય સુધી અનામત આપવાની જરૂર છે.


આ બહુ જૂની વાત નથી. સાત-આઠ વર્ષ જૂની જ વાત છે. સાત-આઠ વર્ષ પહેલાં ભાગવત સાહેબ અનામત અંગે ફરી વિચારવાની, અનામત ક્યાં સુધી આપવી તેની સમયમર્યાદા નક્કી કરવાની વાતો કરતા હતા ને અત્યારે સવર્ણોએ ૨૦૦ વર્ષ સુધી ભોગ આપવા, સહન કરવા તૈયાર રહેવું પડશે એવી સૂફિયાણી વાતો કરી રહ્યા છે. ભાગવત અનામત અંગે ફરી વિચારવાની વાતો કરતા હતા, તેના માટે સમિતિ બનાવીને કોને કોને લાભ આપવો એ નક્કી કરવાની તરફદારી કરતા હતા તેના બદલે હવે સંઘ બંધારણે આપેલી અનામતને સંપૂર્ણ સમર્થન આપે છે એવા દાવા કરી રહ્યા છે. માણસમાં શરમ જેવું કંઈ હોય કે નહીં?


ભાગવતના આ જ્ઞાનના કારણે એ વખતે જ હોબાળો થઈ ગયેલો. કૉંગ્રેસે સંઘ અને ભાજપ બંને દલિત વિરોધી છે ને અનામત નાબૂદ કરવા માગે છે એવો આક્ષેપ કરેલો. બહુ હોહા થઈ પછી સંઘે એણ કહીને વાતને વાળવા પ્રયત્ન કરેલો કે, સંઘ હંમેશાં દલિતો, આદિવાસીઓ અને આર્થિક રીતે નબળા લોકોને અનામતના લાભ આપવાની તરફેણમાં જ છે. સંઘે એ વખતે પણ સાબિત કરેલું કે, એક વાર બોલ્યા પછી તેના પર ટકી રહેવાની તેનામાં તાકાત નથી ને અત્યારે પણ સંઘ એ જ કરી રહ્યો છે.
સંઘ અત્યારે અનામતની તરફેણનું જ્ઞાન કેમ આપી રહ્યો છે એ પણ સમજવા જેવું છે. મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો પૂરજોશમાં ચગ્યો છે. જાલના જિલ્લામાં શિવબા સંગઠનના ૪૦ વર્ષીય મરાઠા નેતા મનોજ જરાંગે ૨૯ ઑગસ્ટથી ભૂખ હડતાળ પર છે.


મરાઠા ક્રાંતિ મોરચા સાથે સંકળાયેલા જરાંગે મરાઠાઓને અનામતનો લાભ આપવાની જાહેરાત થાય તો જ ભૂખ હડતાળ સમેટવા તૈયાર હોવાના કારણે મહારાષ્ટ્રમાં છવાયેલા છે. ભાગવતે વહેતી ગંગામાં હાથ ધોવા અનામતની તરફેણ કરી નાંખી. કેન્દ્રની મોદી સરકાર પણ લોકસભાની ચૂંટણી જીતવા ઓબીસી અનામતનું પ્રમાણ વધારવાની ફિરાકમાં છે. સંઘ માટે ભાજપની નેતાગીરી માઈ-બાપ છે તેથી તેને રાજી
રાખવા માટે પણ ભાગવતે અનામતની તરફેણનો રાગ છેડી
દીધો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ…