એકસ્ટ્રા અફેર

એશિયન ગેમ્સમાં મૅડલની સદી, ભારત માટે ગૌરવની પળ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ચીનના હોંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ સમાપ્ત થઈ ગઈ ને આ એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 28 ગોલ્ડ મૅડલ સાથે કુલ 107 મૅડલ જીતીને ઈતિહાસ રચી દીધો. આ સાથે એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમવાર ભારતે 100 મૅડલનો આંકડો પાર કર્યો છે અને ભારત માટે આ બહુ મોટી સિધ્ધી છે. ભારતે કુલ 28 ગોલ્ડ મૅડલ, 38 સિલ્વર મૅડલ અને 41 બ્રોન્ઝ મૅડલ જીતીને તેના એશિયાડ અભિયાનનો અંત 107 મૅડલ અંકે કરીને કર્યો છે.


એશિયન ગેમ્સ સત્તાવાર રીતે રવિવારે પૂરી થઈ પણ ભારતના અભિયાનનો અંત શનિવારે આવી ગયો હતો. જો કે ભારતે છેલ્લા દિવસને સૌથી યાદગાર બનાવીને કુલ 12 મૅડલ જીત્યા અને 100નો આંકડો પણ પાર કર્યો. ભારતે શનિવારે 6 ગોલ્ડ મૅડલ, 4 સિલ્વર મૅડલ અને 2 બ્રોન્ઝ મૅડલ જીતીને સપાટો બોલાવી દીધો. ભારતની આ વખતના એશિયન ગેમ્સમાં શરૂઆત ધીમી હતી તેથી લોકોને ભારત 2018ના ઈન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલા એશિયાડ કરતાં સારો દેખાવ કરશે કે કેમ તે અંગે પણ સૌને શંકા હતી.


એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ 5 મૅડલ જીત્યા હતા ને આ દેખાવ અપેક્ષા પ્રમાણેનો નહોતો. બીજા દિવસે ભારતના ખાતામાં 6 મૅડલ આવ્યા જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસે ભારતે ક્રમશ: 3, 8 અને 3 મૅડલ આવ્યા હતા. આમ પહેલા પાંચ દિવસમાં ભારતના ખાતામાં 25 મૅડલ જ આવ્યા હતા તેથી ભારત 14 દિવસમાં એશિયન ગેમ્સ પતે ત્યારે માંડ જાકાર્તાના 70 મૅડલના લેવલે પહોંચશે એવું લાગતું હતું. પાંચ દિવસ પછી ભારતે સપાટો બોલાવવો શરૂ કર્યો. તેમાં પણ આઠમા દિવસે તો 15 મૅડલ જીતીને ભારતીય રંગ રાખી દીધેલો. છેલ્લા દિવસે પણ 12 મૅડલ જીતી ને ભારતે રંગ રાખ્યો છે.


શઆતના પાંચ દિવસ પછી ભારતીયોએ સપાટો બોલાવવા માંડતાં એશિયાડમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન થઈ ગયું. 2018ના જાકાર્તા એશિયન ગેમ્સમાં ભારતે 16 ગોલ્ડ મૅડલ સાથે 70 મૅડલ જીતીને અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ વખતે તેમાં સુધારો કરીને મૅડલોની સંખ્યામાં પચાસ ટકા કરતાં પણ વધારેનો વધારો કરી દીધો. વધારે ગૌરવની વાત એ છે કે, ભારતે જાકાર્તાની સરખામણીમાં વધારાના 37 મૅડલ જીત્યા તેમાંથી 12 તો ગોલ્ડ મૅડલ છે.


એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરાયો તેના કારણે ભારતને વધારાના બે ગોલ્ડ મૅડલ મળ્યા પણ બાકીના દસ ગોલ્ડ મૅડલ ભારતીય ખેલાડીઓએ મહેનત કરીને જીત્યા છે. શૂટિગ લાંબા સમયથી ભારતની તાકાત રહી છે ને ભારતે શૂટિગમાં 7 ગોલ્ડ મૅડલ, 9 સિલ્વર મૅડલ અને 6 બ્રોન્ઝ મૅડલ સાથે 22 મૅડલ જીતીને પોતાની સર્વોપરિતા પુરવાર કરી છે પણ ભારતનો વધારે શાનદાર દેખાવ એથ્લેટિક્સમાં રહ્યો છે.


ભારતે એથ્લેટિક્સમાં 6 ગોલ્ડ મૅડલ, 14 સિલ્વર મૅડલ અને 9 બ્રોન્ઝ મૅડલ સાથે 29 મૅડલ જીતીને લાંબા સમય પછી એથ્લેટિક્સમાં શાનદાર દેખાવ કર્યો છે. તીરંદાજીમાં પણ ભારતે 5 ગોલ્ડ મૅડલ, 2 સિલ્વર મૅડલ અને 2 બ્રોન્ઝ મૅડલ સાથે 9 મૅડલ જીતીને શાનદાર દેખાવ કર્યો છે. વાસ્તવમાં ભારતે એશિયન ગેમ્સમાં 100 મૅડલનો આંકડો પાર કર્યો તેમાં શૂટિગ, એથ્લેટિક્સ અને આર્ચરી એ ત્રણ ગેમ્સનું મોટું યોગદાન છે.


ભારતે આ એશિયન ગેમ્સમાં સૌથી વધુ ગોલ્ડ મૅડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો એ આપણા માટે ગૌરવની વાત છે પણ એશિયન ગેમ્સમાં ચીનનો દબદબો જોવા મળ્યો છે. ચીને 200 ગોલ્ડ મૅડલ સાથે કુલ 382 મૅડલ જીત્યા છે. મતલબ કે, ભારતે કુલ જેટલા મૅડલ જીત્યા તેના કરતાં વધારે તો ચીને ગોલ્ડ મૅડલ જીત્યા છે. એશિયન ગેમ્સમાં કુલ 477 ગોલ્ડ મૅડલ હતા ને તેમાંથી 194 એટલે કે 40 ટકા કરતાં વધારે ગોલ્ડ મૅડલ એકલું ચીન જીતી ગયું છે. ભારતે કુલ ગોલ્ડ મૅડલના 10 ટકા ગોલ્ડ મૅડલ પણ જીત્યા નથી.


ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે એ જોતાં ભારતનો દેખાવ તેની વસતીના પ્રમાણમાં એવો જબરદસ્ત નથી. ભારતે વસતીમાં ચીનને પછાડ્યું એ રીતે હવે ગોલ્ડ મૅડલમાં પણ ચીનને પછાડવું જોઈએ તો જ દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતા દેશ હોવાનો અર્થ સરે.


ભારતને ચીનને પછાડવામાં તો સમય લાગી શકે પણ હવે પછીની એશિયન ગેમ્સમાં ભારત જાપાન અને દક્ષિણ કોરીયાને પછાડીને કમ સે કમ બીજા સ્થાને આવવા તો પ્રયત્ન કરવો જ જોઈએ. ભારત બીજા નંબરે આવી જાય તો ભારતને તેની વસતીના પ્રમાણમાં દેખાવ કર્યો એવું લાગશે. આ વખતની એશિયન ગેમ્સમાં જાપાને 51 ગોલ્ડ સાથે 185 મૅડલ જીત્યા છે અને બીજા સ્થાને રહ્યું છે. સાઉથ કોરિયા 41 ગોલ્ડ મૅડલ સાથે 189 મૅડલ જીતીને ત્રીજા સ્થાને રહ્યું છે જ્યારે ભારત ચોથા સ્થાને રહ્યું છે.


રવિવારે કેટલીક સ્પર્ધાઓ બાકી છે તેથી ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાના મૅડલ્સમાં થોડો ફેરફાર થઈ શકે પણ ભારતની હવે કોઈ સ્પર્ધા નથી તેથી 28 ગોલ્ડ મૅડલ સાથે 107 મૅડલ ભારતનો અંતિમ સ્કોર છે.


જાપાન સાડા બાર કરોડની વસતી ધરાવતો દેશ છે જ્યારે દક્ષિણ કોરિયા સવા પાંચ કરોડની વસતી ધરાવતો દેશ છે. ભારતની વસતીની સરખામણીમાં જાપાન અને કોરિયાની વસતી કંઈ જ નથી છતાં આ દેશો સરળતાથી 200ની આસપાસ મૅડલ જીતી શકતા હોય તો ભારત તો 140 કરોડની વસતી ધરાવતો દેશ છે.

ભારત પાસે પણ ટેલેન્ટની કમી નથી એ જોતાં ભારત માટે જાપાન કે દક્ષિણ કોરિયાને પાછળ છોડવાં અશક્ય નથી.


2026ની એશિયન ગેમ્સ જાપાનના નાગોયામાં યોજાવાની છે ને આશા રાખીએ કે, ભારત નાગોયામાં ફરી નવો ઈતિહાસ રચે. ચીનના હોંગઝોઉમાં ભારતે પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરીને ઈતિહાસ રચ્યો છે ને 2026માં જાપાન અને દક્ષિણ કોરિયાને પાછળ છોડીને કમ સે કમ બીજા નંબરે આવીને વધુ એક ઈતિહાસ રચે. ચીનને પાછળ છોડીને નંબર વન બને તો તેનાથી ઉત્તમ તો બીજું કંઈ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button