ઝરીન ખાનનું ધરપકડ વોરંટ રદ
સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીર’માં જોવા મળેલી અભિનેત્રી ઝરીન ખાનને કોલકાતાની કોર્ટે રાહત આપતો ચૂકાદો આપ્યો હતો. સિયાલદહ કોર્ટમાંથી ઝરીન ખાનના નામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. હવે તે ધરપકડ વોરંટ કોલકાતા મેજિસ્ટ્રેટ દ્વારા રદ કરવામાં આવ્યું છે.
વર્ષ 2018 માં, એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ ઝરીન ખાન વિરુદ્ધ કોલકાતામાં 6 કાર્યક્રમોમાં હાજરી ન આપવા બદલ કેસ દાખલ કર્યો હતો, ત્યારબાદ નારકેલડાંગા પોલીસે સિયાલદાહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ઝરીન ખાને ન તો જામીન માટે અપીલ કરી કે ન તો કોર્ટમાં હાજર થઈ, જેના કારણે કોર્ટે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું. અભિનેત્રી ઝરીન ખાન લાંબા સમયથી કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાયેલી હતી.
કોલકાતા મેજિસ્ટ્રેટે ઝરીન ખાન વિરુદ્ધ જારી કરાયેલ ધરપકડ વોરંટ રદ કરી દીધું છે. અગાઉ, જ્યારે અભિનેત્રીને ધરપકડ વોરંટ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેણે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
નોંધનીય છે કે 2018માં ઝરીન ખાનને કોલકાતામાં દુર્ગા પૂજા કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેને આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી, જેના પગલે આયોજકોએ તેની સામે એફઆઈઆર દાખલ કરી હતી. આ પછી અભિનેત્રીને કોલકાતા પોલીસે પૂછપરછ માટે બોલાવી હતી. ઝરીને આરોપ લગાવ્યો હતો કે તેને જે કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું તેમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન પણ તેમાં સામેલ થશે તેવું પણ કહ્યું હતું પરંતુ તે આવ્યા નહોતા અને તેની ટીમને પાછળથી ખબર પડી કે તે ઉત્તર કોલકાતામાં એક નાનો જ કાર્યક્રમ હતો જે વિશે સંપૂર્ણ માહિતી તેને આપવામાં આવી નહોતી, આ સિવાય ઝરીને એ પણ ખુલાસો કર્યો હતો કે આયોજકોને તેના રહેઠાણ અને એર ટિકિટ અંગે પણ ગેરસમજ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ ‘વીર’થી બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. આ પછી અભિનેત્રી ‘હાઉસફુલ 2’, ‘હેટ સ્ટોરી 3’, ‘1921’ અને ‘અક્સર 2’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઝરીનને કેટરીના કૈફની લુકલાઈક કહેવામાં આવે છે.