મનોરંજન

વીક એન્ડ પર પાટે ચઢી ગઇ ‘Yodha’, કલેક્શનમાં આવ્યો ઉછાળો

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં તેમની ફિલ્મ ‘યોદ્ધા’ને લઈને ચર્ચામાં છે. તેમની ફિલ્મ યોદ્ધા સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે અને તેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની કમાણીમાં પણ સુધારો આવી રહ્યો છે. ફિલ્મના ત્રીજા દિવસનું કલેક્શન પણ હવે સામે આવ્યું છે, ત્યારે આપણે આ ફિલ્મે અત્યાર સુધી કેટલો બિઝનેસ કર્યો અને તેનું કુલ કલેક્શન કેટલું થયું તે જાણીએ.

સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલીવાર અભિનેત્રી દિશા પટણી અને રાશિ ખન્ના સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં તે કમાન્ડોની ભૂમિકામાં છે. તેનો એક્શન અવતાર દર્શકોને ઘણો પસંદ આવ્યો છે, પરંતુ ફિલ્મની બોક્સ ઓફિસ પર ધીમી ગતિ જોવા મળી હતી. જોકે, રવિવારે વિક એન્ડ પર ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો છે.


‘યોદ્ધા’ ફિલ્મના રિલીઝ થયાના પહેલા દિવસે 4.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શનિવારે બીજા દિવસે આ ફિલ્મને 5.75 કરોડ રૂપિયાનો બિઝનેસ મળ્યો હતો અને રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મે સાત કરોડનો બિઝનેસ કર્યો હતો. આમ ત્રણ દિવસમાં ‘યોદ્ધા’ ફિલ્મની કુલ કમાણી આશરે 17 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.


સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધાને અજય દેવગણની ફિલ્મ ‘શૈતાન’ની જોરદાર ટક્કરનો પણ સામનો કરવો પડી રહ્યો છે. દસ દિવસ થઈ ગયા છે છતાં પણ શૈતાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. ફિલ્મે દસ દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.


એક્શન થ્રીલર યોદ્ધાની વાત કરીએ તો તેમાં સિદ્ધાર્થ સાથે રોનિત રોય પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મમાં એક પ્લેન હાઇજેકની વાર્તા જણાવવામાં આવી છે કમાન્ડોની ભૂમિકામાં સિદ્ધાર્થ દેશ માટે આતંકવાદ સામે લડે છે. પ્લેનનું એન્જીન ફેલ થઈ જાય છે ત્યારે તે મુસાફરોનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે.

નિર્માતાઓએ દર્શકોને ફિલ્મ જોવા માટે એક ખાસ ઓફર પણ આપી હતી, જેમાં યોદ્ધાની બાય વન ગેટ વન ફ્રી ટિકિટ ખરીદવાની ઓફર સામેલ હતી. આ ઓફરના કારણે મેકર્સને વીકેન્ડનો ફાયદો મળ્યો હોવાનું અનુમાન છે. જોકે, આ ઓફર વીકએન્ડ માટે હતી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ફિલ્મ કેટલી કમાણી કરશે તે જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button