એક્સપ્રેસ ટ્રેનના AC કોચમાં ઇલેક્ટ્રિક કેટલમાં મેગી બનાવવી પડ્યું ભારે! વીડિયો વાયરલ થતાં જ રેલવેએ કરી…

ભારતીય રેલવે એ દુનિયાનું વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવા રેલવે નેટવર્કમાંથી એક છે અને આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ટ્રેનોમાં એવી ઉટપટાંગ હરકતો કરતાં હોય છે અને એના વીડિયો વાઈરલ થઈ જતાં હોય છે. આવી જ એક ઉટપટાંગ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા એક્સપ્રેસ ટ્રેનમાં ઈલેક્ટ્રિક કેટલનો ઉપયોગ કરીને મેગી બનાવી રહી છે. વીડિયો વાઈરલ થતાં જ રેલવે દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને રેલવેએ પ્રવાસીઓને પોસ્ટ કરીને આવું નહીં કરવાની અપીલ કરી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એક મહિલા એસી કોચમાં ઈલેક્ટ્રોનિક કેટલનો ઉપયોગ કરીને મેગી બનાવી હતી. આ વીડિયો સામે આવતા જ મધ્ય રેલવેએ પ્રવાસીઓને ચેતવણી આપી છે. એટલું જ નહીં રેલવેએ આવું કરનારા પ્રવાસીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરી છે.
આ પણ વાંચો: વાયરલ વીડિયોઃ ચાલતી ટ્રેન પકડવા જતાં મુસાફરે જીવને જોખમમાં મૂક્યો, જુઓ કોણે બચાવ્યો?
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે મહિલા રેલવે દ્વારા કોચમાં પ્રવાસીઓને મોબાઈલ ચાર્જ કરવા માટે આપવામાં આવેલા સોકેટમાં ઈલેક્ટ્રિક કેટલનું પ્લગ લગાવીને આ કેટલમાં મેગી બનાવી રહી છે. વાઈરલ વીડિયો જોતાં જ રેલવે દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સંબંધિતો સામે પગલાં લેવામાં આવ્યા છે.
રેલવે દ્વારા પ્રવાસીઓને ચેતવણી આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચેનલ અને સંબંધિત વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રેનની અંદર ઈલેક્ટ્રોનિક કેટલનો ઉપયોગ વર્જિત છે. આ અસુરક્ષિત, ગેરકાયદેસર અને દંડનીય અપરાધ પણ છે.
રેલવેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે આવું કરવાને કારણે ટ્રેનમાં આગ પણ લાગી શકે છે. આ સિવાય આને કારણે ટ્રેનના વીજ પુરવઠામાં પણ બાઝા આવી શકે છે અને પ્રવાસીઓ માટે પણ આ જોખમી સાબિત થઈ શકે છે. જો આસપાસમાં કોઈ વ્યક્તિ આવું કરતાં દેખાય તો સંબંધિત અધિકારીઓને આની સૂચના આપવાની અપીલ પણ રેલવે દ્વારા કરવામાં આવી હતી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો: વિદેશી રેપરે ભારતીય તિરંગો લહેરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો કોણ છે?
આ વીડિયો પર નેટિઝન્સ જાત જાતની કમેન્ટ આપી રહ્યા છે અને આને કારણે પ્રવાસીઓની જવાબદારી અને રેલવેની સતર્કતા પર વ્યાપક બહેસ છેડાઈ ગઈ છે. રીલ બનાવવી અને દેખાડો કરવો એ બીજા પ્રવાસીઓ અને આસપાસના લોકો માટે જોખમી અને પરેશાનીનું કારણ બની શકે છે.



