બર્થડેના એક દિવસ પહેલાં જ રણવીર સિંહે કેમ તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી? બધું બરાબર તો છે?

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરેક વ્યક્તિનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય જ છે. આવી સ્થિતિમાં બોલીવૂડના બાજીરાવ એટલે કે રણવીર સિંહે પોતાના 40મા બર્થડે પહેલાં જ સોશિયલ મીડિયા પરની પોતાની બધી જ પોસ્ટ ડિલીટ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. રણવીરના આ પગલાંને લઈને ફેન્સ જાત જાતની અટકળો લગાવી રહ્યા છે કે આખરે રણવીરે આવું કેમ કર્યું?

બોલીવૂડના બાજીરાવ રણવીર સિંહ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ નથી રહેતો પણ તે પોતાના ફોટો અને વીડિયો શેર કરતો હોય છે. હવે રણવીરે પોતાના 40મા બર્થડેના એક દિવસ પહેલાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તમામ પોસ્ટ ડિલિટ કરીને ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા છે. એટલું જ નહીં રણવીરે પોતાનો પ્રોફાઈલ ફોટો પણ ડિલીટ કરી દીધો છે. ફેન્સને એક્ટરના આ પગલું કારણ સમજમાં નથી આવી રહ્યું પણ કેટલાક લોકો તેને રણવીરની આગામી ફિલ્મ ધૂરંધર સાથે પણ દોડીને જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: રણવીર સિંહે કોના લગ્નમાં કર્યો લુંગી ડાન્સ, તસવીરો-વીડિયો વાઈરલ
વાત જાણે એમ છે કે હાલમાં રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ ધૂરંધરની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં પૂરેપૂરી શક્યતા છે કે પોતાના બર્થડે પર રણવીર પોતાની ફિલ્મનો ફર્સ્ટ લૂક ફેન્સ સાથે શેર કરે. આની એક હિન્ટ રણવીરે આપી પણ છે. રણવીરે ભલે પોતાની બધી પોસ્ટ ડિલીટ કરી હોય પણ તેણે એક સ્ટોરી શેર કરી છે જેના પર 12:12 એવું લખ્યું છે. આ સાથે બે તલવારના ઈમોજી પણ જોવા મળી રહ્યા છે.

આવી સ્થિતિમાં એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે રણવીર આવતીકાલે રવિવારે આ ટાઈમ પર ફિલ્મ ધૂરંધરની કોઈ અપડેટ શેર કરી શકે છે. જોકે, હજી સુધી રણવીર દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે તેણે પોતાના તમામ પોસ્ટ કેમ ડિલીટ કર્યા છે. જોકે, આ પહેલી વખત નથી કે રણવીરે આવું કર્યું હોય. આ પહેલાં પણ રણવીરે દીપિકા સાથેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યા હતા, જેને કારણે એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે રણવીર સિંહ અને દીપિકા પદૂકોણ વચ્ચે કંઈ ઠીક નથી. જોકે, બાદમાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું.
આ પણ વાંચો: રણવીરસિંહે ડીપફૅક વીડિયો બદલ પોલીસમાં નોંધાવી ફરિયાદ
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધૂરંધરનું નિર્દેશન આદિત્ય ધર કરી રહ્યા છે. આ એક એક્શન પેક્ડ ફિલ્મ છે જેમાં રણવીર સિંહ સાથે આર. માધવન, સંજય દત્ત, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના જેવા સ્ટાર્સ જોવા મળશે.