‘ભારતીય સિનેમા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ’ આ નિવેદન આપવું રાણીને કેમ ભારે પડી ગયું?

રાણી મુખર્જી બોલીવુડની ટોપ એકટ્રેસમાંની એક છે. તેણે પોતાની કારકિર્દીમાં ઘણું સારું કામ કર્યું છે. તે મીડિયા ઇન્ટરવ્યુમાં પણ બેબાક અંદાજથી સવાલના જવાબો આપે છે. જો કે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેને આમ કરવું ભારે પડી ગયું. હવે સોશિયલ મીડિયામાં તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.
વાત જાણે એમ બની હતી કે એક રાઉન્ડટેબલ ઇન્ટરવ્યુમાં રાણી મુખર્જી સાથે ઘણા કલાકારો બેઠા હતા. સાઉથના એક દિગ્દર્શક પૃથ્વી કોનાનૂરે ફિલ્મો અને આઇડિયા અંગેની વાતચીતમાં પૃથ્વીએ મુદ્દો મુક્યો કે ઇરાનીયન ફિલ્મો ભારતીય સિનેમા કરતા આઇડિયા મામલે બાજી મારી જાય છે. તેમણે કહ્યું, “હું લોકોને ઇરાનીયન ફિલ્મો જોવાનું કહું છું. તમે એમની ફિલ્મો અને અમારી ફિલ્મો જુઓ તો તમને ખ્યાલ આવે કે આપણે કોઇને કોઇ કારણોસર એમનાથી ઘણા પાછળ છીએ. તમે ઇરાનના સિનેમાઉદ્યોગને જુઓ તો ખ્યાલ આવશે કે ટેકનોલોજી વાપરવામાં કદાચ કચાશ હોય પરંતુ નવા વિચારોની રજૂઆતમાં તેઓ આપણાથી આગળ છે.”
આ વાત પર રાણી અસંમત થઇ, તેણે અધવચ્ચે જ ડિરેક્ટરની વાત કાપી નાખતા કહ્યું હતું કે “હું આ વાતથી સંમત નથી. ભારતીય સિનેમા વિશ્વમાં સૌથી ઉત્તમ છે, જો તમે એ પ્રકારની ફિલ્મો જોવા માગતા હોવ જે મૂળિયા બતાવે છે તો તમે 12th ફેઇલ ફિલ્મ જુઓ. એ વિધુ વિનોદ ચોપરાએ બનાવેલી ઉત્તમ ફિલ્મ છે અને તે ભારત વિશેની જ વાત કહે છે.”
અભિનેત્રીએ આગળ કહ્યું, “આ ફિલ્મમાં બધુ યોગ્ય રીતે બતાવવામાં આવ્યું છે, મને થાય છે કે ભારતમાં જ સૌથી વધુ અલગ પ્રકારની ફિલ્મો બને છે. અન્ય સિનેમામાં એ વૈવિધ્ય નથી જે ભારતીય સિનેમામાં છે. મને વિશ્વાસ છે કે ભારતીય સિનેમા પાસે વિશ્વને આપવા માટે એવું ઘણું બધું છે અને વાસ્તવમાં અમે જ વિશ્વમાં સર્વોત્તમ સિનેમા છીએ. હું ભારતીય સિનેમાની તુલના વિશ્વના અન્ય કોઇ સિનેમા સાથે નહિ કરું કારણકે અમારી પાસે જે કહાણીઓ છે તે જમીન સાથે જોડાયેલી કહાણીઓ છે.” તેમ રાણીએ ઉમેર્યું હતું.
જો કે તેના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઇ હતી. વાયરલ થઇ રહેલા રાણીના વીડિયોમાં યુઝર્સે તેને અહંકારી ગણાવી હતી અને કહ્યું હતું કે તે પોતે ફિલ્મો મેળવવા આવું કહે છે, જો અન્ય કોઇ આ વાત કહે તો તેને સાચી પ્રશંસા કહેવાય. તો અન્ય એક યુઝરે કહ્યું હતું કે જો રાણીએ કહ્યું તે સાચું જ હોય તો પછી આપણી અમુક ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે સંઘર્ષ કેમ કરતી હોય છે ?