મનોરંજન

પંકજ ત્રિપાઠીએ ECના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી કેમ રાજીનામું આપ્યું? રામમંદિર સાથે શું છે કનેક્શન?

પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠી હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નેશનલ આઇકન નથી રહ્યા. તેમણે સ્વેચ્છાએ જ ચૂંટણી આયોગને પોતાનું રાજીનામું ધરી દીધું છે. ત્યારે સવાલો ઉભા થઇ રહ્યા છે કે લોકસભા ચૂંટણી-2024 પહેલા જ શા માટે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા, જો કે આ પાછળ તેમની આવનારી ફિલ્મ કારણભૂત છે.

પંકજ ત્રિપાઠીની આગામી ફિલ્મ ‘મેં અટલ હૂં’ એ ખાસ્સી ઉત્સુકતા જગાવી છે. આ ફિલ્મ દેશના પૂર્વ પીએમ અટલ બિહારી બાજપેયીના જીવન પર આધારિત છે, જેમાં તેઓ અટલજીની ભૂમિકા ભજવી રહ્યા છે. આમ એક રાજનેતાની ભૂમિકા તેઓ ભજવી રહ્યા હોવાથી તેમણે સ્વૈચ્છિક રીતે જ ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી રાજીનામું આપી દેવાનો નિર્ણય લીધો હતો. આ અંગે ચૂંટણી પંચ દ્વારા પણ સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી છે.

હાલ પંકજ ત્રિપાઠી તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમણે રામમંદિર વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે “હું મારી દિકરી અને પત્ની સાથે રામલલાના દર્શન કરવા જઈશ, હાલમાં મને આમંત્રણ નથી. જોકે હાલમાં અયોધ્યામાં મોટા પ્રમાણમાં ભીડ પણ છે એટલે એકાદ-2 મહિના પછી કામમાંથી થોડો સમય કાઢીને અયોધ્યા જરૂર જઈશ અને રામલલાના દર્શન કરીશ.” જો કે અમુક મીડિયા અહેવાલો કહી રહ્યા છે કે તેમને આમંત્રણ પાઠવવામાં નથી આવ્યું એટલે નારાજ થઇને તેમણે રાજીનામું આપી દીધું હતું.

બોલિવૂડ અને સાઉથના કેટલાક એક્ટર્સને રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠામાં જવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમા રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, અક્ષય કુમાર, સંજય લીલા ભણશાલી, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ, મધુર ભંડારકર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અજય દેવગન, સની દેઓલ, પ્રભાસ અને યશ જેવા અનેક નામોનો સમાવેશ થાય છે. પરંતુ આ ખાસ મહેમાનોની યાદીમાં પંકજ ત્રિપાઠીનું નામ સામેલ નથી, જે એક રામના ભક્ત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button