માધુરી દીક્ષિતની કોણ હત્યા કરવા માગતું હતુંઃ પૉડકાક્ટ એપિસોડમાં થયો ખુલાસો

આજથી વીસેક વર્ષ પહેલા બોલીવૂડ અંધારી આલમના સકંજામાં હતું તે વાત કંઈ નવી નથી. ઘણા અભિનેતાઓના દાઉદ સાથેના સંબંધો હોવાનું જગજાહેર છે. તેમના દાઉદ સાથેના ફોટા પણ વાયરલ થયા છે. એક સમયે અંધારી આલમ લાખો કરોડો રૂપિયા બોલીવૂડમાં ઠાલવતો હતો અને પોતાને ગમે તે હીરો કે હીરોઈનને નચાવતો હતો. ઘણી અભિનેત્રીઓ સાથે તેમના સંબંધો હોવાનું બહાર આવતું તો ઘણા કલાકારોએ તેમના પ્રસંગોમાં ઠુમકા પણ લગાવ્યા છે. બદલામાં પૈસા અને કિંમતી ગિફ્ટ્સ મળતી.

પણ એક અભિનેત્રી હતી જે અંધારી આલમના એક ડોનને ખૂબ ગમી ગઈ, પરંતુ હાથમાં આવી નહીં અને અંતે એ ડોને તેની હત્યા કરવાનું નક્કી કરી નાખ્યું હતું. આમ જોઈએ તો આ ડોનનો કોઈ દોષ ન કહી શકાય કારણ કે આ અભિનેત્રીએ તો આવા કેટલાયને ઘાયલ કર્યા છે અને આજે પણ એ લાખો ફેન્સની ધડકન છે. આ અભિનેત્રી એટલે ધકધક ગર્લ માધુરી દીક્ષિત નેને. જે તે સમયે માત્ર માધુરી દીક્ષિત હતી.
આ પણ વાંચો: …તો ‘ડર’ ફિલ્મમાં જુહી ચાવલા જોવા ન મળી હોતઃ માધુરી દીક્ષિતે શા માટે કહ્યું આમ?
90નાં દાયકામાં બોલીવૂડ પર શ્રીદેવી બાદ લાંબા સમય સુધી માધુરી દીક્ષિતનું રાજ રહ્યું અને તેણે ઘણી હીટ ફિલ્મ્સ અને સુપરહીટ સૉંગ્સ આપ્યા. તેની મારકણી અદાઓથી ઘાયલ દાઉદનો ભાઈ અનીસ ઈબ્રાહીમ થયો અને તેણે માધુરીને દુબઈમાં એક કાર્યક્રમમાં ડાન્સ કરવા આમંત્રણ આપ્યું. માધુરીને આ આમંત્રણ સ્વીકાર્યું નહીં. અનીસે વારંવાર કોશિશ કરી પણ માધુરી એકની બે ન થઈ. અભિનેત્રીની આ બેરૂખી ડોનથી સહન ન થઈ અને તેણે માધુરીને મારી નાખવાનો પ્લાન બનાવી નાખ્યો. મુંબઈમાં અમુક ગતિવિધિઓ તેજ બની. આ ખબર મુંબઈ પોલીસ સુધી પહોંચી અને પોલીસ અધિકારી અવિનાશ ધર્માધિકારીએ અભિનેત્રીની સુરક્ષાની જવાબદારી લીધી. તેમણે ખબરીઓને સતર્ક કર્યા અને અંતે આ મનસૂબો કારગત નિવડ્યો નહીં. એમ પણ કહેવાય છે કે માધુરીનું લગ્ન બાદ અમેરિકા સ્થાયી થવાનું એક કારણ આ પણ હતું કે તેનો જીવ ખતરામાં હતો.

આ કિસ્સો પત્રકાર જિતેન્દ્ર દીક્ષિતે એક પોડકાસ્ટ એપિસોડમાં કહ્યો હતો અને ધર્માધિકારીએ કઈ રીતે માધુરીને રક્ષણ પૂરું પાડ્યું તે પણ જણાવ્યું હતું.