અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં આ વખતે છે ટોગા પાર્ટી, જાણો એમાં શું હોય છે
વિશ્વના ધનકુબેરોમાં સ્થાન પામતા અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવારના દરેક સેલિબ્રેશન એકદમ હટ કે હોય છે. તેમનો પરિવાર જે કંઇ પણ ઉજવણી કરે તે ચર્ચાનો વિષય બની જાય છે. અગાઉ માર્ચ મહિનામાં યોજાયેલા મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શનમાં લગભગ 1,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. આ લગ્નમાં દેશ-વિદેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો હતો. હાલમાં અનંત અંબાણીનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે,જેને માણવા દેશવિદેશના મહાનુભાવોને લક્ઝરી ક્રૂઝમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સેલિબ્રેશનનો થીમ ટોગા પાર્ટી છે.
તમને પણ વિચાર આવતો હશે ને કે આ ટોગા પાર્ટી શું છે?, એનું સેલિબ્રેશન કેવી રીતે કરે? તો તમારી આતુરતાનો અંત કરી દઇએ છીએ. ચાલો આપણો જાણીએ કે ટોગા પાર્ટી શું હોય છે. ટોગા પાર્ટી એ ગ્રીકો-રોમન-થીમ આધારિત કોસ્ચ્યુમ પાર્ટી છે જ્યાં ઉપસ્થિત લોકો સેન્ડલ સાથે પ્રાચીન રોમન પરંપરાથી પ્રેરિત વસ્ત્રો પહેરે છે. કોસ્ચ્યુમ, પાર્ટી ગેમ્સ અને અન્ય મનોરંજનમાં પણ પ્રાચીન રોમન અથવા ગ્રીક પરંપરાને અપનાવવામાં આવે છે.
Read More: 640 કરોડનો વિલા અને 450 કરોડનો નેકલેસ, અનંત-રાધિકાને નીતા અંબાણીએ આપી ભેટ
ટોગા પાર્ટીમાં લોકો ફેશનેબલ ડિઝાઇનર વસ્ત્રો નથી પહેરતા પણ પરંપરાગત રોમન કપડા પહેરે છે. પાર્ટીમાં ઉપસ્થિત તમામ લોકો ટોગા ડ્રેસ પહેરે છે. (એક સમયે ટોગા ડ્રેસ રોમનો રાષ્ટ્રીય પોષાક ગણાતો હતો) પાર્ટીમાં ઉપસ્થિત લોકો ટોગા ડ્રેસ પહેરીને ડાન્સ કરે છે, ગાય છે, ખાય છે, પીએ છે, મસ્તીમજાક કરે છે. તેમાં બીજી ઘણી પ્રવૃતિઓ કરવામાં આવે છે અને જુદી જુદી રમતો પણ રમવામાં આવે છે. અન્ય થીમથી વિપરિત ટોગા થીમ પાર્ટીમાં દરેક લોકોના વસ્ત્રોની ડિઝાઇન લગભગ સરખી જ હોય છે. ભારતીય ડ્રેસમાં જેમ શરીરની આસપાસ ધોતી વિટાળવામાં આવે છે, એવી જ રીતે આ રોમન ડ્રેસ (ટોગા)ને શરીરની આસપાસ વિંટાળવામાં આવે છે. સામાન્ય ભાષામાં કહીએ તો એક બેડશીટને લઇને ખભેથી શરીરની આસપાસ વિંટાળી દેવામાં આવે છે.
જોકે, ભારતમાં આવી ટોગા પાર્ટીઓનું ચલણ ઓછું છે, પણ યુરોપમાં આવી પાર્ટીઓ કરવાનો ટ્રેન્ડ વધુ જોવા મળે છે. ટોગા પાર્ટીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યાપકપણે લોકપ્રિય છે. અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટે તેમના 52મા જન્મદિવસ માટે જુલિયસ સીઝરની વેશભૂષામાં “ડિયર સીઝર” થીમ આધારિત પાર્ટી કરી હતી જ્યાં તેમણે ટોગા પહેર્યો હતો.
સૌથી મોટી ટોગા પાર્ટીનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બ્રિસ્બેન, ક્વીન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં થયો હતો. યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડ યુનિયન અને ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સ્ટુડન્ટ ગિલ્ડ દ્વારા આયોજિત આ ટોગા પાર્ટી 24મી ફેબ્રુઆરી 2012ના રોજ યોજાઈ હતી, જેમાં 3,700 લોકોએ ભાગ લીધો હતો.