G-20ને લઇને શાહરૂખ ખાને પીએમ મોદીને શું કહ્યું?
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન હાલ ‘જવાન’ને મળી રહેલી સફળતાનો આનંદ માણી રહ્યા છે. પોતાની ફિલ્મને દેશભરમાંથી મળી રહેલા અદ્ભૂત પ્રતિસાદને લઇને ચાહકોનો આભાર માનતા શાહરૂખે G-20 ના આયોજનને લઇને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
શાહરૂખ ખાને તેની પોસ્ટમાં લખ્યુ, “ભારતની G-20 શિખર સંમેલનની સફળ અધ્યક્ષતા અને વિશ્વના લોકોના ભવિષ્ય માટે દેશો વચ્ચેની એકતાને પ્રોત્સાહિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને અભિનંદન. દરેક ભારતીયના હૃદયમાં આ ગર્વ અને સન્માનની લાગણી લઇને આવ્યું છે. સર, તમારા નેતૃત્વ હેઠળ અમે એકલતા નહિ પરંતુ એકત્વ સાથે સમૃદ્ધ બનીશું. એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય.”
શાહરૂખ ખાનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનેલું છે, તેનું કારણ ‘જવાન’નો પોલિટીકલ એન્ગલ છે. ખાસ કરીને ‘જવાન’ના ક્લાઇમેક્સના સંવાદો ખેડૂતોની આત્મહત્યા, દેશની આરોગ્ય વ્યવસ્થા જેવા અનેક મુદ્દાઓ પર છે જે ઘણા વાઇરલ પણ થયા છે. એક સંવાદમાં શાહરૂખ કહે છે કે વોટ આપતા પહેલા ઉમેદવારને એ પૂછવું જોઇએ કે તે આગામી પાંચ વર્ષ દરમિયાન દેશમાં બેરોજગારી, શિક્ષા, સ્વાસ્થ્ય જેવા મુદ્દે શું કામગીરી કરશે.