વર્ષો પહેલાના વીડિયોથી મૃણાલ પરેશાનઃ બિપાશાની બૉડી શેમ મામલે કરવી પડી સ્પષ્ટતા

ઈન્ટરનેટ યુગનો ફાયદો કહો કે નુકસાન, પણ દટાયેલા મુરદા બહાર લાવવાની તાકાત આ ટેકનોલોજીએ આપણને આપી દીધી છે અને તેનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં આવે છે. તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ સન ઓફ સરદાર-2 ની હીરોઈન મૃણાલ ઠાકુર સાથે પણ આમ જ કંઈક થયું છે.
તેની ફિલ્મ રિલિઝ થયા બાદ એક તો તેનું નામ અભિનેતા ધનુષ સાથે જોડાયું. રજનીકાંતના જમાઈ ધનુષ સાથે મૃણાલ બે-ચાર વાર દેખાઈ અને લોકોએ બન્ને ડેટિંગ કરી રહ્યા હોવાની વાતો ફેલાવી. હાલમાં તો આવું કંઈ ન હોવાનું મૃણાલે કહ્યું છે.
ત્યાં હવે તેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જૂનો છે. કુમકુમ ભાગ્ય સિરિયલ સમયે મૃણાલે એક ચેનલ સાથે વાત કરી હતી ત્યારનો આ વીડિયો છે. વીડિયોમાં મૃણાલે અભિનેત્રી બિપાશા બાસુને મર્દાના કહી હતી. ઈન્ટરવ્યુમાં મૃણાલ સાથે અર્જિત તનેજા છે.
અર્જિતે મૃણાલને શીર્ષાસન કરવા કહ્યું હતું ત્યારે મૃણાલે અર્જિતને મર્દાના છોકરીઓ ગમતી હોય તેમ લાગે છે તેમ કહી જા તું બિપાશા સાથે મેરેજ કરી લે, પણ હું બિપાશાથી સારી છું, તે પ્રકારનું મજાકીયા નિવેદન આપ્યું હતું. જોકે બિપાશાએ તેનો જવાબ પણ આપ્યો હતો. બિપાશાએ કહ્યું હતું કે મહિલાઓએ મજબૂત રહેવું જ જોઈએ.

એક મજબૂત મહિલા જ બીજી મહિલાને ઉપર લાવશે. આપણે મહિલાની બૉડી મામલે વિચાર બદલવાની જરૂર છે. મહિલાઓ શારીરિક રૂપે મજબૂત દેખાવાની જરૂર નથી તેવો વિચાર આપણે છોડી દેવો જોઈએ.
આ વીડિયો ફરી વાયરલ થતા મૃણાલે આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે. તેણે ઈન્ટા પોસ્ટ દ્વારા કહ્યું કે 19 વર્ષની ઉંમરે મેં ઘણી ભૂલો કરી છે. મારો ઈરાદો બોડી શેમિંગનો ન હતો. આ બધુ મજાકમસ્તીમાં કહેવાયું હતું, પરંતુ મારે મારી વાત અલગ રીતે, યોગ્ય રીતે કહેવાની જરૂર હતી.