‘કિંગ ખાન’નું આ સોન્ગ નેપાળી ગીતનું કોપી હતું?
મુંબઈઃ બોલીવૂડમાં ‘કિંગ ખાન’ તરીકે ઓળખાતા શાહરુખ ખાનની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેન્ગે’ અને ‘દિલ તો પાગલ હૈ’ જેવી ફિલ્મો કલ્ટ ફિલ્મોમાંની ગણાય છે અને આજે પણ લોકો આ ફિલ્મો જોવાનો મોકો મળે તો જરૂર જોઇ લે છે. જોકે, ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મ તેના એક ગીતના કારણે ચર્ચામાં આવી છે.
આ ફિલ્મનું ‘ભોલી સી સૂરત આંખો મેં મસ્તી’ જરૂર યાદ હશે. જોકે, આ ગીત ખરેખર નેપાળની એક ફિલ્મના ગીત ઉપરથી પ્રેરણા લઇને બનાવવામાં આવ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. નેપાળના આ ફિલ્મના ગીતની ક્લિપ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ રહી છે, જેમાં એ ગીત આબેહૂબ ‘દિલ તો પાગલ હૈ’ના ‘ભોલી સી સૂરત’ ગીત જેવું જ લાગે છે.
નેપાળની ‘દેઉકી’ ફિલ્મનું આ ગીત છે અને નેટિઝન્સ આ ગીતને શાહરુખની ફિલ્મના ગીત સાથે સરખાવતી વીડિયો ક્લિપ્સ વાઇરલ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ‘દેઉકી’ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ રિલીઝ થઇ તેનાં ત્રણ વર્ષ પહેલા એટલે કે 1994માં રિલીઝ થઇ હતી, જ્યારે શાહરુખ અને કરિશ્માને ચમકાવતી ‘દિલ તો પાગલ હૈ’ 1997માં રિલીઝ થઇ હતી.
હવે બંને ગીતની ટ્યૂન એકસરખી છે તે માત્ર સંજોગ છે કે પછી તેના પરથી પ્રેરણી લઇને શાહરુખની ફિલ્મનું ગીત બનાવાયું તેવી ચર્ચા નેટીઝન્સ કરી રહ્યા છે. ‘દિલ તો પાગલ હૈ’ લેજન્ડરી ફિલ્મ મેકર યશ ચોપરાએ ડિરેક્ટર કરી હતી અને એ વર્ષની હિટ ફિલ્મોમાંની એક રહી હતી. ફિલ્મનું બજેટ ફક્ત રૂ. 90 મિલિયન હતું, જ્યારે ફિલ્મે રૂ. 700 મિલિયનની કમાણી કરી હતી.