ઇન્તજાર ખતમ, હવે આ તારીખે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે ફિલ્મ ‘હનુમાન’

મુંબઈ: અભિનેતા તેજા સાચ્ચાની બહુચર્ચિત ફિલ્મ ‘હનુમાને’ બૉક્સ ઓફિસ પર મોટી કમાણી કરવાની સાથે દર્શકોની ખૂબ પસંદગી મેળવી હતી. 12 જાન્યુઆરીએ થિયેટરમાં રીલીઝ થયેલી સાઉથની આ ફિલ્મે આખા ભારતમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આખી દુનિયામાં મળીને ફિલ્મે 293 કરોડ રૂપિયાનો આંકડો પર કર્યો હતો. જોકે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે રીલીઝ થશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેથી હવે બે મહિના બાદ ફિલ્મના ઓટીટી રીલીઝને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.
પ્રશાંત વર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘હનુમાન’ના ઓટીટી રાઇટ્સને લઈને ZEE5 સાથે વાત ચાલી રહી હતી અને આ ફિલ્મ આઠ માર્ચે રીલીઝ થવાની હતી. જોકે કોઈ કારણસર આ ડીલ સફળ ન થતાં હવે જીઓ સિમેના (Jio Cinema) દ્વારા ફિલ્મના રાઇટ્સને ખરીદવામાં આવ્યા છે.
જીઓ સિમેના દ્વારા ‘હનુમાન’ ફિલ્મના હિન્દી વર્ઝનને 16 માર્ચે Jio Cinema ઍપ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ સાથે 16 માર્ચે કલર્સ ટીવી ચેનલ પર ફિલ્મને આખી દુનિયામાં પ્રીમીયર થવાની છે.
મૂળ તેલગુ ભાષામાં બનેલી ફિલ્મ ‘હનુમાન’ એક સુપરહીરો ફિલ્મ છે. આ ફિલ્મમાં તેજા સાચ્ચા, અમૃતા અય્યર અને વરલક્ષ્મી સરતકુમાર લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને હવે હિન્દીમાં જીઓ સિનેમા પર રીલીઝ કરવાની જાહેરાત કરી દર્શકોને ખુશ કરી દીધા છે.