
મુંબઈઃ લૉ બજેટ ફિલ્મ 12th Failથી સૌની વાહવાહી મેળવી ચૂંકેલા વિક્રાંત મેસ્સીનો એક ઈન્ટરવ્યુ વાયરલ થયો છે. તેણે આ ઈન્ટરવ્યુમાં પોતાના પરિવાર વિશે પણ ઘણી વાતો કહી છે જેની લગભગ તેના ફેન્સને ખબર નહીં હોય. વિક્રાંતના ઘરમાં હિન્દુ, મુસ્લિમ, શિખ, ઈસાઈ એમ બધા જ ધર્મના લોકો રહે છે. એક જ પરિવારમાં આટલા અલગ અલગ ધર્મ પાળવામાં આવે છે, જે ભારતના વિવિધતામાં એકતાની સંસ્કૃતિના દર્શન કરાવે છે.
વિક્રાતે કહ્યું કે તેના પિતા જૉલી મેસ્સી ખ્રિસ્તી છે અને માતા શિખ છે. હવે તેના ભાઈનું નામ મોઈન છે. હવે આ વાતની ઘણાને નવાઈ લાગે છે કારણ કે વિક્રાંત નામ તો હિન્દુ છે. આનો જવાબ આપતા વિક્રાંત કહે છે કે મારા ભાઈએ 17 વર્ષની ઉંમરે ઈસ્લામ અંગિકાર કર્યો છે.
વિક્રાંતે આ બાબતે જણાવ્યું કે જ્યારે મારા ભાઈએ ઈસ્લામ ધર્મ અપનાવવાની વાત કરી ત્યારે મારા પરિવારે તેને કહ્યું કે જો આમ કરવાથી તને શાંતિ અને સંતોષ મળતા હોય તો તું કરી શકે છે. તેણે કહ્યું કે મારા માતા શિખ છે અને મારા પિતા અઠવાડિયામાં બે વાર ચર્ચ જતા ખિસ્તી છે. ઘરમાં અલગ અલગ ધર્મના લોકો રહેતા હોવાથી આ વિશેની ઘણી વાતો કે દલીલો તેના ઘરમાં થતી રહે છે.
આ સાથે વિક્રાંતે એમ પણ કહ્યું કે જ્યારે માતા પિતાને તેમના સંબંધીઓ પૂછતા કે તમે મોઈનને ધર્મ બદલાની રજા શા માટે આપી ત્યારે મારા પિતા તેમને રોકડું પરખાવી દેતા કે તે તમારો વિષય નથી. મારો પુત્ર માત્ર મને જવાબ આપવા બંધાયેલો છે. વિક્રાંતે કહ્યું કે આ બધુ જોયા બાદ મને થતું કે ધર્મ શું છે અને ત્યારબાદ એવું લાગ્યું કે તે માણસે બનાવેલો છે.
વિક્રાંતે શિતલ ઠાકુર સાથે લગ્ન કર્યા છે અને તાજેતરમાં જ તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. આ સ્ટાર પોતાની એક અલગ અને મજબૂત ઓળખ બનાવી રહ્યો છે. ટીવી સિરિયલ બાલિકા બધુથી તેણે શરૂઆત કરી હતી ત્યારબાદ ફિલ્મો અને ઓટીટી પર ઘણા સારા રોલ મેળવ્યા છે. વિધુ વિનોદ ચોપરાની 12th Failમાં આઈપીએસ મનોજ શર્માનું પાત્ર ભજવી ફિલ્મ ફેર તેણે પોતાને નામ કર્યો છે.